Abtak Media Google News

નિફટી પણ ૪૮ પોઈન્ટ અપ: ક્રુડ બેરલનાં ભાવમાં ઘટાડો, રૂપિયો ડોલર સામે મજબુત

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે આવામાં ગઈકાલે ઉઘડતા સપ્તાહે ૭૮૭ પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો. આજે મંગળવાર શેરબજાર માટે જાણે મંગળકારક સાબિત થયો હોય તેમ મંદીને અચાનક બ્રેક લાગી જવા પામી છે અને તેજીનો ચમકારો દેખાયો છે. ઉઘડતી બજારે સેન્સેકસમાં પ૦૦થી વધુ પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો. નિફટી પણ ૧૨૬ પોઈન્ટ અપ જોવા મળી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ બેરલનાં ભાવમાં ઘટાડો નોંધાયો છે તો ડોલર સામે રૂપિયો વધુ મજબુત બનતા આજે બજારમાં તેજી ફરી હોવાનું જાણકારો માની રહ્યા છે.

ગઈકાલે ભારતીય શેરબજારમાં મંદીની મોકાણ સર્જાય હતી. રૂપિયો અને શેર ઉંધા માથે પટકાયા હતા તો સોનુ-ચાંદી અને ક્રુડ બેરલમાં આસમાની ઉછાળા જોવા મળ્યા હતા. સેન્સેકસમાં ૭૮૭ પોઈન્ટનો તોતીંગ કડાકો જોવા મળતા રોકાણકારોનાં અબજો રૂપિયાનું એક જ દિવસમાં ધોવાણ થઈ ગયું હતું. અમેરિકા અને ઈરાન વચ્ચે જે રીતે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે તે જોતા એવું માનવામાં આવતું હતું કે, ચાલુ સપ્તાહે બજારમાં મંદી યથાવત રહેશે પરંતુ આજે ક્રુડ બેરલનાં ભાવમાં ઘટાડો નોંધાતા અને ડોલર સામે રૂપિયો મજબુત બનતા મુંબઈ શેરબજારનાં બંને આગેવાન ઈન્ડેક્ષોમાં ઉછાળા જોવા મળ્યા હતા. એક તબકકે સેન્સેકસમાં ૫૦૦થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો જોકે ઉંચા મથાળે રોકાણકારોએ વેચવાલીનો દૌર શરૂ કરતા ક્રમશ: તેજી થોડી-થોડી ધીમી પડી હતી.

આજે તેજીમાં વેદાંતા, એચડીએફસી બેંક, ટાટા સ્ટીલના ભાવમાં વધારો નોંધાયો હતો તો ભારતી ઈન્ફ્રાટેલ, બીપીસીએલ, ટેક મહિન્દ્રા અને વિપ્રો જેવી કંપની તેજીમાં પણ મંદીની બહાર નિકળવામાં નિષ્ફળ રહી હતી. આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ ૧૫૪ પોઈન્ટનાં ઉછાળા સાથે ૪૦,૮૩૮ અને નિફટી ૪૮ પોઈન્ટનાં ઉછાળા સાથે ૧૨૦૪૧ પર ટ્રેડ કરી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ બેરલનાં ભાવમાં આજે પ ડોલરનો ઘટાડો નોંધાયો છે તો ડોલર સામે આજે રૂપિયો ૧૦ પૈસા મજબુત બન્યો છે અને હાલ ૭૧.૮૩ પર ટ્રેડ કરી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.