Abtak Media Google News

“એક સામાન્ય ઘોડેશ્વાર ભૂપત બૂબ રાજકિય કિન્નાખોરીને કારણે કુખ્યાત બહારવટીયો ‘ભૂપત’ બની ગયો !

બાબરાના અનુભવો

Advertisement

ફોજદાર જયદેવની એક પધ્ધતિ હતી કે નવા ઉગતા રાજકારણીઓ જેઓ કાંઈક નવીન આદર્શો નવા વિચારો સાથે કાંઈક ક્રાંતીકારી કામ કરવા ઈચ્છતા હોય તેને પ્રોત્સાહન અને ટેકો અવશ્ય આપવો.

બાબરાના જામબરવાળા ગામે સરપંચની ચૂંટણીમાં નવા યુવાન વસંતકુમાર ચૂંટાયા હતા તેમને રાષ્ટ્રવાદી પક્ષનો ટેકો હતો આથી સહજ રીતે આ વિસ્તારનાં વિધાયક રાષ્ટ્રીય પક્ષના હોય તેમને આ પસંદ નહોય.

અનુભવે જણાયું છે કે કેટલાક નવા નવા રાજકારણીઓ શરૂ શરૂમાં સારા આદર્શો ધરાવતા હોય છે. પરંતુ અંદર ખાને કેવા છે તેતો લાંબા સમયે ખ્યાલ આવે કે સાચી માનસીકતા તેમની શું છે. કેમકે હાલના સંજોગોમાં તો રાજકારણીઓની પધ્ધતી હાંથીના દાંત જેવી છે ‘દેખાડવાના અને ચાવવાના દાંત જુદા જુદા !! બાબરા ખાતે સરપંચ વસંતકુમારે ફોજદાર જયદેવની મુલાકાત લીધી તેમાં તેમને જયદેવની વાતચીત અને વ્યવહાર ઉપરથી એવો અહેસાસ થયો કે પોલીસ તો આપણી જ છે. પરંતુ એ પણ સહજ અને વાસ્તવીક હકિકત છે કે ખોટા કાર્યમાં તો પોલીસનો સાથ સહકાર ન જ હોય.

જુના સમયમાં લગભગ તમામ ગામડાઓમાં સામાન્ય રીતે ગામતળ ખળાવાડ વિ. તથા સીમતળમાં લાગુ જમીનમાં પંચાયત અને રેવન્યુની જમીનોમાં દબાણો પેશકદમીઓ થતા જ હતા. તેમ નવા સરપંચે પણ કોઈ જૂની પેશકદમી અંગે જામબરવાળા ગ્રામ પંચાયતની મીટીંગમાં આવી પેશકદમી અંગે કોઈ ઠરાવો મૂકવા તલાટી મંત્રીને કહ્યું પરંતુ નિયમો અનુસાર અને કાયદા પ્રમાણે નવા સરપંચની પોતાની દબાણ વાળી બાબતો અંગે ઠરાવ ન થઈ શકે તેમ આના કાની કરી આથી પંચાયતના સભ્યોની મીટીંગમાં જ બબાલ થઈ આથી પડછંદ કાયા અને મોટી મોટી મુછો વાળા સરપંચે તલાટી મંત્રીને ખેંચીને ચાર પાંચ ઝાપટ મારી દીધી.

