Abtak Media Google News

રાજકોટના પ્રતિષ્ઠિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને નવીનતમ શિક્ષણ સાથે વિજ્ઞાનના ક્ષેત્રમાં પણ રુચી કેળવાય અને તેમની કલ્પનાઓને આકાર મળી શકે તે માટે પાયાનું શિક્ષણ આપવામાં આવે છે. તાજેતરમાં ઢેબર રોડ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય ખાતે અત્યાધુનિક અટલ ટીકરિંગ લેબ રોબોટિક લેબનો  શુભારંભ કરવામાં આવ્યો.

Advertisement

બાળકોના સર્વાંગી વિકાસ માટે સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓની સાથે સાથે અધ્યાત્મ અને વિજ્ઞાનનો સમન્વય થાય તે પણ ખૂબ જ આવશ્યક બન્યું છે ત્યારે બાળકો વિજ્ઞાન ક્ષેત્રે પોતાના વિચારોને મૂર્તિમંત કરી શકે અને વિશેષત: રોબોટિક ક્ષેત્રમાં આગળ વધી શકે તે માટે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા રોબોટિક લેબ નું નિર્માણ કરવામાં આવ્યું છે. આ લેબમાં વિદ્યાર્થીઓ શાળા અભ્યાસકાળ દરમિયાનજ વિવિધ પ્રકારના સેન્સર આધારિત રમકડાઓ તૈયાર કરતાં શીખશે તેમજ લાઇન ફોલોઅર કાર બ્લૂટૂથ ઓપરેટેડ કાર રીમોટ ઓપરેટેડ કાર વગેરે જેવી રોબોટિક કાર ની સર્કિટ અને મોડેલ તૈયાર કરતાં શીખશે તેમજ અભ્યાસકાળ દરમ્યાન વિદ્યાર્થીઓ પ્રોગ્રામ એબલ સર્કિટ અને રોબોટ તૈયાર કરતા શીખી શકશે… અને તેમનામાં રહેલા નવીનતમ વિચારો આધારિત સ્માર્ટ ટોયઝ અથવા સ્માર્ટ રોબોટ કે મોડેલ તૈયાર કરતાં શીખી શકશે. રોબોટિક લેબના ઉદ્ઘાટન સમારોહનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી થયો હતો. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી  કૈલા, ગુરુકુળના બ્રહ્મનિષ્ઠ સંતો સંત વલ્લભદાસજી સ્વામી , હરિપ્રિયદાસજી  સ્વામી,  શ્રુતિપ્રકાશદાસજી સ્વામી,  જનમંગલદાસજી સ્વામી, લોક વિજ્ઞાન કેન્દ્ર રાજકોટના નિયામક ડો.ભાયાણી, રાજકોટ શહેર આચાર્ય સંઘના પ્રમુખ  સંજયભાઈ પંડયા, ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના મુખ્ય હોદ્દેદાર ભૂપેન્દ્ર સિંહ જાડેજા તેમજ ગુરુકુળના કેમ્પસ ડાયરેક્ટર બોઘરા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.

ઉપસ્થિત મહેમાનોનું પુસ્તક વડે સ્વાગત કર્યા બાદ શાળાના આચાર્ય દવેએે  સૌનું શાબ્દિક સ્વાગત કરવાની સાથે સાથે  અટલ ટિંકરિંગ લેબની પૂર્વભૂમિકા અને તેમાં પ્રાપ્ત થયેલ સંસ્થાનો ,સંતોનો, શિક્ષકોનો અને ખાસ કરીને વિજ્ઞાન શિક્ષક હિતેશભાઈ ભૂંડિયાના પ્રયત્નોને બિરદાવ્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારી  કૈલાએ ખુબજ રસાળ શૈલીમાં વિજ્ઞાન નું મહત્વ અને તેનો પ્રેક્ટિકલ ઉપયોગ જીવનમાં કેવી રીતે વણી શકાય તેને ઉદાહરણ સહિત વિસ્તૃત સમજૂતી વિદ્યાર્થીઓને આપી હતી. પૂ. હરિપ્રિયદાસજી સ્વામી એ પણ તેમના વક્તવ્યમાં આ લેબનો ઉપયોગ વધુમાં વધુ વિદ્યાર્થીઓ દ્વારા થાય તેવી અપીલ સાથે આશીર્વચન પાઠવ્યા હતા. ડો. ભાયાણીએ બે પણ આ રોબોટીક લેબને જોઈને સંતોષ વ્યક્ત કર્યો હતો અને આવી આધુનિક લેબ વિદ્યાર્થીઓને ભેટ આપવા બદલ ગુરુકુળ વિદ્યાલયને અભિનંદન પાઠવ્યા હતા અને લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સંપૂર્ણ સહકાર આપવા માટે ખાતરી આપી હતી.

અંતમાં આભાર વિધિ રાજકોટ ગુરુકુળ ના હાયર સેક્ધડરી વિભાગના  હરેશભાઈ ખોખાણી દ્વારા કરવામાં આવી હતી અને આ લેબનું સંપૂર્ણ યોગ્ય ઉપયોગ વિદ્યાર્થીઓ માટે મહત્તમ રીતે કરવામાં આવશે તેવી બાંહેધરી પણ આપી હતી. કાર્યક્રમનું સંચાલન વિજ્ઞાન શિક્ષક  હિતેશભાઈ ભુંડિયા એ કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.