Abtak Media Google News

ગોંડલ અને કોટડાસાંગાણી પંથકમાં દોઢ-બે ઈંચ વરસાદ

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ: ઉંમરગામમાં આભ ફાટયું, ૧૨ ઈંચ વરસાદ ખાબકયો

વાવણી બાદ વરસાદ ખેંચાતા જગતાત ચિંતાતુર: અનેક વિસ્તારોમાં હજુ વાવણી બાકી

સૌરાષ્ટ્રમાં ગઈકાલે છુટા છવાયા વરસાદી ઝાપટા પડયા હતા. અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ૨ થી ૩ ઈંચ વરસાદ પડયો હતો જયારે ગોંડલ અને કોટડા સાંગાણી પંથકમાં દોઢથી બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જુલાઈ મહિનાનું એક અઠવાડિયું વિતી ગયું હોવા છતાં મેઘરાજા મન મુકીને ન વરસતા ચિંતાના વાદળો છવાયા છે. લોકો કાગડોળે મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે.

શાપર-વેરાવળમાં ગઈકાલે વરસાદી ઝાપટું પડયું હતું. કોટડાસાંગાણીના ગ્રામ્ય વિસ્તારો તથા ગોંડલ તાલુકાના રીંબડા, સડકપીપળીયા સહિતના ગામોમાં દોઢથી બે ઈંચ જેટલો વરસાદ પડયો હતો. ઉપરાંત અમરેલી જિલ્લામાં પણ મેઘરાજાએ હેત વરસાવતા આનંદની લાગણી પ્રસરી હતી. રાજુલામાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો. વાવેરા અને ઉપરવાસના ગામોમાં બે ઈંચ જેવી મેઘમહેર વરસી હતી. લાઠી તાલુકાના ટોડા, વરસડા, ખંભરારા સહિતના ગામોમાં ત્રણ ઈંચ જેવો વરસાદ પડયો હતો. લીલીયામાં ૧ ઈંચ જયારે ખાંભામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. વેરાવળ-સોમનાથમાં પણ ૬ મીમી વરસાદ પડતા રસ્તામાં ભીના થઈ ગયા હતા. સાવરકુંડલાના વિજપડી ગામે ગઈકાલે સાંજના અરસામાં એકાએક વાદળો છવાતા વરસાદી ઝાપટુ આવ્યું હતું. માત્ર બે કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ પડયો હતો. ઉપરવાસના વરસાદને લીધે વિજપડી ગામમાં કાદવાળી નદીમાં પુર આવ્યું હતું ઉપરાંત આસપાસના ખડસલી, ભમર, ચિખલી, વણોઠ, છાપરી, મઢડા, હડીડા, નવાગામ, જાંબુડા સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડયા હતા.

દક્ષિણ ગુજરાતમાં રવિવારે ભારે વરસાદ પડયો હતો. વલસાડ જિલ્લાના ઉંમરગામમાં શનિવારે મધરાતથી રવિવારે બપોરના ૨:૦૦ વાગ્યા સુધીમાં ૧૨ ઈંચ જેટલો વરસાદ પડયો હતો. ભારે વરસાદના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પગલે તમામ નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ૪૮ કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે.

આ ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડયો છે. મુંબઈ સહિત અનેક વિસ્તારમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાયું છે.

સૌરાષ્ટ્રમાં બુધવારથી મેઘરાજા જમાવટ કરશે

સમગ્ર સૌરાષ્ટ્રમાં જુલાઈનું એક સપ્તાહ વિત્યુ હોવા છતાં મેઘરાજા મન મુકીને વરસ્યા ન હોવાથી લોકોની ચિંતા વધી છે પરંતુ અષાઢી બીજ પહેલા સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસશે તેવી હવામાન ખાતાએ સંભાવના દર્શાવી છે.

બુધવારે અને ગુરુવારે બે દિવસ રાજકોટ, જામનગર સહિતના વિસ્તારોમાં વરસાદની તીવ્ર સંભાવના હોવાનું હવામાન ખાતા દ્વારા જણાવાયું છે.

હાલ સૌરાષ્ટ્રમાં છુટાછવાયા ઝાપડા પડી રહ્યા છે ત્યારે મેઘરાજા મન મુકીને વરસે તેવી લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે. આ વખતે વરસાદ પાછો ખેંચાતા લોકોની ચિંતામાં વધારો થયો છે.

ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી મંગળવાર બાદ બે દિવસમાં સૌરાષ્ટ્રમાં મોટાભાગના વિસ્તારોને સાંકળતો વરસાદ થશે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે.

અષાઢી બીજ પૂર્વે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થશે તેવું માનવામાં આવી રહ્યું છે. તા.૧૩ થી બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાશે જેનો લાભ સમગ્ર સૌરાષ્ટ્રને થવાનો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.