Abtak Media Google News

ભકિત દ્વારા એકતાની શકિતના હેતુ સાથે કોન્સર્ન થીમ, રોકિંગ ગરબા, કરતાલ અને મંજીરાના તાલ સાથે રાસ-ગરબાની રમઝટ

ખોડલધામ મહિલા સમિતિ દ્વારા સ્પીરીચ્યુઅલ બ્લાસ્ટ સાથે વેલકમ નવરાત્રી મહોત્સવ અને બાય બાય નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોન્સર્નની થીમ ઉપર રોકિંગ ગરબા, કરતાલ મંજીરાના તાલ સાથેના ભજનો અને ભકિત દ્વારા એકતાની શકિતના હેતુ સાથે રાસ ગરબાની રમઝટ બોલશે.

કાર્યક્રમમાં નરેશભાઈ પટેલ તેમજ ટ્રસ્ટના મહિલા આગેવાનો હાજરી આપશે. ખોડલધામ મહિલા સમિતિ રાજકોટ દ્વારા સ્પીરીચ્યુઅલ બ્લાસ્ટ સાથે વેલકમ નવરાત્રી રાસોત્સવ અને બાય બાય નવરાત્રી રાસોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્રમાં સૌપ્રથમવાર કયારેય ન જોયું હોય તેવું આદિકાળની સંસ્કૃતિને ઉજાગર કરતું નવલી નવરાત્રીનું દરેક જ્ઞાતિની માત્ર મહિલાઓ માટેનું એક અનોખું આયોજન કરવામાં આવ્યું છે. તા.૯/૧૦/૨૦૧૮ને મંગળવારે વેલકમ નવરાત્રી તથા તા.૧૯/૧૦/૨૦૧૮, શુક્રવારેને દશેરાના દિવસે બાય બાય નવરાત્રીનું આયોજન રાત્રે ૮ થી ૧૨ કલાક સુધી નાનામવા સર્કલ ખાતે ખોડલધામ નવરાત્રી રાસોત્સવના ગ્રાઉન્ડમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વેલકમ નવરાત્રીમાં રમવા આવનાર ખેલૈયાઓને બાય બાય નવરાત્રીના પાસ તદન ફ્રી આપવામાં આવશે. આ કાર્યક્રમની શરૂ આત સાંજે ૭:૩૦ વાગ્યે માં ખોડલની મહાઆરતી થી કરવામાં આવશે.

અબતકની મુલાકાતે આવેલા મહિલા આગેવાનોએ જણાવ્યું હતું કે, નાનામવા સર્કલ પાસેના વિશાળ ગ્રાઉન્ડમાં ૧૦ થી ૧૨ હજાર ખેલૈયાઓ રમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. એકદમ રમણીય વાતાવરણમાં સુયોગ્ય બેઠક વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, વાહન પાર્કિંગ તેમજ સંપૂર્ણ સુરક્ષા સાથે મહિલાઓ રમી શકે તેવી વ્યવસ્થા સાથે ૧૫૦થી વધુ સ્વયંસેવક બહેનોની ટીમ દેખરેખ રાખશે.

ખોડલધામ ટ્રસ્ટના મહિલા ટ્રસ્ટી શર્મિલાબેન બાંભણીયાના માર્ગદર્શન હેઠળ ખોડલધામ મહિલા સમિતિના જાગૃતિબેન ઘાડીયા, અનિતાબેન દુધાત્રા, ભાવિકા લીંબાસીયા, જયોત્સનાબેન ટીલાળા, સુમીતાબેન કાપડિયા, જયશ્રીબેન વરસાણી, વર્ષાબેન રૈયાણી અને રિદ્ધિ ટોપીયા જહેમત ઉઠાવી રહ્યા છે. પાસ મેળવવા માટે મો.૮૫૧૧૧ ૨૧૨૪૩/૪૮ ઉપર સંપર્ક સાધવાનું જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.