Abtak Media Google News

ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતની અલગ-અલગ 26 લોકસભાની બેઠકો માટે આઠ કલસ્ટર બનાવાયા બાદ દિલ્હી પછી ગુજરાતમાં પણ ભાજપ દ્વારા સ્ક્રિનીંગ કમિટીની રચના કરવામાં આવી છે. જેના અધ્યક્ષ તરીકે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય ડો.ભરતભાઇ બોઘરાની નિયુક્તી કરવામાં આવી છે. સ્ક્રિનીંગ કમિટીમાં પૂર્વ મંત્રી, ધારાસભ્ય અને પ્રદેશ કક્ષાના પાંચ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Advertisement

મંત્રી પ્રફૂલ પાનસેરિયા, ધારાસભ્ય જગદીશ મકવાણા, હિમાંશુ પટેલ અને રાજેશ પાઠકની સ્ક્રિનીંગ કમિટીના સભ્ય તરીકે નિમણુંક

પક્ષને મજબૂત બનાવવા જાહેર જીવનના અગ્રણી અન્ય પક્ષોના આગેવાનોને ભાજપમાં જોડવા માટેનું કામ કરશે સ્ક્રિનીંગ કમિટી

અન્ય રાજકીય પાર્ટીઓ હજી લોકસભાની ચૂંટણી માટે તૈયારીઓ આરંભવા માટે સારા મુહુર્તની વાટ જોઇ રહ્યું છે ત્યારે સત્તાધારી પક્ષ ભાજપ પુરજોશમાં ચૂંટણીલક્ષી કામગીરીમાં લાગી ગયું છે. રાજ્યની લોકસભાની 26 બેઠકો માટે ભાજપ દ્વારા આઠ કલસ્ટર બનાવવામાં આવ્યા છે અને પક્ષના સિનિયર નેતાઓને પ્રભારી બનાવવામાં આવ્યા છે. દરમિયાન આજે સવારે ભાજપ દ્વારા પાંચ સભ્યોની સ્ક્રિનીંગ કમિટીની રચના કરવામાં આવી છે. જેના અધ્યક્ષ તરીકે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાની વરણી કરવામાં આવી છે. સ્ક્રિનીંગ કમિટીના સભ્ય તરીકે રાજ્ય સરકારના મંત્રી પ્રફૂલભાઇ પાનસેરિયા, ધારાસભ્ય જગદીશભાઇ મકવાણા, હિમાંશુભાઇ પટેલ અને રાજેશભાઇ પાઠકની નિયુક્તી કરવામાં આવી છે. ગુજરાતમાં ભાજપ ખૂબ જ મજબૂત હોવા છતા દિલ્હી બાદ ગુજરાતમાં પક્ષ દ્વારા સ્ક્રિનીંગ કમિટીની રચના કરવામાં આવી છે.

સ્ક્રિનીંગ કમિટી દ્વારા આગામી દિવસોમાં ભાજપને વધુ મજબૂત બનાવવા માટે પક્ષના જૂના જોગીઓ, અસંતુષ્ઠો, જાહેર જીવનના અગ્રણીઓ, અન્ય રાજકીય પાર્ટીના નારાજ નેતાઓને ભાજપમાં જોડવા માટેની કામગીરી કરવામાં આવશે. આવા નેતાઓ સાથે સ્ક્રિનીંગ કમિટીના સભ્યો મુલાકાત લેશે. તેઓના વિચારો અને ઇચ્છાઓ જાણશે અને ભાજપમાં પ્રવેશ માટેના સંકલનનું કામ કરશે. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા મોટાપાયે ભરતી અભિયાન શરૂ કરવામાં આવે તેવુ લાગી રહ્યું છે.

સામાન્ય રિતે જે રાજ્યમાં પક્ષની સ્થિતી થોડી પાતળી હોય ત્યાં સ્ક્રિનીંગ કમિટીની રચના કરવામાં આવતી હોય છે અને પક્ષનો વ્યાપ વધારવા માટેની કામગીરી કરવામાં આવતી હોય છે. રાજ્યની લોકસભાની તમામ 26 બેઠકો પાંચ લાખથી વધુ મતોની લીડ સાથે જીતવાના ટારગેટને હાંસલ કરવા માટે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા ગુજરાતમાં પાંચ સભ્યોની સ્ક્રિનીંગ કમિટીની રચના કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગુજરાતની તમામ 26 બેઠકો પાંચ લાખ મતોની લીડ સાથે ફતેહ કરવા

