Abtak Media Google News

નાકરાવાડી સ્થિત વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ અને લીગસી વેસ્ટના નિકાલની કામગીરીની સમિક્ષા કરતા મ્યુનિ.કમિશનર

રાજકોટ શહેરમાં દેનિક સફાઇ કામગીરી દરમિયાન એકત્રિત થતાં 650 મેટ્રીક ટન કચરા અને વર્ષોથી એકત્રિત થયેલા 6 લાખ ટન કચરાના નિકાલ માટે કોર્પોરેશન દ્વારા નાકરાવાડી ખાતે પ્રોસેસિંગ અને લેન્ડ ફિલ સાઇટ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેનું કામ 60 ટકા પૂર્ણ થઇ ગયું છે. હાલ અહિં દૈનિક 1000 મેટ્રીક ટન કચરાનું પ્રોસેસિંગ કરવામાં આવે છે. આગામી દિવસોમાં પ્રતિદિન પ્રોસેસિંગની ક્ષમતા બમણી કરવામાં આવશે. તેમ મ્યુનિ.કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું.

શહેરમાંથી એકત્ર થયેલ જુના કચરાના નિકાલ માટે હાલ નાકરાવાડી ખાતે પ્રોસેસિંગ અને લેન્ડ ફીલની કામગીરી ચાલી રહી છે. તેમજ આ જ સ્થળે વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ પણ બનાવવામાં આવી રહ્યો છે. આ બંને કામગીરીને વધુ વેગ આપવા મ્યુનિપિસલ કમિશનર આનંદ પટેલે સ્થળની મુલાકાત લીધી હતી અને લીગસી વેસ્ટનો નિકાલ ઝડપથી કરવા સુચના આપી હતી.

શહેરમાથી ઉત્પન્ન થતાં ઘન કચરામાંથી ઉર્જા ઉત્પન્ન કરવા માટેના વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ બનાવવાની કામગીરી નાકરાવાડી ગામ નજીક રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની સાઇટ પર હાલ પ્રગતિમાં છે. આ પ્લાન્ટ શરૂ થયેથી દૈનિક ધોરણે 600 (ટન પ્રતિ દિવસ) ઘન કચરાનો નિકાલ થશે. જેમાંથી 14.9 મેગા વોટ વીજળીનું ઉત્પાદન થશે. હાલ આ પ્લાન્ટનું 60% જેટલું કામ પૂર્ણ થયેલ છે. ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન હેઠળ નાકરાવાડી લેન્ડફીલ સાઇટ ખાતે જમા થયેલ જૂના કચરાનો નિકાલ કરવાનું કામ જુદી જુદી એજન્સીઓને સોંપી દેવામાં આવેલ છે. આ કામગીરી હાલ પ્રગતિમાં છે.

નાકરાવાડી ખાતે લીગસી વેસ્ટનાં નિકાલ માટે હાલ 8 ટ્રોમેલ કાર્યરત છે અને 2 ટ્રોમેલ કાર્યરત કરવાની કામગીરી ચાલી રહી છે. ટ્રોમેલ (કચરાનું વર્ગીકરણ કરતું મશીન)માં જુના કચરામાંથી રિફ્યુઝ્ડ ડીરાઇડ ફ્યુલ સેમી કમ્પોસ્ટ, ધૂળ, પથ્થર, મેટલ વગેરે અલગ કરવામાં આવે છે.

લેન્ડ ફીલ સાઈટ ખાતે પ્રથમ સેલમાં 55000 મેટ્રિક ટન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવેલ છે. દ્વિતીય સેલમાં 4 લાખ મેટ્રિક ટન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માટેની કામગીરી કાર્યરત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.