Abtak Media Google News

તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2003માં શરૂ કરવામાં આવેલી આ સમિટ ઔદ્યોગિક એકમોના રોકાણ માટે પસંદગીનું પ્રથમ સ્થળ બનવાના તેના પ્રારંભિક મિશનથી પણ આગળ વધીને આજે નવા ભારતને આકાર આપવામાં પ્રેરકબળ બની છે. તેવું જણાવી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે હવે 10મી વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટની યજમાની માટે ગુજરાત સજ્જ છે.

નવા ભારતના નિર્માણમાં ગુજરાત મોટું પ્રેરકબળ, દેશના જીડીપીમાં ગુજરાતનો હિસ્સો 8.3 ટકા, ઔદ્યોગિક ઉત્પાદનમાં 18 ટકા અને નિકાસમાં 33 ટકાનો હિસ્સો

ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે છેલ્લા બે દાયકામાં દ્વિવાર્ષિક સમિટ માત્ર ગુજરાતની ગતિશીલ ઉદ્યોગ સાહસિક ભાવનાને જ ઉજાગર કરી નથી. પરંતુ અર્થપૂર્ણ ચર્ચાઓને પ્રોત્સાહન આપી એકમો શરૂ કરવા ઉદ્યોગોને આદર્શ મંચ પુરો પાડયો છે. રાજ્યમાં રોકાણો આકર્ષિત કરવાના ઉદ્દેશ્યની સાથે આ સમિટે સામાજિક અને આર્થિક વિકાસને પણ ઉત્તેજન આપ્યું છે. સમયની સાથે તે એક આગવી પહેલ તરીકે વિકસિત થઈ છે.

તેઓએ ઉમેર્યું કે દેશના અન્ય રાજ્યોને આ પ્રકારની સમિટનું આયોજન કરવા માટે ગુજરાતે પ્રેરણા આપી છે. આ ઇવેન્ટ એ વૈશ્વિક કાર્યક્રમ બની ગયો છે. યાત્રાના 20 વર્ષ દરમ્યાન રાજ્યની ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) વધીને 21.61 લાખ કરોડ સુધી પહોંચ્યો છે, જે દેશના જીડીપીમાં 8.3 ટકાનો ફાળો અને ઔદ્યોગિક ઉત્પાદનમાં 18 ટકાનું યોગદાન આપે છે. એ ઉપરાંત નિકાસમાં 33 ટકા હિસ્સો બન્યો છે.

માત્ર મેન્યુફેક્ચરીંગ, ઓટોમોબાઇલ કે ફાર્માસ્યુટિકલ જ નહીં પણ અન્ય સેક્ટરોમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. આજે ગુજરાતમાં 15 લાખ કરતાં વધુ એમએસએમઇ છે, જે ઔદ્યોગિક ઇકોસિસ્ટમમાં મહત્વ ધરાવે છે. ઔદ્યોગિક જરૂરિયાત અનુસાર કુશળ માનવબળ પણ ગુજરાત ધરાવે છે. રાજ્યમાં બંદરોનું વિશાળ નેટવર્ક છે. એ ઉપરાંત ડીએમઆઇસી, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, ગિફ્ટ સિટી, ડ્રીમ સિટી, બલ્ક ડ્રગ પાર્ક, પીએમ મિત્ર પાર્ક, માંડલ-બેચરાજી અને ધોલેરા એસઆઇઆઇ તેમજ પેટ્રોકેમ ઇન્વેસ્ટમેન્ટ રિઝન પણ ગુજરાતમાં છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે હવે ભવિષ્યની ટેકનોલોજી માટે રાજ્યએ સેમિક્ધડક્ટર ટેકનોલોજી, રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઇડ્રોજન અને ઇ-મોબિલિટી જેવા ઉભરતાં ક્ષેત્રો પર લક્ષ્ય કેન્દ્રીય કર્યું છે. આ વાયબ્રન્ટ સમિટની થીમ ગેટવે ટુ ધ ફ્યુચર છે, જે આંતરરાષ્ટ્રીય સહયોગ મજબૂત બનાવશે. પાછલી સમિટની જેમ આ વખતે પણ ગુજરાત બિઝનેસ નેટવર્કિંગ, નોલેજ શેરિંગ અને સામાજિક-આર્થિક વિકાસની ભાગીદારીનો મંચ બનશે, જે મોદીના 2047 સુધીમાં ભારતને વિકસીત બનાવવાના સ્વપ્નને સાકાર કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.