ભાજપે લોકસભાની બેઠકોના કલસ્ટર બનાવ્યા: પ્રભારીઓ નિમાયા

3-4 બેઠકો દીઠ કલસ્ટર બનાવી પક્ષના સિનિયર નેતાઓને જવાબદારી સોંપાય: સૌરાષ્ટ્ર-કચ્છની આઠ બેઠકો માટે પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આર.સી.ફડદુ અમિત ઠાકર અને બાબુભાઈ જેબલીયાને પ્રભારી તરીકે નિમણુંક

લોકસભાની ચૂંટણીને આડે હવે ત્રણ મહિના જેટલો સમય બચ્યો છે. ત્યારે  કેન્દ્રમાં સતત ત્રીજી વખત પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવવા માટે સતાધારી પક્ષ ભાજપ દ્વારા પૂરજોશમાં તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.  ‘અબ કી બાર 400 કે  પાર’ સૂત્ર પણ વહેતુ કરી દેવામાં આવ્યું છે. ગત વર્ષ યોજાયેલી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ભાજપને મળેલા ઐતિહાસીક વિજય બાદ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા ગુજરાતની લોકસભાની તમામ 26 બેઠકો પાંચ લાખથી વધુ મતોની લીડ સાથે જીતવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.આ ટારગેટને હાંસલ કરવા માટે ભાજપ દ્વારા છેલ્લા એકાદ વર્ષથી  તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. ભાજપ દ્વારા આજે  પાંચ સભ્યોની સ્ક્રિનીંગ કમિટીની રચના કરવામાં આવી છે તે ઉપરાંત લોકસભાની 26 બેઠકો માટે આઠ કલસ્ટરબનાવી પક્ષના સિનિયર  નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે.

લોકસભાની 26 બેઠકો માટે  ભાજપ દ્વારા આઠ કલસ્ટર બનાવવામાં આવ્યા છે. અને પક્ષના સિનિયર નેતાઓને જવાબદારી સોપવામાં આવી છે. કચ્છ,બનાસકાંઠા અને પાટણ એમ ત્રણ બેઠકનું કલસ્ટર બનાવવામાં આવ્યું છે. જેના  પ્રભારી તરીકે ધારાસભ્ય અમિતભાઈ ઠાકરની નિયુકતી કરવામાં આવી છે. ગાંધીનગર, અમદાવાદ, (પૂર્વ) અને અમદાવાદ (પશ્ર્ચિમ) બેઠક માટેના કલસ્ટરના પ્રભારી તરીકે રાષ્ટ્રીય  પ્રશિક્ષણ અભિયાન વિભાગના પ્રદેશ સંયોજક કે.સી. પટેલની નિયુકતી કરવામાં આવી છે.

મહેસાણા,  સાબરકાંઠા અને સુરેન્દ્રનગર લોકસભા બેઠકના કલસ્ટરના પ્રભારી તરીકે કિશાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઈ જેબલીયાની વરણી કરવામાં આવી છે. આણંદ,ખેડા, પંચમહાલ અને દાહોદ એમ ચાર લોકસભા બેઠકનું ચોથુ કલસ્ટર બનાવવામાં આવ્યું છે. જેમાં પ્રભારી તરીકે રાજયસભાના સાંસદ નરહરી અમીનની નિયુકતી કરવામાં આવી છે. વડોદરા, છોટા ઉદેપુર અને ભરૂચ લોકસભા  બેઠક માટેના કલસ્ટરના પ્રભારી તરીકેની જવાબદારી પૂર્વ મંત્રી  પ્રદિપસિંહ જાડેજાને સોંપવામાં આવી છે. સુરત, નવસારી, બારડોલી અને વલસાડ, લોકસભા બેઠકના કલસ્ટરના પ્રભારી તરીકે મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો. જયોતિબેન પંડયાની નિમણુંક કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રની જૂનાગઢ, અમરેલી, ભાવનગર લોકસભા બેઠક માટેના  કલસ્ટરના પ્રભારી તરીકેની જવાબદારી પૂર્વ મંત્રી અને પ્રદેશ ભાજપ કોરકમિટીના સભ્ય ભૂપેન્દ્રસિંંહ ચુડાસમાની વરણી કરવામાંઆવી છે.જયારે જામનગર, પોરબંદર અને રાજકોટ લોકસભા બેઠક માટે પ્રભારી તરીકે પ્રદેશ ભાજપ કોર કમિટીના સભ્ય, પૂર્વ મંત્રી અને  પૂર્વ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. ફડદુને જવાબદારી સોંપવામાં આવી છે. લોકસભા  બેઠકના કલસ્ટરના પ્રભારીઓ આગામી દિવસોમાં પોતાને સોંપવામાં આવેલી બેઠકના પ્રવાસ  કરી પક્ષની વર્તમાન સ્થિતિ અંગે માહિતી મેળવી પ્રદેશમાં રિપોર્ટ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.