આથી બરવાળા ગામમાં મોટો દેકારો બોલી ગયો, રાહ જોઈને બેઠેલા હારી ગયેલા રાષ્ટ્રીય પક્ષના સભ્યોએ આ અંગે તલાટીને મદદ કરી સાક્ષી બની બાબરા પોલીસ સ્ટેશનમાં સરકારી ફરજમાં રૂકાવટ અને હુમલો વિગેરેની ઈ.પી.કો. કલમ ૧૮૬ ૩૩૨ વિગેરે મુજબ ફરિયાદ નોંધાવી દીધી ફોજદાર જયદેવે કાયદેસર કાર્યવાહી કરી પડેલ પુરાવા મુજબ નવા સરપંચની તાત્કાલીક ધરપકડ કરી અને કોર્ટમાં રજૂ કર્યા અને જામીન ઉપર છૂટતા જયદેવે સીઆરપીસી ક ૧૦૭ ૧૧૬ (૩) મુજબ પણ કાર્યવાહી કરાવી સરપંચના સારી ચાલ ચલગતના જામીન લેવડાવ્યા અને ફરીથી સુલેહ ભંગ ન થાય તે માટે પોતે પણ અંગત રીતે સરપંચને સુચના કરી.

પરંતુ આ બનાવ બન્યાની ખબર આ સતાધારી રાષ્ટ્રીય પક્ષના ધારાભ્યને પડતા તેઓ જયદેવને મળ્યા અને રજૂઆત કરી કે આવી સરપંચની દાદાગીરી ચલાવી લેવાય જ નહિ સરપંચની પાસા કરો. જયદેવે ધારાસભ્યને આ પાસા એટલે કે પ્રિવેન્શન ઓફ એન્ટી સોસીયલ એકટીવીટી એકટ મુજબ એવા અસામાજીક તત્વો કે જેણે ત્રણ કરતા વધુ ગુન્હા કર્યા હોય અને વારંવાર ગુન્હા કરતો હોય અને કાયદો અને વ્યવસ્થા માટે જોખમ રૂપ હોય તેની વિરૂધ્ધ જ આ અટકાયતી કાર્યવાહી થાય આમ એક જ ગુન્હામાં અને તે પણ સરપંચ જેવી વ્યકિત આવી સ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા તથા જાહેર સુલેહ શાંતી તુટી પડે નહિ આથી સરપંચની પાસામાં કાયદાની મર્યાદા અને લોકશાહીની મર્યાદામાં ધરપકડ થઈ શકે નહિ આથી તેમણે કહ્યું સરપંચે ગ્રામ પંચાયતમાં કેટલાયે કોઠા કબાડા કર્યા છે. તો હવે તેની ફોજદારી ફરિયાદો થશે પછી તો તમે પાસાની કાર્યવાહી કરશો ને?

જયદેવને મનમાં થયું કે સાલુ ખરૂ છે આ લોકશાહીનું રાજકારણ, આ સરપંચે કઈ જાહેર વ્યવસ્થા ખોરંભે પાડી અને જનતાને ત્રાસરૂપ થયો કે તે કયાં ધંધાદારી ગુનેગાર છે.પરંતુ ધારાસભ્ય તો લોકશાહીના રાજા તેથી પેલી કહેવત મુજબ ‘રાજાને ગમી તે રાણી અને છાણા વીણતી આણી’ અનુસાર ગમે તે કરશે.

ધારાસભ્ય ગયા મામલતદાર પાસે અને કહ્યું કે ‘તમારા તલાટી મંત્રીને માર્યો છે અને તમે ચુપચાપ બેઠા છો? તેમને કાંઈ અસર થતી નથી?’ ‘મામલતદારે કહ્યું ’ બીજુ શું કરવાનું હોય સરપંચે કરેલ હુમલાની પોલીસ ફરિયાદ કરી દીધી અને સરપંચે જે ભૂતકાળમાં વ્યકિતગત ધોરણે પેશકદમી અને દબાણો કર્યા તેની રેવન્યુ એકટ મુજબ કાર્યવાહી કરી તેમને નોટીસો આપી દીધેલ છે. ધારાસભ્ય એ કહ્યું ‘નહિ આ તમામની ફોજદારી ફરિયાદ કરો’

