Abtak Media Google News

આઈલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની બેઠકમાં મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલનો  નિર્ણય

સમગ્ર દેશમાં સૌથી વધુ એટલે કે 1664 કિ.મી.દરીયા કિનારો ઘરાવતુ વિશેષ રાજ્ય એ ગુજરાત રાજય છે.

Advertisement

આટલા વિશાળ દરિયાકિનારાના લીધે જ ગુજરાતમાં દરિયાઈ ક્ષેત્રમાં વિકાસ માટે બંદરો અને વહાણવટા ક્ષેત્રનું પુનરુત્થાન માટે “ગુજરાત મેરી ટાઈમ બોર્ડ”ની સ્થાપના થઈ છે. જે અનેક નાના મોટા બંદરોનું વ્યવસ્થાપન સંભાળે છે. ગુજરાતના કંડલા, મુન્દ્રા, જાફરાબાદ, વેરાવળ એ મહત્વના વ્યાપારિક બંદરો છે તેમજ ગુજરાત પાસે નવ શિપયાર્ડ છે. ભાવનગર જિલ્લાના અલંગ ખાતે મોટા પ્રમાણમાં શીપ બ્રેકીંગ કરાય છે.

છેલ્લી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમીટમાં પણ અનેક વિદેશી કંપનીઓ સાથે બંદરના વિકાસ માટે એમ.ઓ.યુ. થયા હતા. આ ઉપરાંત તાજેતરમાં ગુજરાત સરકારે બહાર પડેલા વર્ષ 2023ના બજેટમાં મોરબી પાસેના નવલખી બંદરની ક્ષમતા વધારવા રૂ.192 કરોડની ફાળવણી કરી છે. બંદરો અને વાહનવ્યવહાર વિભાગ માટે રૂ. 3514 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી જેનાથી પ્રવાસીઓની સગવડ વધશે અને પ્રદૂષણ- ટ્રાફિક જામ ઘટશે.

સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા, સોમનાથ, પોરબંદર, માધવપુર, જોડિયા, સિકકા, જામનગર, નવલખી સહિતના અનેક વિસ્તારોમાં દરિયો આવેલો છે. જેના કારણે અનેક લોકોને મત્સ્ય આધારિત રોજગારી મળી રહી છે. રાજ્ય સરકાર દ્વારા મત્સ્ય ઉદ્યોગ ફૂલેફાલે તે માટે અનેક યોજનાઓ-પ્રકલ્પો અમલમાં છે. માછીમારી પ્રવૃતિ હવે ઉદ્યોગ બન્યો છે. આપણી ઝીંગા, પ્રોન, લોબ્સ્ટર સહિતની માછલીઓની નિકાસ મોટી સંખ્યામાં વિદેશોમાં થાય છે.

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી તથા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના દૂરંદેશીભર્યા નેતૃત્વમાં મત્સ્ય ઉદ્યોગનો વિકાસ થયો છે. આ ઉપરાંત કોસ્ટલ એરિયાના વિકાસના ભાગરૂપે કોસ્ટલ રોડના નવનિર્માણની દિશામાં કામ થઈ રહ્યું છે. જે પૂર્ણ થતાં ગુજરાતના દરિયાઈ માર્ગના ક્ષેત્રે એક નવલું નજરાણું લોકોને પ્રાપ્ત થશે. આ કોસ્ટલ રોડના નિર્માણનો મુખ્ય હેતુ દરિયાના એક કિનારેથી બીજા કિનારા વચ્ચે સંપર્ક તૈયાર કરવાનો છે. જેના લીધે  સમય અને પૈસાની બચત થશે.

આ ઉપરાંત મત્સ્ય ઉદ્યોગ, બંદર ઉદ્યોગ ઉપરાંત અનેક સ્ટ્રીટ વેન્ડર્સ દરિયાઈ ચીજ વસ્તુઓ જેવી કે શંખ, છીપલા, મોતીઓના ઘરેણા બનાવી તથા વેચીને  રોજગારી મેળવે છે. માધવપુર, દ્વારકા, કોવાયા, જામનગર સહીત અનેક સ્થળોએ દરિયાઈ પ્રાણીના સંવર્ધન ઉછેર કેન્દ્ર ચાલી રહ્યા છે. જે પૈકી માધવપુરનું દરિયાઇ કાચબા ઉછેર કેન્દ્ર પ્રખ્યાત છે.

