Abtak Media Google News

પાડાના વાંકે ‘સાવજ’ને ડામ!!

હાઇકોર્ટે બે દિવસમાં નગરપાલિકાને સુએજ પ્લાન્ટ માટે વીજ કનેક્શન આપવા આદેશ કર્યો

ગીર સોમનાથ જિલ્લાના તાલાળા નગરપાલિકાના પાવર કનેક્શનના વિવાદને લઇ સાવજો ગંદુ પાણી પીવા મજબુર થયાના અહેવાલ સામે આવ્યા છે. તાલાળા નગરપાલિકાએ છેલ્લા ઘણા સમયથી વિજબીલની ભરપાઈ નહીં કરતા સુએજ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે નવું કનેક્શન આપવા પીજીવીસીએલ તંત્રે નનૈયો ભણી દેતા લોકોના ગટરનું પાણી સીધું જ હિરણ નદીમાં ઠલવાઈ રહ્યું છે અને પરિણામે સાવજો આ ગંદુ પાણી પીવા મજબૂર થયાં હતા. જો કે, હાલ સમગ્ર મામલો હાઇકોર્ટ સુધી પહોંચતા હાઇકોર્ટે પીજીવીસીએલ તંત્રને કનેક્શન આપવા તેમજ નગરપાલિકાને વિજબીલની ભરપાઈ કરવા આદેશ આપ્યો છે.

ગુજરાત હાઈકોર્ટે બુધવારે અનિચ્છા દર્શાવતી પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (પીજીવીસીએલ)ને ગીર સોમનાથ જિલ્લાની તાલાળા નગરપાલિકાને વીજ જોડાણ આપવાનો આદેશ આપ્યો હતો. જેથી નગરપાલિકાનો નવો તૈયાર થયેલો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી) કાર્યરત થઇ શકે. હિરણ નદીમાં પ્રદૂષણ ગીર અભયારણ્યમાં વન્યજીવન અને ખાસ કરીને એશિયાટિક સિંહોને અસર કરે છે.

હાઇકોર્ટે નદીના પ્રદૂષણ અંગે ફરિયાદ કરતી પીઆઈએલ પર પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપનીને આદેશ આપવો પડ્યો હતો. અરજદારના વકીલ પ્રશાંત ચાવડાએ રજૂઆત કરી હતી કે નદીમાં પ્રદૂષણને કારણે પ્રદેશમાં વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ પર પ્રતિકૂળ અસર થઈ રહી છે.

સુનાવણી દરમિયાન હાઈકોર્ટે શોધી કાઢ્યું હતું કે તાલાલાના રહેવાસીઓ ગેરકાયદેસર રીતે ભૂગર્ભ ગટર લાઈનમાં ગટરનું પાણી છોડે છે, જે એસટીપી પ્લાન્ટમાંથી પસાર થયાં વિના જ નદીમાં ભળી જાય છે. આવું એટલા માટે થાય છે કારણ કે પીજીવીસીએલએ આ હેતુ માટે વીજ પુરવઠો આપવાનો ઇનકાર કર્યો હોવાથી નવી બાંધવામાં આવેલ એસટીપેઉં ઇલેક્ટ્રીક કનેક્શનની ગેરહાજરીમાં ગટરના પાણીને ટ્રીટ કરી શકતું નથી.

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (જીપીસીબી) એ કોર્ટને કહ્યું કે, જ્યાં સુધી એસટીપી કામ કરવાનું શરૂ નહીં કરે ત્યાં સુધી સમસ્યા હલ નહીં થાય. તેમણે એસટીપીની તાત્કાલિક કામગીરીનો આગ્રહ રાખ્યો હતો. વધુ સુનાવણીમાં જાણવા મળ્યું હતું કે, વીજ કંપનીનો ઇનકાર એટલા માટે હતો કારણ કે પાલિકાએ રૂ. 7 કરોડથી વધુના વીજ બીલ ચૂકવ્યા નથી.

પીજીવીસીએલના વકીલ પ્રેમલ જોષીએ ગુજરાત ઈલેક્ટ્રીસીટી રેગ્યુલેશન કમિશન (જીઈઆરસી) ના નિયમનને ટાંકીને કહ્યું હતું કે, જો કોઈ ગ્રાહક(વ્યક્તિગત હોય કે સ્થાનિક સત્તાધિકારી) બિલ ચૂકવવામાં નિષ્ફળ જાય તો વીજ કંપનીએ તેને બીજું કનેક્શન લંબાવવું જોઈએ નહીં.

તેમણે એવી પણ રજૂઆત કરી હતી કે રાજ્યભરની તમામ નગરપાલિકાઓમાંથી માત્ર આઠ નગરપાલિકાઓ નિયમિતપણે વીજ બીલ ચૂકવે છે. વીજ કંપની અન્ય ત્રણ કનેક્શન – સ્ટ્રીટ લાઇટ, વોટરવર્કસ અને તેની ઓફિસ માટે ડિસ્કનેક્ટ કરતી નથી, કારણ કે તે ઇચ્છતી નથી કે નગરના રહેવાસીઓને તકલીફ પડે.

જ્યારે નગરપાલિકાને પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેના એડવોકેટે રજૂઆત કરી હતી કે તેની 21,000 વસ્તીમાંથી મોટાભાગની વસ્તી વેરો ભરતી નથી જેના લીધે પાલિકા વીજ બિલ ભરવાની સ્થિતિમાં નથી. જોકે નગરપાલિકાએ તાજેતરમાં પીજીવીસીએલને રૂ. 2.47 કરોડ ચૂકવ્યા છે. સરકાર પાસેથી લોન મેળવીને બાકીની રકમ વીજ કંપનીને ચૂકવવાનું લક્ષ્ય છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે નગરપાલિકાની રૂ. 6 કરોડની લોન મંજૂર કરી છે.