મામલતદાર જયદેવને મળ્યા અને બરવાળાના સરપંચની પેશકદમીઓ અંગે તેમણે જે રેવન્યુ રાહે કાર્યવાહી કરી છે તેની ફોજદારી ધારા-ભારતીય દંડ સંહિતા મુજબ પણ કાર્યવાહી કરવા ચર્ચા કરી આથી જયદેવે કહ્યું તમારા ખાતામાં આજદીન સુધીમાં અવું કયારેય બન્યું છે? આ વ્યકિત કોઈ ધંધાદારી ગુનેગાર નથી પણ રાજકીય માણસ છે. વહીવટી દ્રષ્ટીએ આપણે ભુંડા લાગીશુ મને આ કરવુ વ્યાજબી નથી લાગતુ વીળી હવે આ રાજકીય મુદો તો બનશે જ અને તેમાં આપણે ચોખ્ખો ભેદભાવ કર્યો છે તે પહેલી દ્રષ્ટીએજ સાબીત થશે. આથી મામલતદારે કહ્યું વાત તો સાવ સાચી છે તેથી તેમણે આ હકિકત ધારાસભ્ય ને કહી.

ધારાસભ્ય વાળી જયદેવને મળ્યા અને કહ્યુ કે આ સરપંચનો પ્રશ્ર્ન અમારા માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે કાંઈકતો કરવું જ પડશે હું ગૃહ વિભાગમાંથી હુકમ કરાવું છું જયદેવે આ પાસા કાયદાનો અભ્યાસ અગાઉ કરેલો તેમાં જોગવાય એવી પણ છેકે વ્યકિત ફોજદારી ગુન્હા કરે ઉપરાંત જમીન પેશ કદમી દબાણ કરવાની ટેવ વાળો હોય તો પણ આ કાયદા તળે તેની અટકાયતનું વોરંટ જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર કાઢી શકે.

વળી પાસાની દરખાસ્ત જેમ પોલીસ ખાતુ કરે તેમ રેવન્યુ મામલતદાર પણ કરી શકે. આથી જયદેવે તેમને કહ્યું તમે મામલતદારને પાસાની દરખાસ્ત તૈયાર કરવાનું કહો હું આ સરપંચ વિરૂધ્ધક દાખલ થયેલ તલાટીની ફોજદારી ફરિયાદની નકલ વિગેરે મોકલું છું ધારાસભ્યએ મામલતદારને પાસા દરખાસ્ત તૈયાર કરવા જણાવી દીધું. ત્યાર પછી મામલતદારે જયદેવ સાથે વાત કરી કે ધારાસભ્ય મારી પાછળ પડયા છે.

મેં જીંદગીમાં કયારેય પાસાની દરખાસ્ત કરી નથી. જયદેવે કહ્યું કાંઈ વાંધો નહિ તમારા એક નાયબ મામલતદારને ફાળવી દયો હું તેમને મદદ કરી તૈયાર કરાવી દઉં છુ આમ સરપંચ વસંતકુમારની પાસા દરખાસ્ત તૈયાર થઈ અને કલેકટરે વસંતકુમારનું ભૂજ જેલનું પાસાનું વોરંટ જયદેવને જ બજાવવા માટે મોકલી દીધું. જયદેવે રાત્રીના સમયે જ સરપંચને બરવાળા ખાતે બોલાવીને પાસાના વોરંટનો અમલ પણ કરી દીધો.

જયદેવ વહેલી સવારે જ સરકારી જીપમાં સરપંચને કેદી પાર્ટી સાથે લઈને ભૂજ જવા રવાના થયો. જીપમાં સરપંચ વસંતકુમાર જે આમતો સિંહ જેવા હતા પણ આજે તેમની હાલત દયનીય હતી એક તો ખેડુત માણસ જીંદગીમાં કયારેય ધરપકડ થયેલ નહિ અને આ એક અઠવાડીયામાં બીજી ધરપકડ થઈ પહેલા તલાટીને મારવાના કિસ્સામાં તો સાંજે ઘેર જતા રહેલા લોકઅપ પણ જોયેલું નહિ પણ આ બીજી ધરપકડ વસમી હતી, પાસા નામુ પણ ભયંકર અને આ વોરંટ અનિશ્ચિત સમય માટે અને તે પણ ભૂજનું.

