Abtak Media Google News

સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયભરમાં ફરી ઠંડીનું જોર વઘ્યું: રાજકોટ સહિત અનેક શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો પટકાયો: ૨જી ફેબ્રુઆરીથી ફરી ઠંડી વધે તેવી સંભાવના

સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયભરમાં છેલ્લા બે માસથી કાતિલ ઠંડી પડી રહી છે. દરમિયાન આજે જાણે સૌરાષ્ટ્ર હિમાલય બની ગયું હોય તેવી આકરી ઠંડીનો અનુભવ લોકોએ કર્યો હતો. રાજકોટ સહિત રાજયના અનેક શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો પટકાયો હતો.

જમ્મુ-કાશ્મીર સહિત ઉતર ભારતના રાજયોમાં આજથી ફરી બરફવર્ષાની સંભાવના વ્યકત કરવામાં આવી હોય આગામી બીજી ફેબ્રુઆરીથી રાજયમાં ફરીથી કાતિલ ઠંડીનું મોજુ ફરી વળશે. આજે જુનાગઢમાં ગિરનાર પર્વત પર તાપમાનનો પારો ૩ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો તો નલીયા પણ ૭ ડિગ્રી સેલ્શીયસ સાથે કાતિલ ઠંડીમાં ધ્રુજી ઉઠયું હતું.

આજે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. ગઈકાલની સરખામણીએ આજે તાપમાનનો પારો દોઢ ડિગ્રી સુધી નીચો પટકાતા રાજકોટવાસીઓ ઠંડીમાં રીતસર ધ્રુજી ઉઠયા હતા. સવારે ૮:૩૦ કલાકે તાપમાન ૧૪ ડિગ્રી સેલ્શીયસ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૩૯ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૮ કિમી પ્રતિ કલાક રહેવા પામી હતી. છેલ્લા બે માસથી સતત ઠંડી પડી રહી હોય લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.

છેલ્લા એક સપ્તાહથી કોલ્ડવેવના કારણે હવે ઠંડી સામે જાગ જીલવામાં જાણે ગરમ વસ્ત્રો પણ બે અસર પુરવાર થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. જુનાગઢમાં આજે કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું. જુનાગઢનું લઘુતમ તાપમાન ૭.૮ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૧ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૫ કિમી પ્રતિ કલાક રહેવા પામી હતી. મહતમ તાપમાન માત્ર ૧૦.૮ ડિગ્રી જ નોંધાતા સોરઠવાસીઓ દિવસભર થર થર ધ્રુજયા હતા. ગીરનાર પર્વત પર આજે લઘુતમ તાપમાનનો પારો ૩ ડિગ્રી નોંધાયો હતો. જેના કારણે યાત્રિકો થરીને ઢીકરુ થઈ ગયા હતા. લોહી પણ થ્રીજી જાય તેવી આકરી ઠંડીના કારણે ગિરનાર સુમસામ ભાસતો હતો.

કચ્છના નલીયામાં પણ આજે ઠંડીનું જોર વઘ્યું છે. નલીયામાં આજે લઘુતમ તાપમાન ૭ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૦ ટકા અને પવનની ઝડપ શાંત રહેવા પામી હતી. આજથી ફરી જમ્મુ-કાશ્મીર સહિત ઉતર ભારતના રાજયોમાં નવેસરથી બરફવર્ષાની સંભાવના વ્યકત કરવામાં આવી હોય આગામી ૨જી ફેબ્રુઆરીથી ફરી રાજયમાં ઠંડીનું જોર વધશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.