Abtak Media Google News

સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે આજથી અંદાજે 36 વર્ષ અગાઉ પન્નાબેન શુક્લ સહીત 11 બહેનોએ રૂપિયા 101 ઉઘરાવી રૂપિયા 1111 ના મુડીરોકાણ સાથે ખાખરા અને અડદના પાપડ બનાવી તેનું વેચાણ કરવાની શરૂઆત કરી હતી.જેમાં ધીરે ધીરે અન્ય મહિલાઓ જોડાતી ગઇ અને નાનકડા બીજ સમાન આ મંડળ આજે એક વિશાળ વટવ્રુક્ષ સમાન સંસ્થા બની ગઇ છે. પાપડ અને ખાખરાથી શરૂઆત કર્યો બાદ સંસ્થા દ્વારા જુદી જુદી પ્રકારના અથાણા , ફરસાણ સહીતની વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ શરૂ કરવામાં  આવ્યું હતુ. ઉત્તમ ક્વોલીટી અને વ્યાજબી ભાવના કારણે મંડળ દ્વારા બનાવવામાં આવતી વસ્તુઓની માંગ સતત વધી રહી છે.

Advertisement

ત્યારે સંસ્થાના  પ્રમુખ પન્નાબેન શુક્લ, જ્યોતીબેન સોલંકી , ઉષાબેન ઠાકર,શિલ્પાબેન પરમાર , રાજેશ્રીબેન ત્રિવેદી, રચનાબેન રાવલ, મીનાબેન કારીયા સહીતની ટીમ દ્વારા મહિલાઓને સ્વનિર્ભર બનાવવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધલક્ષી ઇન્કમ જનરેશન યોજનાઓ અંતર્ગત તાલીમ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને ફુડ પ્રોસેસિંગ, ડ્રેસ ડીઝાઇનીંગ, બ્યુટી પાર્લર, કોમ્પ્યુટર , મોબાઇલ રીપેરીંગ જેવા વોકેશન કોર્ષની તાલીમ આપવામા આવે છે. જેથી મહિલાઓ પરાવલંબી બનવાના બદલે પોતાની આવડત અને કાર્ય કુશળતા થી સ્વાવલંબી બને છે. આવી યોજનાઓ અંતર્ગત અત્યાર સુધીમાં 30 હજારથી વધુ મહિલાઓને તાલીમ આપી આત્મનિર્ભર બનાવવામાં આવી છે.

આ ઉપરાંત  મંડળ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાની સરકારી કચેરીમાં કેન્ટીન ચલાવી તેમજ ખાખરા, પાપડ, અથાણાં ,  ફરસાણ સહીતની વસ્તુઓ બનાવી વેચાણ કરવામાં પણ સીધા જ પ્રત્યક્ષ રીતે 350 થી વધુ મહિલાઓ ને રોજગારી પુરી પાડવામાં  આવે છે. આ ઉપરાંત સંસ્થા દ્રારા સખી વન સ્ટોપ સેન્ટર અને કુંટુંબ સલાહ કેન્દ્ર પણ ચલાવવામાં  આવે છે.

મહિલાઓને લાચાર નહીં પરંતુ સ્વમાની બનાવવાનો ઉદ્દેશ છે : પન્નાબેન શુક્લ, સંસ્થાના માનદ મંત્રી  જણાવે છે કે મહિલાઓને આર્થિક મદદથી લાચાર બનાવવાના બદલે તે પોતાના પગ પર ઉભી રહી શકે તે માટે તેને કામ આપી સ્વાવલંબી બનાવવી જેથી મહિલાઓ સ્વમાન અને ખુદ્દારીથી જીવે તેવો અમારો ઉદ્દેશ છે. સાથે સંસ્થામાં કામ કરવા આવતી મહિલાઓ પણ અહીયા કામ કરીને રોજગારી મેળવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.