ગોંડલ સંપ્રદાયના પૂ. ડુંગર દરબારનાં પૂ.ધીજમુનિ મ.સા., ગુજરાત રત્ન પૂ.સુશાંતમુનિ મ.સા., રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા. બોટાદ સંપ્રદાયનાં પૂ.જયેશમુનિ મહારાજ સાહેબ આદિ પૂ. ગુરુદેવો તથા બૃહદ રાજકોટમાં બિરાજીત વિશાળ સતિવૃંદની નિશ્રામાં ગત તા.13,14,15 જાન્યુઆરી 2023નાં રોજ ગોંડલ સંપ્રદાયનાં તીર્થ સ્વરૂપા, સુદીર્ધ દીક્ષા પર્યાયધારી વડેરા શાસનચંદ્રીકા ગુરુણી મૈયા બા.બ્ર.પૂ. હિરાબાઈ મહાસતીજીની 91મી જન્મ જયંતિ, 72મી દિક્ષા જયંતી તેમજ સરદારનગર સંઘનાં 50માં સુવર્ણ જયંતિ વર્ષે તપ-ત્યાગ, ધર્મધ્યાન, માનવતા, જીવદયા આદિના અનેક સત્કાર્યો સાથે ત્રિદિવસીય મહોત્સવ સંપન્ન થયેલ છે.
ગત તા.13-1-2023ને શુક્રવારનાં રોજ સવારે 9.30 કલાકે સરદારનગર ઉપાશ્રય ખાતે વ્યાખ્યાન તથા ત્રિરંગી સામાયિક, ત્યારબાદ બપોરે 11.30 કલાકે બૃહદ રાજકોટના 570 ભાવિકોએ આયંબિલ તપ કરેલ હતું, ઉપરાંત રાજકોટની સ્લમ વિસ્તારમાં રહેતા જરૂરીઆતમંદ 500 પરિવારોને રાશનકીટ વિતરણ કરવામાં આવેલ છે. આ સામૂહિક આયંબિલ તપ તથા સ્લમ વિસ્તારની રાશનકિટનાં અનુમોદક દાતા માતુશ્રી ગિરજાબેન જમનાદાસભાઈ દામાણી પરિવારએ લાભ લીધેલ છે.
રાષ્ટ્રસંત ગુરુદેવ નમ્રમુનિ મ.સા, પૂ. ધીરજમુની મ.સા., પૂ. સુશાંતમુનિ મ.સા., બોટાદ સંપ્રદાયના
જયેશમુનિ મ.સા. સપ્તર્ષી સંતો સહીત અનેક સાધી સાધ્વીજી ભગવંતોની ઉપસ્થિતી
ગત તા.14-1-2023ને શનિવારનાં રોજ સવારે 5.30 કલાકે સરદારનગર ઉપાશ્રય ખાતે રાઈસી પ્રતિક્રમણ, સવારે 9.30 કલાકે વ્યાખ્યાન, પૂ.હિરાબાઈ મહાસતીજીનાં જીવન ઉપર મહિલા મંડળનાં બહેનો દ્વારા સંવાદ ત્યારબાદ બપોરે 11.30 કલાકે બૃહદ રાજકોટના આશરે 750 સાધર્મિક ભાવિકો તેમજ ઉપાશ્રયનાં કર્મચારીઓને માતુશ્રી કમળાબેન શામળદાસભાઈ મહેતા પરિવાર, અ.સૌ. રુનાબેન નૌશીતભાઈ મીઠાણી પરિવાર , આદર્શ ગુરુભકત માતુશ્રી નીરૂબેન વિરેન્દ્રભાઈ સંઘવી પરિવાર તરફથી રાશનકિટ વિતરણ તેમજ માતુશ્રી સુશીલાબેન અનોપચંદભાઈ મહેતા – બેંગલોર તથા શ્રીમતિ સરોજબેન મહેન્દ્રભાઈ મહેતા – બેંગલોર તરફથી બ્લેન્કેટ વિતરણ કરવામાં આવેલ, ઉપરાંત રાજકોટની વિવિધ સંસ્થાઓ જેમ કે વિરાણી બહેરા મુંગા શાળા, મંદબુઘ્ધી બાળકોના આશ્રમ, શ્રી કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમ, વૃધ્ધાશ્રમ, કેન્સર હોસ્પિટલ, ટીબી હોસ્પિટલ, સિવીલ હોસ્પિટલ, ઝનાના હોસ્પિટલ, બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ, કરૂણા ફાઉન્ડેશન, રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રેરીત અર્હમ રોટી અભિયાન સહિત અનેકવિધ માનવસેવા, જૈન શાસનની કુળદેવી જીવદયા રૂપે મહાજન પાંજરાપોળ ઉપરાંત અન્ય અનેક ગૌશાળામાં અનુદાન અર્પણ કરેલ છે, તદ્ઉપરાંત 1000 બાળકોને લાડવા-ગાંઠીયાનાં પેકેટ પણ વિતરણ કરવામાં આવેલ હતું.
