રાજકોટ: ગુલાબનગરમાં ગળાફાંસો ખાઇ સગીરાનો આપઘાત: કારણ અકબંધ

દેવપરામાં અગમ્ય કારણોસર વૃદ્ધાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું: પ્રમુખનગરમાં ભૂલથી બ્લીચીંગ પી જતા મહિલાનું મોત

શહેરમાં જુદી જુદી બે જગ્યાએ આપઘાતના બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં ગુલાબનગરમાં સગીરાએ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યાનું જ્યારે દેવપરામાં અગમ્ય કારણોસર વૃદ્ધાએ જીવન ટૂંકાવ્યું હોવાનુ સામે આવ્યું છે. તો બીજી તરફ પ્રમુખનગર વિસ્તારમાં ભૂલથી બ્લીચીંગ પી જતા મહિલાનું મોત નિપજ્યું હોવાનુ સામે આવ્યું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના ગુલાબનગર વિસ્તારમાં ન્યુ સોમનાથ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં રહેતી પ્રીતિ સુનિલભાઈ ચૌહાણ નામની 16 વર્ષની સગીરાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ એચ.કે.ડાંગર સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો હતો. જ્યાં પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ પ્રીતિના પિતા સુનિલભાઈ મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. સગીરાએ ક્યાં કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો તે અંગે પોલીસે તપાસ હાથધરી છે.

તો અન્ય બનાવમાં દેવપરાના વિવેકાનંદ નગરમાં રહેતા શાંતાબેને છગનભાઈ મોરાસિયા નામના 70 વર્ષના વૃદ્ધાએ પોતાના ઘર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં ચકચાર મચી ગયો હતો. પોલીસે ઘટનાની નોંધ કરી ક્યાં કારણોસર આપઘાત કર્યો તે અંગે તપાસ હાથધરી છે.

વધુ એક બનાવમાં જાણવા મળ્યા મુજબ 150 ફૂટ રીંગ રોડ પર ફોચ્ર્યુન હોટેલની પાછળ પ્રમુખનગર શેરી -1માં રહેતા સંગીતાબેન પ્રવીણભાઈ વાટલિયા નામના 45 વર્ષના મહિલાનું ભૂલથી બ્લીચીંગ પીવાથી મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો. જેમાં જાણવા મળ્યા મુજબ સંગીતાબેનને બીમારી હોય જેની દવાને બદલે બ્લીચીંગનો પાવડર પી જતા તેણીને સારવારમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીએ સારવારમાં દમ તોડતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.