Abtak Media Google News

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ વિરૂધ્ધ થયેલા નિવેદનો સામે પ્રદેશ મીડિયા કન્વીનરની તીખી પ્રતિક્રિયા

ગુજરાત ભાજપના પ્રદેશ મીડિયા ક્ધવીનર પ્રશાંત વાળાએ ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલ અંગે કોંગ્રેસના પાયાવિહોણા-બેજવાબદાર આક્ષેપો અંગે તીવ્ર પ્રતિક્રિયા આપી હતી.

પ્રશાંત વાળાએ જણાવ્યું હતું કે ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ છેલ્લા ૩૦ વર્ષથી જનતાની વચ્ચે રહી જાહેરજીવનમાં સેવાકીય કાર્ય કરી રહ્યા છે. તેઓએ દક્ષિણ ગુજરાતમાં એક સામાન્ય કાર્યકર થી પોતાની કારકિર્દીની શરૂઆત કરીને પ્રજા વચ્ચે રહીને જન સાથે જોડાયેલા રહીને અનેક પ્રકારે પ્રજાકીય અને સામાજિક સેવા કાર્યો કર્યા છે. છેલ્લા ૧૫ વર્ષથી તેઓ નવસારી અને સુરત લોકસભા ક્ષેત્રનું સંસદમાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેઓને પ્રજાએ ચૂંટ્યા છે એટલું જ નહીં પરંતુ ભારતના ઇતિહાસમાં સૌથી વધુ રેકોર્ડબ્રેક મતોથી જીતાડીને નવસારી લોકસભા ક્ષેત્રની જનતાએ સંસદમાં મોકલ્યા છે, જે તેમના પરોપકારી અને પરગજુ સ્વભાવનું પ્રતિબિંબ દર્શાવે છે.

વાળાએ જણાવ્યું હતું કે,કોંગ્રેસના ભાડૂતી કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ અને જેઓ  નગરપાલિકા ની એક સામાન્ય ચૂંટણી પણ જીતી શકે તેમ નથી. તેવા લોકો ભાજપાના આવા પ્રતિભાશાળી દીર્ઘકાલીન રાજકીય કારકિર્દી ધરાવતા અને ૩૦ વર્ષોથી લોકહિત અને સમાજ સેવામાં કાર્યરત ભાજપા પ્રદેશ અધ્યક્ષ  સી.આર. પાટીલ માટે આવા બેબુનિયાદ, વાહિયાત આક્ષેપો ઘરે તે શોભનીય નથી. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષને ખબર હોવી જોઈએ કે સૂરજ સામે ઉડાડવામાં આવતું થુંક અંતે તો પોતાના પર જ ઉડીને પરત આવતું હોય છે.

સી. આર. પાટીલે એક સામાન્ય કાર્યકરથી શરૂઆત કરીને લાંબી મહેનત અને સંઘર્ષ બાદ ભાજપા પ્રદેશ અધ્યક્ષ તરીકેની અને તે પૂર્વે તેઓએ અનેક વૈવિધ્યપૂર્ણ જવાબદારીઓ પાર્ટીમાં સંભાળી છે જેના માટે તેઓએ પોતાની જાત ઘસીને પોતાને સક્ષમ બનાવ્યા છે. વાળાએ અંતમાં ચેતવણીના સ્વરમાં જણાવ્યું હતું કે ભાજપાના પ્રદેશ અધ્યક્ષ કે નેતાઓ સામે કોઈપણ પ્રકારના વાહિયાત કે બેબુનિયાદ આક્ષેપો કરનારા લોકો ચેતી જાય. કેમ કે આવા દંભી અને જુઠા કોંગ્રેસીઓને જનતા ઓળખી ચુકી છે અને તેઓના આવા બેજવાબદાર નિવેદનોનો  આકરો જવાબ ગુજરાતની જનતા ચૂંટણીના પરિણામો દ્વારા આપશે તેવો મને સંપૂર્ણ વિશ્વાસ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.