Abtak Media Google News

પૂષ્કરધામના વિપ્ર વૃધ્ધની નજર ચુકવી રૂ.૪૫ હજાર સેરવી લેતા રિક્ષા ચાલક સહિત બે ઝડપાયા

મેટોડામાં સીએનસી પોગ્રામર રૂ.૯૦ હજારની ચોરીના ગુનામાં ઝડપાયો

યુનિવર્સિટી પોલીસે ઘરફોડ અને બાઇક ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢા તસ્કરને ઝડપી લીધો

શહેર પોલીસે જુદી જુદી દસ જેટલી ચોરીના ગુનાનો ભેદ ઉકેલી વૃધ્ધા સહિત દસની ધરપકડ કરી રૂ.૭.૨૦ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. ચોરીના ગુનામાં સંડોવાયેલી મહિલા સહિત ત્રણની શોધખોળ હાથધરી છે.

ભક્તિનગર, આજી ડેમ, શાપર અને તાલુકા પોલીસ મથક વિસ્તારમાં આવેલા બંધ કારખાનાને નિશાન બનાવી કોપર વાયરની ચોરી કરતા જંગલેશ્ર્વરના રઉફ રજાક ઇશાણી, ખોડીયારનગરના જાકીર ઉર્ફે રાજુ મેહુલ કુરેશી, પુનિતનગરના દિપક ઉર્ફે દિપુ બટુક સાડમીયા, ગોંડલના દિલીપ રમેશ પરમાર અને મોરબી રોડ ઇન્દ્રપ્રસ્ત સોસાયટીના કમલેશ હરગોવિંદ દંગી નામના શખ્સોને ઝડપી રૂ.૪.૯૫ લાખની કિંમતનો ૧૧૦૦ કિલો કોપર વાયર અને રિક્ષા કબ્જે કર્યા છે. રઉફ અગાઉ પણ પાંચ જેટલી ચોરીના ગુનામાં પોલીસે ધરપકડ કર્યાનું ભકિતનગર પોલીસની તપાસમાં બહાર આવ્યું છે.

શહેરના પુષ્કરધામ મેઇન રોડ પર આવેલા ઘનશ્યામનગરના નવીનચંદ્ર ભાયચંદ્ર મહેતા નામના વૃધ્ધ રિક્ષામાં એજી ચોકથી બેસી પૂષ્કરધામ જઇ રહ્યા હતા ત્યારે તેમની નજર ચુકવી ખિસ્સામાંથી રૂ.૪૫ હજાર સેરવી લેવાના ગુનામાં સંડોવાયેલા માકેર્ટીંગ યાર્ડ પાસેના સાગરનગરમાં રહેતા રિક્ષા ચાલક મહેશ જયંતી કુવરીયા અને બાપુનગરની લીલાબેન મગન સોલંકીની ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી રોકડ અને રિક્ષા મળી રૂ.૫૭ હજારનો મુદામાલ કબ્જે કર્યો છે. બંનેની પૂછપરછમાં તેની સાથે કાજલ ઉર્ફે કાજલી કિશન દેત્રોજા અને વિરેન્દ્ર ભૈયાની સંડોવણી હોવાની કબુલાત આપતા તેની શોધખોળ હાથધરી છે. રિક્ષા ચાલક મહેશ સાડમીયા એકાદ વર્ષ પહેલાં વાહન ચોરીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે.

મેટોડામાં ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા પ્રવિણ ભૂપત કુવરીયા નામના નાના મવા ચોકડીથી મવડી ચોકડી તરફ જતા માર્ગ પરથી તાલુકા પોલીસ મથકના સ્ટાફે ધરપકડ કરી તેની પાસેથી રૂ.૯૦ હજારની કિંમતના સોનાના ઘરેણા કબ્જે કર્યા છે. તેની પૂછપરછ દરમિયાન મેટોડામાં ચોરી કર્યાની કબુલાત આપી છે.

પૂષ્કરધામ પાસે આવેલા આરએમસી કવાર્ટરમાં રહેતા અજય માધવ પરમાર નામના શખ્સને ગોપાલ ચોક પાસેથી યુનિર્વસિટી પોલીસ સ્ટાફે ચોરાઉ બાઇક સાથે ધરપકડ કરી પૂછપરછ કરતા તેને અજય જગદીશ નાયકા સાથે મળી ગાંધીગ્રામ વિસ્તારમાં ત્રણ બંધ મકાનમાં ચોરી કર્યાની કબુલાત આપી છે. પોલીસે તેની પાસેથી બે ટીવી, બાઇક અને રોકડ મળી રૂ.૪૦ હજારનો મુદામાલ કબ્જે કર્યો છે. જગદીશ નાયકાની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.