- અંદાજિત 2500 જેટલાં કેદીઓની સમાવિષ્ટ સંખ્યા: ઉદ્યોગ,ગૌશાળા,ઓપન જેલ સહિતની બાબતોનો સમાવેશ કરાશે
રાજ્યની અનેક જેલમાં સમાવિષ્ટ કેદીઓની સંખ્યા કરતા કેદીઓની સંખ્યા વધુ હોવાથી જેલમાં કેદીઓનું ભારણ વધતા દ્વારકા, સોમનાથ, બોટાદ, ભાવનગર, આણંદમા નવી જેલ બનાવવાનું કાર્ય ચાલુ છે. રાજકોટ મધ્યસ્થ જેલમાં ક્ષમતા કરતા બમણા કેદીઓનું ભારણ છે. ત્યારે કેદીઓના ભારણને પહોંચી વળવા રાજકોટમાં વધુ એક જેલ બનાવવા ન્યારા પાસે જમીનની માંગણી કરવામાં આવી છે.રાજકોટના જામનગર રોડ પર ન્યારા ખાતે જેલ તંત્ર દ્વારા આશરે 75 એકર જેવડી વિશાળ જગ્યાની માંગણી રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવી છે. જે જેલ રાજ્યની અત્યાધુનિક જેલો પૈકી એક હશે. આ જેલમાં પ્રાપ્ત વિગત અનુસાર અંદાજિત 2500 કેદીઓની સમાવિષ્ટ સંખ્યા હશે. નવી જેલમાં ઉદ્યોગ-ગૌશાળા-ઓપન જેલ સહીતની સુવિધાઓ ઉપલબ્ધ હશે. સાથોસાથ જેલ પરિસરમાં કર્મચારીઓ માટે સરકારી આવાસ પણ બનાવવામાં આવશે. હાલ રાજકોટ મધ્યસ્થ જેલમાં મંજુર ક્ષમતા કરતા આશરે બમણા કેદીઓ છે. જેલની મંજુર સમાવિષ્ટ સંખ્યા 1232 કેદીઓની છે જેની સામે મધ્યસ્થ જેલમાં કાચા અને પાકા કામના કુલ 2200 બંદીવાનો છે.
રાજકોટ મધ્યસ્થ જેલમાં બંદીવાન ભાઈઓ માટે ગત શનિવારે બંદીવાન રમતોત્સવ-2024 યોજાયો હતો. આ રમતોત્સવમાં કેરમ, ફૂટબોલ, રસ્સા ખેંચ, વોલીબોલ, પોસ્ટ કાર્ડ સ્પર્ધા સહિતની ઇવેન્ટ યોજાઈ હતી કે, જેમાં 550 બંદીવાન ભાઇઓએ ભાગ લીધો હતો. ઈવેન્ટમાં વિજેતા થયેલા ખેલાડીઓને સન્માનિત કરવા માટે રાજ્યની જેલોના અધિક પોલીસ મહાનિર્દેશક કે. એલ. એન. રાવે પણ હાજરી આપી હતી અને બંદીવાન ભાઇઓ માટેનાં રમતોત્સવમાં વિજેતા થતાં ખેલાડીઓના સન્માન બાદ તેઓએ બંદીવાન ભાઈઓના લાભાર્થે એક જાહેરાત પણ કરી હતી.
રાજ્યના જેલ વડા ડો. કે.એલ.એન. રાવે જાહેરાત કરતા કહ્યું હતું કે, જેલમાંથી નીકળ્યા બાદ કેદીઓને સમાજમાં પુન: સ્થાપિત કરવા રોજગારીની જરૂર રહેતી હોય છે ત્યારે જો તેમને કોઈ રોજગારી ન મળે તો તેઓ જેલ અધિક્ષકનો સંપર્ક કરી શકે છે. જેલ અધિક્ષક અરજદારની ક્ષમતાને ધ્યાને રાખીને તેમની રોજગારીની વ્યવસ્થા કરી આપશે.
