Abtak Media Google News

સાંતલપુર સમાચાર

સાંતલપુર તાલુકાના એવાલ ગામ ખાતે ઈકો ટુરિઝમ સાઇટ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું . ૨.૭૦ કરોડના ખર્ચે ઈકો ટુરીઝમ સેન્ટર  એવાલ ગામ ખાતે તૈયાર કરવામાં આવેલ છે.સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ અંતર્ગત નિર્મિત ડેઝર્ટ સફારી & ડેસ્ટીનેશન ડેવલપમેન્ટ ફોર ટુરીઝમ એક્ટીવીટીનું ઈ-લોકાર્પણ ગુજરાત વિધાનસભાના અઘ્યક્ષ  શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે વારાહી મામલતદાર કચેરી ખાતે ઇ લોકાર્પણ કરવામાં આવ્યું. આ ઇ લોકાર્પણ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુત પણ વરચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા.

જે પ્રસંગે એવાલ ગામમાં જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ઈકો ટુરિઝમ સાઈટના ઈ -લોકાપર્ણ પ્રસંગે એવાલ ઈકો ટુરિઝમ સાઈટ ખાતે તકતીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હેતલબેન ઠાકોર, રાધનપુર ધારાસભ્યશ્રી લવિંગજી ઠાકોર, જીલ્લા કલેકટરશ્રી અરવિંદ વિજયન, નિવાસી અધિક કલેકટરશ્રી પ્રદિપસિંહ રાઠોડ, તાલુકા પંચાયત, નાયબ વન સંરક્ષકશ્રી બિંદુબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.Screenshot 19

પાટણ જિલ્લાની સરહદે આવેલ સાંતલપુર તાલુકાના એવાલ ગામ પાસે ઈકો ટુરીઝમ સેંન્ટર બનાવવા માટે ભારત સરકારના ગૃહ વિભાગ હસ્તકની સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ (B.A.D.P.) યોજના હેઠળ પ્રવાસીઓને રહેવા-જમવા માટે રૂ.૨.૭૦ કરોડના ખર્ચે ઈકો ટુરીઝમ સેન્ટર (કેમ્પ સાઈટ) તૈયાર કરવામાં આવેલ છે. જેને ડેઝર્ટ સફારી & ડેસ્ટીનેશન ડેવલપમેન્ટ ફોર ટુરીઝમ એક્ટીવીટીઝ તરીકે ઓળખવામા આવશે.

ઈકો ટુરીઝમ સેન્ટરના સ્થળ ઉપર પાર્કિંગ, રીસેપ્શન, ડાઈનીંગ એરીયા, બાળકો માટે રમવાના સાધનો, ગાર્ડન એરીયા, ગઝેબો-૨, સિંગલ કોટેઝ-૪, ડબલ કોટેઝ-૨, ૧૦ બેડની વ્યવસ્થા વાળી ડોરમેટ્રી-૧ જેવી પ્રવાસીઓને રહેવા માટેની વિવિધ સુવિધાઓ બનાવવામા આવેલ છે.Screenshot 21

ઈકો ટુરીઝમ સ્થળની નજીક ચારણકા સોલાર પાર્ક આવેલ છે. જે એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક છે તેમજ ઈશ્વરીયા મહાદેવ મંદીર-જાખોત્રા, વરવડી માતાજીનુ મંદિર-ઘોકાવાડા, સગત માતાજી મંદિર-ઝઝામ, ભીમકુંડ-આલુવાસ, નકલંક ધામ-વૌવા, જેવા જોવાલાયક ધાર્મિક સ્થળો ઈકો ટુરીઝમ સેન્ટરની નજીકમા આવેલ છે.

પર્યાવરણ પ્રેમીઓ માટે તેમજ પ્રવાસીઓ માટે હરવા-ફરવા તેમજ આજકાલની દોડ-ધામ ભરી જીવનશૈલીથી દુર એવુ આ કેન્દ્ર લોકો માટે આશીર્વાદ સ્વરૂપ બની લોકોમા પર્યાવરણના જતન, વનોના સંરક્ષણ/સંવર્ધન પ્રત્યે લોક જાગૃતિ કેળવવામા મદદરૂપ થશે.

આ ઈકો ટુરીઝમ સેન્ટરથી ઘુડખર અભ્યારણ વિસ્તાર અડીને આવેલ હોવાથી અભ્યારણમા વસતા વન્યપ્રાણીઓ જેવાકે ઘુડખર, ઝરખ, નીલગાય, ચિંકારા, શીયાળ, શાહુડી, જેવા પ્રાણીઓ નિહાળવાનો પ્રવાસીઓને લાહ્વો મળશે.Screenshot 20

આ ઈકો ટુરીઝમ સેન્ટરથી સાંતલપુર પંથકમાં સૌથી મોટો પ્રવાસન પ્રોજેક્ટ નિર્માણ પામેલ છે. પ્રવાસીઓની મુલાકાત થકી સ્થાનિક લોકો માટે રોજગારીની તકો ઉભી થવાથી સરહદી વિસ્તારને વેગ મળશે.

યુવાઓ માટે કેમ્પસાઈટની નજીકમા ટ્રેકીંગ માટે નેચર ટ્રેઈલની સુવિધાઓ પણ ટુંક સમયમાં ઉપલબ્ધ કરાવવામા આવશે.

ઈકો ટુરીઝમ સેન્ટરના કેમ્પસમા તેમજ આજુબાજુમા અંદાજે ૨૮૦૦ જેટલા દેશીકુળના વૃક્ષોનુ વાવેતર સુકા વિસ્તારને હરીયાળો બનાવવા માટે વનવિભાગ દ્રારા કરવામા આવેલ છે.

ઈકો ટુરીઝમ સેન્ટરથી ઘુડખર અભ્યારણનો વિસ્તાર અડીને આવેલ હોઈ રણ દર્શન કરવા જતા પ્રવાસીઓને અભ્યારણ વિસ્તારમા ફરવા જવા માટે ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડનની મંજુરી મેળવવાની થાય છે.

આ ઈકો ટુરીઝમ સેંન્ટરનુ સંચાલન સ્થાનીક ઈકો ટુરીઝમ કમિટી દ્રારા કરવામા આવશે. જેના થકી સ્થાનિક લોકોને રોજગાર મળશે.

દિપક સથવારા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.