Abtak Media Google News

યુકો અને આઈડીબીઆઈ બેન્કના માધ્યમથી ઈરાન પાસેથી ખરીદેલા ઓઈલનું રૂપીયામાં પેમેન્ટ થશે

નવેમ્બર મહિનાથી ક્રુડમાં રાહત મળે તેવા સંકેતો મળી રહ્યાં છે. ઈરાનીયન ઓઈલની ખરીદીમાં ડોલરના સ્થાને રૂપિયાથી પેમેન્ટ થઈ શકે તેવી પધ્ધતિ ભારત અમલમાં મુકશે. પરિણામે ઈરાન તરફથી અન્ય દેશોની સરખામણીએ મહદઅંશે સસ્તી કિંમતે ભારતને ઓઈલ મળશે. જેનો એકંદરે ફાયદો ભારતીય અર્થતંત્રને થશે.

ઘણા સમયથી ક્રુડના ભાવ અને આંતરરાષ્ટ્રીય પરિબળોના કારણે ભારતીય અર્થતંત્રને ફટકો પડી રહ્યો છે. પેટ્રોલ-ડિઝલના ભાવ વધી રહ્યાં છે. ઉપરાંત ડોલર સામે રૂપિયો ગગડી રહ્યો છે. આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ રહી હોવાના આક્ષેપનો સામનો મોદી સરકાર કરી રહી છે. આ તમામ પરિબળોની અસર શેરબજાર પર દેખાઈ રહી છે.

અમેરિકાએ ઈરાન ઉપર મુકેલા પ્રતિબંધોના કારણે ભારતને ઈરાન પાસેથી ઓઈલ ખરીદવાની મુશ્કેલી પડી રહી હતી. અમેરિકાએ આર્થિક વ્યવહાર ઉપર પ્રતિબંધો મુકયા હતા. અત્યાર સુધી ભારત ઈરાનનું ઓઈલ યુરોપીયન બેંકના માધ્યમથી ખરીદતુ હતું. પરંતુ પરિબળો અનુકુળ ન રહેતા હવે ભારતે લોકલ બેંકોના માધ્યમથી રૂપીયામાં પેમેન્ટની વ્યવસ્થા ગોઠવી છે.

ગત મે મહિનામાં અમેરિકાએ ઈરાન સાથે પરમાણુ સંધીનો વિચ્છેદ કરી ઘણા પ્રતિબંધો મુકયા હતા. ઈરાન પાસેથી ઓઈલ ન ખરીદવા ભારત સહિતના દેશો પર અડકતરુ દબાણ પણ થયું હતું. જો કે ઈરાન અન્ય દેશોની સરખામણીએ ભારતને સસ્તી કિંમતે પુરતુ ઓઈલ આપતું હોવાથી અમેરિકાના પ્રતિબંધોને નજર અંદાજ કરવા જરૂરી છે. ભારતની યુકો બેંક અને આઈડીબીઆઈ બેંક હવેથી ઈરાન પાસેથી ઓઈલ ખરીદવામાં ‚પિયાના માધ્યમથી વ્યવહાર કરી શકશે તેવું સૂત્રોએ જણાવ્યું છે.

સૂત્રોના મત અનુસાર અમેરિકાના પ્રતિબંધ પહેલા ઈરાન પાસેથી ૪૫ ટકા ઓઈલ રૂપીયાનો વ્યવહાર કરી ખરીદવામાં આવતું હતું. જો કે, હવેથી ઈરાન પાસેથી સઘળુ ઓઈલ રૂપીયાના માધ્યમથી ખરીદવામાં આવશે. ડોલરનું પેમેન્ટ પડતુ મુકાશે.

ઈરાન પાસેથી ઓઈલ ખરીદનારા દેશ પૈકીમાં ચીન બાદ ભારતનો ક્રમ આવે છે. અમેરિકાના પ્રતિબંધોના કારણે યુરોપના કેટલાક દેશોએ ઈરાન પાસેથી ઓઈલ ખરીદવા મામલે પીછેહટ કરી છે. જો કે ચીન અને ભારતે આ પગલા પોસાય તેમ નથી. પરિણામે તેઓ વચલો રસ્તો લઈ રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.