રાજ્યની જેલોના અધિક પોલીસ મહાનિર્દેશક કે. એલ. એન. રાવે બંદીવાન ભાઇઓ માટેનાં રમતોત્સવમાં વિજેતા થતાં ખેલાડીઓના સન્માન બાદ કહ્યું હતું કે, રાજકોટમાં ન્યારા સહિત રાજયમાં 6 જગ્યાએ નવી જેલ એક વર્ષમાં બની જશે. રાજકોટમાં ન્યારા, દ્વારકા, સોમનાથ, બોટાદ, ભાવનગર, આણંદમા નવી જેલ બનશે. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ દ્વારા રાજકોટ સહિત રાજ્યની 3 જેલમાં મનોસામાજીક કેન્દ્રનું ઉદઘાટન કરવામા આવ્યું હતુ. જેનો હેતુ એ છે કે, બંદીવાન ભાઇઓ જેલ પર આવે છે. તેઓ માનસિક રીતે પીડાતા હોય તો તેમની સમસ્યાનું વિશ્લેષણ થાય અને તેઓ પોઝિટિવ થીંકિંગ કરે તે હેતુ છે. જેમાં રક્ષા શક્તિ યુનિવર્સિટીનો સ્ટાફ આવે છે. જેઓ કેસ સ્ટડી પરથી કેદીઓની સારવાર કરી તેમની સમસ્યાનું નિવારણ લાવે છે. તેઓએ કેદીઓ માટેના મનોસામાજિક કેન્દ્રને ખૂબ જ ઉપયોગી ગણાવ્યું હતું.
રાજકોટની નવી જેલ બનાવવા માટે ન્યારા પાસે જગ્યા માંગી છે. જેની મંજૂરી ટૂંક સમયમાં મળી જશે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા, સોમનાથ, ભાવનગર, બોટાદ અને આણંદમાં નવી જેલ બનાવવા માટેની કામગીરી ચાલુ છે. જે એક વર્ષમાં શરૂ થઈ જતાં 1,500 જેટલાં કેદીઓને રાખી શકાય તેવી વ્યવસ્થા કરવામા આવશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં 2023માં આજીવન કેદના 150 કેદીઓને કલમ-432 મુજબ તેમનાં સારા વર્તણૂકને કારણે મુક્ત કર્યા હોવાનુ તેમણે જણાવ્યું હતું.
મધ્યસ્થ જેલે અડદીયાનું ઐતિહાસિક વેચાણ કર્યું : બે મહિના પૂર્વે જ રેકોર્ડબ્રેક કમાણી કરી
દર વર્ષે મધ્યસ્થ જેલના બેકરી વિભાગમાં શિયાળાની સીઝનમાં શુદ્ધ ઘીના ગુણવતાયુક્ત અડદીયાનું ઉત્પાદન કરીને વેચાણ કરવામાં આવે છે. જેમાં ચાલુ વર્ષે રેકોર્ડબ્રેક કમાણી કરવામાં આવે છે. ગત વર્ષની સીઝનમાં જેલ તંત્રે 3373 કિલો અડદીયાનું વેચાણ કરી રૂ. 10.79 લાખની આવક કરી હતી જેની સરખામણીમાં ચાલુ વર્ષે 4147 કિલો અડદીયાનું વેચાણ કરી રૂ. 14.70 લાખની આવક ફેબ્રુઆરી માસના અંતમાં અને હાલ સુધીમાં રૂ. 15 લાખની આવક કરી લીધી છે. જેલના ઇતિહાસમાં હાલ સુધીમાં અડદીયાના વેચાણ પેટે આટલી મોટી આવક
થયાનો આ પહેલો દાખલો છે. ઉપરાંત રાજકોટ જેલને ઉદ્યોગ થકી ચાલુ નાણાકીય વર્ષમાં રૂ. 1.73 કરોડની આવક કરવા લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો જેની સામે જાન્યુઆરી માસના અંત સુધીમાં જ રૂ. 1 કરોડ 81 લાખ 74 હજારની આવક કરી લીધી છે. આ નાણાકીય વર્ષમાં બે મહિનાનો સમય બાકી છે ત્યારે જેલની આવક રૂ. 2 કરોડને આંબી જાય તેવો આશાવાદ છે.
એમ.ટી. રૂમ, પાસિંગ રૂમ અને મુલાકાતીઓ માટેના પ્રતીક્ષા ખંડનું લોકાર્પણ
રાજ્યની જેલોના અધિક પોલીસ મહાનિર્દેશકે રાજકોટ જેલમાં એમ.ટી. રુમ, પાસિંગ રૂમ અને પ્રતીક્ષા ખંડનું લોકાર્પણ કર્યું હતું. જેલમાં દાખલ કરવામાં આવતી તમામ ચીજ-વસ્તુઓનું જે રૂમમાં ચેકીંગ કરવામાં આવે છે તેને પાસિંગ રૂમ કહેવામાં આવે છે. અહીંયા ક્વોલિટી-ક્વોન્ટીટી સહીતની ચકાસણી કરવામાં આવે છે. સરકારી વાહનોના ઉપયોગ, ડ્રાયવરની ફરજ નક્કી કરવાના સ્થળને એમ.ટી. રૂમ કહેવામાં આવે છે જેનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત જેલ મુલાકાતે આવેલા લોકો માટે બનાવવામાં આવેલા પ્રતીક્ષા ખંડનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.