આ ભૂજ જેલનું નામ તે સમયે ગુજરાતભરમાં ગુનેગાર આલમમાં ખરાબમાં ખરાબ હતુ પણ આ જૂની જેલ સને ૨૦૦૧ના ધરતીકંપમાં જમીનદોસ્ત થઈ અને નવી વિશાળ સુવિધા યુકત પાલારા જેલ ભૂજ ખાતે બનેલ છે. ભૂજ જેલમાં જવાનું એટલે તે સમયે વાહન વ્યવહાર પણ ટાંચા તેથી કોઈ સગાવહાલાકે મીત્રો પણ આટલે દૂર મળવા આવતા સો વખત વિચાર કરે ! વળી સરપંચે જીંદગીમાં ભૂજતો ઠીક કચ્છ પણ કયારેય જોયેલું નહિ તેથી તેમને થયું હવે મને કોણ છોડાવશે તેવા વિચારથી સરપંચ સાવ ભાંગી પડયા હતા.

રસ્તામાં મોરબી આવતા તમામ લોજમાં જમવા બેઠા, જમ્યા પછી થડા ઉપર જતા વસંતભાઈ એ જમવાનું બીલ પોતે આપવાનો આગ્રહ કર્યો પરંતુ જયદેવે કહ્યું વસંતભાઈ અત્યારે તમે અમારા મહેમાન, છૂટીને આવો ત્યારે તમે ખાસ કાર્યક્રમ રાખજો અમે મહેમાન બનીશું તેમ કહેતા સરપંચની આંખમાં પાણી આવી ગયા અને ગળગળા સાદે બોલ્યા તેનો તો હવે કયારેય મેળ પડે? ભગવાન જાણે! આની કરતા તો ભગવાને મોત મોકલ્યું હોત તો સારૂ હતુ. જયદેવને થયું કે સરપંચને જો મોકો મળે તો અત્યારે જ આત્મહત્યા કરે તેવી મનૌસ્થિતી હતી તેથી પોલીસ પાર્ટીને પોતાની રીતે હોશિયાર રહેવા તાકીદ કરી.

આમ કાફલો આવ્યો ભૂજ ખાતેની હાથીખાના જેલ ઉપર રજવાડા વખતની વિચિત્ર અને વખંભર જેલ જોઈને જ વસંતકુમાર ભયભીત થઈ ગયા હતા જયદેવે જેલ સુપ્રિન્ટેડેન્ટ સમક્ષ વોરંટ અને અટકાયતી ને રજૂ કરી કબજો સોંપ્યો. કાર્યવાહી પુરી થતા રવાના થવા માટે જયદેવ ઉભો થતા જ વસંતકુમારની આંખો ભીનીતો હતી જ અને જયદેવેને જવાનું નામ પડયું એટલે ધ્રુસકે ને ધ્રુસકે રડી પડયા અને જયદેવને બાથભરી લઈને કહ્યું ‘સાહેબ તમે તોજાણો છો મેં શુ મોટો ગુન્હો કરી નાખ્યો છે. આતો રાજકીય હિસાબ જ ચૂકતે કર્યો છે.

‘જયદેવે આશ્વાસન આપ્યું અને કહ્યું ‘ખરી વાત છે. આતો ચીભડાના ચોરને ફાંસીની સજા’ જેવું થયું છે. પણ તમે ચિંતા ન કરો ઈતિહાસ કહે છેકે જે જે નેતાઓ જેલમાં ગયા છે તે મોટા નેતા બનીને બહાર આવે છે. તમે પણ છૂટીને આવ્યા પછી બાબરા તાલુકાના તો નેતા થઈ જ જશો. વસંતભાઈ એ કહ્યું ‘સાહેબ હવે બધુ તમારા હાથમાં છે’ જયદેવે કહ્યું ‘વધીને બે કે ત્રણ મહિનામાં તમે પાછા આવી જશો’ જયદેવે જેલ સુપ્રિન્ટેડેન્ટને ભલામણ કરી કે આ મહાશય રાજકીય કિન્નાખોરીનો ભોગ બન્યા છે તમે બને તેટલું ધ્યાન રાખજો.