આ સાંભળ્યા બાદ કાર્યવાહક ચીફ જસ્ટિસ એ.જે.દેસાઈ અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની ખંડપીઠે જણાવ્યું હતું કે, એસટીપીને વીજળી કનેક્શનની ગેરહાજરીમાં હિરણ નદીમાં પ્રદૂષણ વધશે અને તે તાલાલાની પર્યાવરણ અને વસ્તી પર પ્રતિકૂળ અસર કરશે. લોકોના હિતમાં હાઈકોર્ટે પીજીવીસીએલને બે દિવસમાં વીજ કનેક્શન આપવાનો આદેશ કર્યો છે. નગરપાલિકાને તેની પાઈપલાઈન રિપેર કરવા અને નદીમાં છોડતા પહેલા એસટીપીમાં ગટરનું ટ્રીટમેન્ટ થાય તે સુનિશ્ચિત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટે જીપીસીબીને એક સપ્તાહમાં બે ઈન્સ્પેક્શન કરવાનો આદેશ આપ્યો છે.

કોર્ટે નગરપાલિકાને પીજીવીસીએલને વીજળી બિલની બાકી રકમ ચૂકવવાનો આદેશ પણ આપ્યો છે. સરકાર પાસેથી નાણાં મેળવી તાત્કાલિક જ વિજબીલ ચૂકવવા આદેશ આપવામાં આવ્યો છે તેમજ તે બાદ નિયમિતપણે વીજ બિલ ભરવાનું રહેશે અને જો તે ચૂકવવામાં નિષ્ફળ જાય તો વીજ કંપનીએ સરકારને ડિફોલ્ટ વિશે જાણ કરવી જોઈએ અને નગરપાલિકા સામે ગુજરાત મ્યુનિસિપાલિટીઝ એક્ટ હેઠળ પગલાં લેવા જોઈએ તેવું સૂચન પણ હાઇકોર્ટે આપ્યું છે. હાઈકોર્ટે વધુ સુનાવણી 21 ઓગસ્ટના રોજ રાખી છે.

રૂ. 7 કરોડનું વિજબીલ બાકી હોવાથી પીજીવીસીએલએ નવું કનેક્શન આપવા નનૈયો ભણ્યો’તો

વીજ કંપનીનો ઇનકાર એટલા માટે હતો કારણ કે, પાલિકાએ રૂ. 7 કરોડથી વધુના વીજ બીલ ચૂકવ્યા નથી. પીજીવીસીએલના વકીલ પ્રેમલ જોષીએ ગુજરાત ઈલેક્ટ્રીસીટી રેગ્યુલેશન કમિશન (જીઈઆરસી) ના નિયમનને ટાંકીને કહ્યું હતું કે, જો કોઈ ગ્રાહક(વ્યક્તિગત હોય કે સ્થાનિક સત્તાધિકારી) બિલ ચૂકવવામાં નિષ્ફળ જાય તો વીજ કંપનીએ તેને બીજું કનેક્શન લંબાવવું જોઈએ નહીં. તેમણે એવી પણ રજૂઆત કરી હતી કે રાજ્યભરની તમામ નગરપાલિકાઓમાંથી માત્ર આઠ નગરપાલિકાઓ નિયમિતપણે વીજ બીલ ચૂકવે છે. વીજ કંપની અન્ય ત્રણ કનેક્શન – સ્ટ્રીટ લાઇટ, વોટરવર્કસ અને તેની ઓફિસ માટે ડિસ્કનેક્ટ કરતી નથી, કારણ કે તે ઇચ્છતી નથી કે નગરના રહેવાસીઓને તકલીફ પડે.

સરકાર પાસેથી નાણાં મેળવી તાતકાલિક વીજ બિલ ચૂકવવા પાલિકાને આદેશ

લોકોના હિતમાં હાઈકોર્ટે પીજીવીસીએલને બે દિવસમાં વીજ કનેક્શન આપવાનો આદેશ કર્યો છે. નગરપાલિકાને તેની પાઈપલાઈન રિપેર કરવા અને નદીમાં છોડતા પહેલા એસટીપીમાં ગટરનું ટ્રીટમેન્ટ થાય તે સુનિશ્ચિત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટે જીપીસીબીને એક સપ્તાહમાં બે ઈન્સ્પેક્શન કરવાનો આદેશ આપ્યો છે.કોર્ટે નગરપાલિકાને પીજીવીસીએલને વીજળી બિલની બાકી રકમ ચૂકવવાનો આદેશ પણ આપ્યો છે. સરકાર પાસેથી નાણાં મેળવી તાત્કાલિક જ વિજબીલ ચૂકવવા આદેશ આપવામાં આવ્યો છે તેમજ તે બાદ નિયમિતપણે વીજ બિલ ભરવાનું રહેશે અને જો તે ચૂકવવામાં નિષ્ફળ જાય તો વીજ કંપનીએ સરકારને ડિફોલ્ટ વિશે જાણ કરવી જોઈએ અને નગરપાલિકા સામે ગુજરાત મ્યુનિસિપાલિટીઝ એક્ટ હેઠળ પગલાં લેવા જોઈએ તેવું સૂચન પણ હાઇકોર્ટે આપ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.