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના દરિયાકિનારે પ્રવાસીઓને આકર્ષવા ગાર્ડન, વોશ એરિયા, સીટીંગ અરેંજમેન્ટ, એમ્યુઝમેન્ટ પાર્ક, ઉંટસવારી  વગેરે જેવી મનોરંજક સવલતોનું નિર્મણ કરાયું છે. સરકારના સઘન પ્રયાસોથી પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાની બાજુમાં આવેલા શિવરાજપુર બીચને આંતરરાષ્ટ્રીય સ્તરે ’બ્લુ ફ્લેગ’નો દરજ્જો મળ્યો છે. હાલમાં શિવરાજપુર બીચ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. દ્વારકાથી બેટ દ્વારકા જવા અત્યાર સુધી બોટમાં બેસીને જવાતું હતું પરંતુ હવે આ માર્ગે ’સિન્ગેચર બ્રીજ’ બની રહ્યો છે. જેનાથી દ્વારકાધીશના દર્શનાર્થીઓને વધુ એક સુવિધા પ્રાપ્ત થશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આઈલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની બેઠક યોજાઇ હતી જેમાં સૌરાષ્ટ્રમાં આવેલા બેટ દ્વારકા અને શિયાળબેટ ટાપુઓને થાઈલેન્ડના ટાપુની જેમ હાઈ-ફાઈ બનાવી તેનો વિકાસ કરવામાં આવશે

જામનગર પાસેના લોકપ્રિય પર્યટન સ્થળ પીરોટન અને નરારા ટાપુઓનો દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાનમાં સમાવેશ થાય છે. હજારો પર્યટકો પફર ફીશ, સ્ટાર ફીશ, લોબસ્ટર,પરવાળા, ક્રેબ, ઝીંગા, કુકુંબર, ઓક્ટોપસ, પાપલેટ, ચુરમાઈ, શાર્ક, ઘોલ સહિતની અલભ્ય દરિયાઈ સૃષ્ટિને નિહાળી શકે તે માટે આ સ્થળોએ સરકારે ગાઈડની વિશેષ સુવિધા ઉભી કરી છે.

દરિયાઈ વિસ્તારમાં નાળીયેરી ખૂબ મોટા પ્રમાણમાં થતી હોવાથી નાળીયેરી આધારિત ઉદ્યોગો થકી પણ અનેક પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન થઇ રહયું છે. ગુજરાતના નાળીયેરની અન્ય રાજ્યોમાં પણ નિકાસ થાય છે. તેમજ નાળીયેરના છોતરામાંથી વિવિધ બનાવટોનો અલગ ઉદ્યોગ વિકસ્યો છે.

સૌરાષ્ટ્રમાં એકપણ બારમાસી નદી નથી, સૌરાષ્ટ્ર એ કાયમી અછતગ્રસ્ત વિસ્તાર છે. જેથી આ વિસ્તારમાં સરકારશ્રીની સૌની યોજના થકી પાણી પહોંચાડવામાં આવે છે તેમ છતાંય ભારત સરકાર અને ગુજરાત સરકારે ખારા પાણીને મીઠું પાણી બનાવવા માટે દરિયાઇ વિસ્તારોમાં ડિસેલીનેશન પ્લાન્ટ બનાવવાનું શરૂ કર્યુ છે. જેના થકી પીવાના પાણીની અછતની સમસ્યા દૂર થવાની સંભાવના છે. આમ, દરિયાઈ જીવ સૃષ્ટિના સંવર્ધન માટે સરકાર દ્વારા સુયોજિત કામગીરી થઈ રહી છે. આ ઉપરાંત પાણી આધારિત વિજ ઉત્પાદન પણ થઇ રહયુ છે. આ ઉપરાંત કોસ્ટલ હાઇવેના કામો પણ ચાલી રહયા છે. જેનાથી એક દરિયાઇ વિસ્તારથી બીજા દરિયાઇ વિસ્તારમાં ઓછા અંતરે પહોંચી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.