બીજે દિવસે રાષ્ટ્રવાદી પક્ષ અને જૂની રાષ્ટ્રીય પાર્ટીના માજી ધારાસભ્યએ મળીને બાબરા શહેરમાં રેલી કાઢી મામલતદારને આવેદન પત્ર અપાયું છાપાઓમાં ફોટાઓ સાથે રાજકીય કિન્નાખોરીથી ધરપકડ ના સમાચારો છપાયા, વસંતકુમાર આથી હીરો બની ગયા અને એકાદ મહિનામાં જ ભૂજની જેલમાંથી છૂટીને વસંતકુમાર પાછા આવી ગયા. વસંતકુમારે છૂટીને પહેલુ કામ બાબરા હાઈવે ઉપર જ દુકાન ખરીદી ને એગ્રોકેમીકલ્સ જંતુનાશક દવા અને બીયારણની દુકાન ખોલી નાખી અને આખા તાલુકાના સર્ટીફાઈડ નેતા થઈ ગયા !

ત્યાર પછી એક દિવસ નેતાજી વસંતભાઈએ જયદેવને પેલુ મોરબી લોજમાં આપેલુ વચન યાદ કરાવ્યું અને તેમના મહેમાન બનવા આગ્રહ કર્યો. આથી જયદેવે તેમને કહ્યું તાલુકાના તમામ અધિકારીઓ મામલતદાર, ટીડીઓ, વિગેરે સહિતનાને આમંત્રણ આપો તોઅમો તમામ તમારે ત્યાં લોકશાહી ઢબે આવીએ. આથી વસંતભાઈ એ જામબરવાળા ગામની સીમમાં આવેલ એકાંત ધાર્મિક સ્થળમાં તેમની જેલ યાત્રાની લોટીવિધિ ના માનમાં ભોજન સમારંભ યોજયો અને આમ બાબરા તાલુકાને એક નવા નેતા મળ્યા.

બીજો એક યાદગાર અનુભવ સરકારી અધિકારીનો હંમેશા યાદ રહે તેવો થયો બાબરા તાલુકા પંચાયતમાં આરોગ્ય શાખાના એક અધિકારી વ્રજરાજસિંહજી હતા આ બાપુનું મુળ વતન બાબરા તાલુકાનું ધરાઈ વાવડી ગામ હતુ જયદેવ દસ વર્ષ પહેલા જસદણ પોલીસ સ્ટેશનમાં હતો ત્યારથી ઓળખતો હતો. પરંતુ ઉંડો અને વાસ્તવીક પરિચય તો બાબરામાં નિમણુંક થયા પછી જ થયો.

વજુબાપુ હતા તો પંચાયતના કર્મચારી પણ તેમનો રોલો પોલીસ અધિકારી જેવો હતો.છએક ફૂટ ઉંચાઈ મોટી મોટી આંખો અને વળ દીધેલી મુછો હંમેશા સફારી ડ્રેસજ પહેરવાનો અને માથા ઉપર શહીદ ભગતસિંહ જેવી ટોપી પહેરતા. તેમનું એક જમા પાસુ એ હતુ કે તેમની બોલવાની ભાષા અતિ વિનમ્ર અને વિવેકી આથી તેમની આ દેખાવ અને વાણી લગભગ દરેક વ્યકિત તેમની અસરમાં આવી જ જાય ભુપત બહારવટીયાના કારણે જ બાપુ જુના જમાનાના ગ્રેજયુએટ થયેલા હિન્દી તો ઠીક પણ બાપુ મૂડમાં હોય તો અંગ્રેજીમાં પણ વાતોકરવા માંડે, ભારતીય ઈતિહાસનું જ્ઞાન તો તેમનું અજોડ હતુ.