તા.15-1-2023ને રવિવારનાં રોજ સરદારનગર જૈન સંઘથી વિશાળ સાધ્વી વૃંદ સાથે આ ધર્મયાત્રામાં ભાવિકો બન્ને સાઈડ માનવ સાંકળરૂપે પૂ. ગુરુણીને વંદન કરતા કરતા અને ભગવાન મહાવીરનાં જય જયકાર સાથે પ્રારંભ થઈને ટાગોર રોડ ઉપર આવેલ વિરાણી હાઈસ્કુલ ગ્રાઉન્ડ બનાવવામાં આવેલ ડુંગર દરબારમાં પહોંચી ત્યાં ગોંડલ સંપ્રદાયનાં તીર્થ સ્વરૂપા, સુદીર્ધ દીક્ષા પર્યાયધારી વડેરા શાસનચંદ્રીકા ગુરુણી મૈયા બા.બ્ર.પૂ. હિરાબાઈ મહાસતીજીની 91મી જન્મ જયંતિ, 72મી દિક્ષા જયંતી અવસરે શુભેચ્છા સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું, આ સમારોહમાં ગોંડલ સંપ્રદાયના પૂ. ડુંગર દરબારનાં પૂ.ધીરજમુનિ મ.સા., ગુજરાત રત્ન પૂ.સુશાંતમુનિ મ.સા., રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા., બોટાદ સંપ્રદાયનાં પૂ.જયેશમુનિ મહારાજ સાહેબ આદિ ઠાણા પૂ. ગુરુદેવો તથા બૃહદ રાજકોટમાં બિરાજીત વિશાળ સતિવૃંદની નિશ્રાનાં બૃહદ રાજકોટનાં વિવિધ સંઘોનાં પદાધિકારીઓ, જૈન સમાજનાં શ્રેષ્ઠીઓ, આમંત્રીતો ઉપરાંત મસ્કત, અમેરીકા, મુંબઈ, કલકતા, ઈન્દોર, અમદાવાદ અને સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી અનેક ભાવિકો પધારેલ હતા.
આ શુભેચ્છા સમારોહમાં પૂ.ધીરજમુનિ મ.સા.એ મંગલાચરણ કરી પ્રારંભ કરેલ, ત્યારબાદ બાળાઓ દ્વારા સ્વાગત ગીત નૃત્ય દ્વારા રજુ કરવામાં આવેલ, દામાણી પરિવારનાં દિક્ષીત પૂ.તિર્થહંસવિજયજી મ.સા. દ્વારા ગુરુણી પૂ.હિરાબાઈ મ.સ. માટે ગીત તૈયાર કરવામાં આવેલ જે વિરાંશી રક્ષીતભાઈ દામાણીએ પ્રસ્તુત કરેલ. શાલીભદ્ર સરદારનગર સ્થા. જૈન સંઘનાં પ્રમુખ હરેશભાઈ વોરા દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવેલ, જેમાં તેઓ દ્વારા પધારેલ સર્વે સાધુ-સાધ્વીજી, સંઘ પદાધીકારીઓ, બહારગામથી પધારેલ મહેમાનઓ, દામાણી પરિવારનું શાબ્દીક સ્વાગત કરેલ, વધુમાં જણાવેલ કે અમારા શ્રીસંઘનાં પરમ સૌભાગ્ય છે સંઘમાં સૌપ્રથમ ચાતુર્માસ પૂ.હિરાબાઈ મ.સ.નું ત્યારબાદ 25મું ચાતુર્માસ અને 36મું ચાર્તમાસ અને તાજેતરમાં સુવર્ણ જયંતી ચાતુર્માસ પણ ગુરુણી હિરાબાઈ મ.સ. આદી ઠાણાઓનું થયેલ જે કદાચ સ્થાનકવાસી જૈન સંઘનાં ઈતિહાસમાં પ્રથમવાર જ હશે. ઉપરાંત ગુરુણી પૂજય હિરાબાઈ મ.સ. ના 91માં વર્ષ અને 72મી દિક્ષા પર્યાય નો પ્રસંગ પણ અમને પ્રાપ્ત થયો એ અમારા શ્રીસંઘ ઉ5ર પૂ.ગુરુણીનો અનેક અનેક ઉપકાર રહેલા છે. ઉપરાંત શ્રીસંઘ દ્વારા બિનાબેન અજયભાઈ શેઠનાં અનુદાનથી ચાલતી પ્રવૃતિઓ વિશે પણ માહિતી આપેલ હતી. પૂ.ગુરુણીનાં 91માં જન્મોત્સવ અને 72મી દિક્ષા જયંતી નિમિતે શ્રીસંઘ દ્વારા જીવદયામાં રૂા.11 લાખનું અનુદાન જાહેર કરવામાં આવેલ હતું.
સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન મુંબઈથી ખાસ પધારેલ નીપાબેન શાહ દ્વારા કરવામાં આવેલ હતું, શુભેચ્છા સમારોહ બાદ પધારેલ વિશાળ શ્રાવક-શ્રાવિકાઓ માટે ગૌતમ પ્રસાદનું આયોજન કરેલ છે. સમગ્ર મહોત્સવનાં દાતા તરીકે માતુશ્રી ગિરજાબેન જમનાદાસભાઈ દામાણી પરિવારએ લાભ લીધેલ છે.