Abtak Media Google News

ગોંડલનું વેરીતળાવ ઓવરફલો થતાં આજે સાંજે નર્મદાનાં નીર ભાદર તરફ રવાના કરાશે

રાજય સરકાર દ્વારા સૌની યોજના અંતર્ગત રાજકોટની જળજરૂરીયાત સંતોષતા આજી અને ન્યારી ડેમમાં ૧૫મી ઓગસ્ટ સુધી ચાલે તેટલું પાણી ઠાલવી દેવાયા બાદ ગઈકાલથી નર્મદાનાં નીર બંને જળાશયોમાં બંધ કરી દેવામાં આવ્યા છે. દરમિયાન આજથી સૌરાષ્ટ્રનાં દરિયા ગણાતા એવા ભાદર ડેમમાં નર્મદાનું પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે. ગોંડલ વેરીતળાવ ઓવરફલો થતાં આજે સાંજે ભાદર તરફ નર્મદાનાં નીર રવાના કરાશે જે ચારથી પાંચ દિવસમાં ભાદરમાં પહોંચી જશે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ રાજય સરકાર દ્વારા સૌની યોજના અંતર્ગત સૌરાષ્ટ્રનાં અલગ-અલગ જળાશયોને નર્મદાનાં નીરથી ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે. રાજકોટને ૧૫મી ઓગસ્ટ સુધી ચાલે તેટલું પાણી આજી અને ન્યારી ડેમમાં ઠાલવી દીધા બાદ ગઈકાલથી આ બંને જળાશયોમાં નર્મદાનું પાણી ઠાલવવાનું બંધ કરી દેવામાં આવ્યું છે.

બીજી તરફ રાજકોટ નજીક ત્રંબાથી ગોંડલનાં ગુંદાસરા ગામ સુધી પાઈપલાઈન મારફત અને ત્યાંથી કુદરતી વહેણમાં નર્મદાનું પાણી ગોંડલનાં વેરીતળાવમાં છોડવામાં આવી રહ્યું છે. આજે સાંજે વેરીતળાવ ઓવરફલો થઈ જાય તેવી પ્રબળ સંભાવના છે. ઓવરફલો થતું પાણી ભાદર ડેમ તરફ છોડવામાં આવશે. વેરીતળાવથી ભાદર ડેમનું અંતર આશરે ૧૭ કિલોમીટરનું છે જેમાં વચ્ચે આશાપુરા-૧ ડેમ, આશાપુરા-૨ ડેમ સહિતનાં ત્રણ થી ચાર જળાશયો રસ્તામાં આવે છે તે તમામ ભરાયા બાદ નર્મદાનાં નીર ભાદર ડેમમાં પહોંચશે. ભાદરમાં કેટલું નર્મદાનું પાણી છોડવામાં આવશે તેની હજુ સુધી રાજય સરકાર દ્વારા સિંચાઈ વિભાગને સુચના આપવામાં આવી નથી. ચોમાસાનાં આડે હવે ગણતરીનાં જ દિવસો બાકી રહ્યા હોય એવું મનાઈ રહ્યું છે કે, સરકાર દ્વારા સૌની યોજના અંતર્ગત ભાદર ડેમમાં ટેસ્ટીંગ પુરતું જ નર્મદાનું પાણી છોડવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ૩૪ ફુટની ઉંચાઈ ધરાવતા અને ૬૬૬૬ એમસીએફટીની સંગ્રહશકિત ધરાવતા ભાદર ડેમ હાલ સાડા ચાર ફુટ સુધી ભરેલો છે અને ડેમમાં માત્ર ૧૨૬ એમસીએફટી પાણી  સંગ્રહિત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.