સાથે ઈતિહાસની વાત માંડો એટલે તેમને જાણે ‘ગોળના ગાડા આવ્યા’ અતિ ખૂશ થઈ અવાજનો રણકો પણ કરી જાય મોગલ વંશ, ડેલ હાઉસીની ખાલસા નિતિ, લોડ કર્જનની ભાગલા પાડો અને રાજકરોનીતિ વિગેરે રસપ્રદ રીતે વર્ણવે અને જો હલ્દી ઘાટીના યુધ્ધ વાત માંડે તો બાપુનો સીન જ ફરી જાય અને બાપુથી ત્રણ ચાર ફૂટ દૂર બેસવું પડે બાપુ આક્રમક બની ને તેમના હાથ ચારે દિશામા તો ઘૂમાવે અને આંખો પણ લાલ થઈ ચકરવકર થવા માંડે.

જયદેવને લાંબા પરિચયમાં વજુબાપુનું વાતોનું સ્ટેશન મેળવતા આવડી ગયેલું ધીમેથી પોતાનો ઈચ્છીત મુદો કે વિષય અંગે વાત સાંભળવા માટે બાપુને તે મુદો કે વિષય અંગે પ્રશ્ન પૂછતા જ બાપુ પોતાના તે વિષયના તમામ જ્ઞાનનો ઘડો રસ પૂર્વક ઠાલવી દેતા બાપુને લોક સાહિત્ય સમાજ,રાજકારણ, ધર્મ, ભૂત ભરાડી, મંત્ર તંત્ર જુના જમાનાના કોઈ ખાસ બનાવો અંગે પણ બાપુ પાસે પૂરૂ અને આધારભૂત કે સાંભળેલું પણ જ્ઞાન હતુ તે નિદોર્ષ ભાવે રજૂ કરતા.

પરંતુ બાપુ પાસેથી વાત કરાવતા આવડવું જોઈએ, જો વચ્ચે કોઈએ ભૂલે ચૂકેય પણ ભુપત બહારવટીયાની વાત કરી તો પૂરૂ. ભુપત બહારવટીયાનું નામ સાંભળીને બાપુનો મૂડ તો બગડી જ જાય વાત પણ બંધ થઈ જાય તે ઉપરાંત ચહેરા ના હાવભાવ અને તેમનો અવાજ પણ ફરી જાય અને છેલ્લો ડાયલોગ મારીને કે ‘અરર તે નીચ… નરાધમ… હરામી….પાપી… બાપુને આવડે તેટલા વિશેષણો લગાડી ને કહે અત્યાર અત્યારમાં આ નરાધમનું નામ કયાં લીધું છે તેમ કહી ચૂપ થઈ જાય.

જયદેવને જે દિવસે નાઈટ ડયુટી હોય અને ખાસ કોઈ કામ ન હાય તો તે વજુબાપુને સાંજના અગાઉથી જ જાણ કરી દેતો કે રાત્રે વિશ્રામગૃહમાં ડાયરો કરવો છે. આથી રાત્રે અગીયાર વાગ્યે બાપુ તેમના બંગલે તૈયાર જ બેઠા હોય ડાયરામાં તો બીજા કોઈ માણસો નહિ જીપમાંના એક બે જવાનો અને વિશ્રામગૃહનો ચોકીદાર વલ્લભ આટલા જ લોકો વિશ્રામ ગૃહના જુઈ અને રાતરાણી વાળા વિશાળ બગીચામાં ડાયરો જમાવતા, જો કોઈ સંજોગોમાં બાપુનો મૂડ બગડયો હોય તો જયદેવ જીપ મોકલી નાસ્તો ચા પાણી મંગાવી વાતનો વિષય જ ફેરવી નાખતો અને ફરીથી ધીમેધીમે ગાડી પાટે ચઢાવતો આ રીતે જૂના જમાનાની અને વર્તમાનની બાબરા અમરેલી તથા આ વિસ્તારની વાતો પણ બાપુ પાસેથી જાણતો.

આ ગ્રેજયુએટ બાપુ બહારવટીયા ભૂપતથી આટલા બધા પૂર્વ ગ્રહીત કેમ હતા તેની પૂછપરછ જયદેવે બીજા જૂના સ્થાનિક નિવાસીઓથી તપાસ કરી જાણ્યું કે રાજાશાહી દરમ્યાન બાબરા દરબાર સાહેબે ભાવનગર રાજય સાથે વ્યવહાર સાચવવા માટે ગામડેથી વજુબાપુના પિતા ઈશ્વરસિંહને પોતાના અંગત મદદનીશ તરીકે લઈ આવેલા અને ઈશ્વરસિંહને ખાસ કાર ડ્રાઈવીંગ પણ શીખવાડેલુ આથી ખાસ પ્રસંગોમાં બાબરા દરબાર સાહેબ સાથે ઈશ્વરસિંહ જ કાર ચલાવી સાથે જતા.

તે સમયે ભુપત બુબ વાઘણીયા દરબાર સાહેબનો અશ્ર્વપાલ હતો અને તે ઘોડોઓને બહુસારી રીતે ખેલવતો. એક વખત બાબરા દરબાર સાહેબના કુટુંબમાં કોઈ લગ્ન પ્રસંગ હોય વાઘણીયા દરબાર સાહેબ પોતાના રસાલા સાથે બાબરા આવેલા આ લગ્નનું ફૂલેકૂ બાબરા બજારમાંથી પસાર થતુ હતુ બાબરા દરબાર સાહેબ પોતાની કારમાં હતા અને ડ્રાઈવીંગ ઈશ્વરસિંહ કરતા હતા તે સમયે મોટરકારતો રાજા મહારાજાઓ અને ગણ્યા ગાંઠીયા ધનીકો પાસે જ રહેતી.

ગામડામાં લગ્ન પ્રસંગમાં ફૂલેકામાં વરરાજા સિવાય અન્ય લોકો પણ ઘોડા ખેલાવતા હોય છે. એકતો બાબરાની બજારો સાંકડી તેમાં દરબાર સાહેબની કારની આગળના ભાગે ભુપત ઘોડો ખેલવતો હતો. અતિ ઉત્સાહમાં ભુપત અને તેનો ઘોડો સાંકડી બજારને કારણે ભૂલ ખાઈ ગયા અને ઘોડાનો ડાબલો કાર સાથે અથડાયો આથી ઈશ્વરસિંહ બાપુનો મગજ ગયો અને ભુપતને વાંકુ બોલ્યા કે ‘માળા ગોલકા ભારે દોઢ ડાહ્યા.. ચા કરતા કીટલીઓ વધારે ગરમ ધ્યાન રાખ ધ્યાન !’ એમ અપમાનજનક ભાષામાં કહ્યું ત્યારે તો માથાનો ફેરલો ભુપત કાંઈ બોલ્યો નહિ અને અપમાન ગળી ગયો કેમકે ત્યારે વાઘણીયા દરબાર સાહેબનો માણસ હતો તેથી મનમાં સમસમી ને રહી ગયો.

પરંતુ દેશની આઝાદી પછી સૌરાષ્ટ્ર સરકારના રાજકારણીઓની મામકાવાદ વાળી સ્વાર્થી અને ભેદભાવ વાળી નીતિ રીતિને કારણે વાસાવડમાં તે સમયની સૌમ્યતા મોટી મેમણ વેપારીને ઘરે થયેલ લુંટ કેસમાં એક રાજકારણીને બચાવવા માટે નિદોર્ષોને બલીનો બોકડો બનાવાતા દેશની છેલ્લી ખૂંખાર અને ભયંકર ડાકુ ટોળીનું સર્જન થયું (સંદર્ભ પુસ્તક ‘એક હતો.

ભુપત’ લેખક જીતુભાઈ ધાધલ) આમ ભૂપત બુબ ઓફ વાઘાણીયા બહારવટે ચડયો ભુપતે તે સમયની સરકારની ભેદભાવ વાળી નીતિની પૂરેપૂરી દાઝ રાજયની નિદોર્ષ પ્રજા ઉપર કાઢી કુલ ૮૭ જેટલી નિદોર્ષ જીંદગીનો જીવન દીપ બુજાયો અનેક અપંગ થયા અનેક લૂંટાયા અને તે પાકિસ્તાન નાસી ગયો તે ઈતિહાસ તો સર્વ વિદીત છે. પરંતુ ભૂપત બહારવટે નીકળ્યા પછી સરકાર સામે તો મોરચો માંડયો પણ પોતાના આગળના જીવન (પૂર્વાશ્રમના)ના જે વાંધા વચકા વાળા હતા તેનો પણ હિસાબ કિતાબ કરતો જતો હતો. પરંતુ તે અગાઉના ઉધારની યાદી માં બાબરા ખાતે જાહેરમાં અપમાન કરનાર ઈશ્ર્વરસિંહબાપુ હજુ બાકી બોલતા હતા.

પરંતુ ચાલાક ઈશ્વરસિંહ બાબરા દરબાર સાથે જ બને ત્યાં સુધી રહેતા આથી ભુપતે ધણી વખત પ્રયત્ન કર્યા પરંતુ ઝપટે ચડયા નહિ. ઈશ્વરસિંહ જાણી ગયા હતા કે હવે ભુપત રાક્ષસ બન્યો છે. કદાચ બાળકો ને હડફેટે લે પણ ખરો તેથી બાળકોને ભાવનગર સ્થળાંતર કરાવી ત્યાં અભ્યાસમાં લગાડી દીધા. આના કારણે જ વજુબાપુ તે સમયે કોલેજ સુધી ભણી શકેલા ભુપત ઈશ્વરસિંહથી બદલો લેવા સતત બાબરા આજુબાજુ ફરતો રહેતો તેથી કહેવાય છેકે ઈશ્વરસિંહે કુવામા માચડો બનાવી પથારી બનાવેલી અને રાતમાં પાંચ પાંચ વખત પથારી ફેરવતા અને ભુપતનાં લાગમાં ન આવ્યા તે ન જ આવ્યા.

પછી તો પોલીસના એન્કાઉન્ટરમાં એક પછી એક ભૂપતના સાથીદારો ટપકવા લાગ્યા અને સાથીદારો મરાતા પોલીસની ભીંસ અતિ વધી જતા ભૂપત ભારત છોડી કચ્છ સરહદેથી પાકિસ્તાનમાં સ્વેચ્છાએ જ હદપારી સ્વીકારી અને ત્યાંજ મૃત્યુ પામ્યો.

પહેલાના જમાનામાં કહેવાતુ કે ‘સમય અને સંજોગો’ માણસમાં મોટુ પરિવર્તન લાવે છે. પરંતુ આઝાદી પછી રાજકીય અનુભવોથી વાતમાં સુધારો કરવો પડે તેવી સ્થિતિ થયેલ છે કે ફકત સમય અને સંજોગો જ નહિ રાજકારણ પણ માણસની સ્થિતિમાં મોટુ પરિવર્તન લાવી કોઈ વ્યકિતને કડકામાંથી કરોડપતિ બનાવી દે ટપોરીમાંથી દાઉદ ડોન બનાવી દે અને રંકમાંથી રાજા પણ બનાવી દે. ગુંડા ગુનેગારો અને હલકટો મીનીસ્ટરો પણ બની જાય અને પોલીસ ઉપર હુકમ ચલાવતા પણ થઈ જાય છે. આપણા દેશની આ હકિકત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.