Abtak Media Google News

કુદરતી મોતનું સર્ટીફીકેટ આપનાર તબીબ નિમાવત અને એડવોકેટના આગોતરા જામીન મંજુર કરતી હાઈકોર્ટ

મોરબી હાઇવે ઉપર કાગદડી ગામે ખોડીયાર આશ્રમના મહંત શ્રી જયરામદાસબાપુની આત્મહત્યાના ચકચારી પ્રકરણમાં નાસતા ફરતા મુખ્ય આરોપી વિક્રમ સોહલાની આગોતરા જામીન અરજી રાજકોટ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. બીજી તરફ  કાવતરું અને પુરાવા નાશ કરવાના ગુનાના આરોપીઓ વકીલ રક્ષિત કલોલા અને ડોક્ટર નીલેશ નિમાવતની  આગોતરા જામીન અરજી ગુજરાત હાઇકોર્ટે  મંજૂર કરી છે.

સૌરાષ્ટ્રભરમાં ખૂબ જ ચકચારી બનેલા આ પ્રકરણની વિગત મુજબ મોરબી હાઇવે ઉપર આવેલા કાગદડી ગામે ખોડીયાર આશ્રમના મહંતશ્રી જયરામદાસના રસોયા ગણેશભાઈએ ચા આપવા માટે વહેલી સવારે બાપુના રૂમનો દરવાજો ખખડાવેલ, જે નહીં ખુલતા ગણેશભાઈએ જોર લગાવી દરવાજાને ધકકો મારતા દરવાજો ખુલી જતા અંદર મહંત મૃત હાલતમાં અને આસપાસ ઉલટીઓ પણ થયેલ હોવાનું જણાતા, ગણેશભાઈએ આશ્રમના ટ્રસ્ટીઓને જાણ કરેલી આ રીતે જાણ થતા ટ્રસ્ટીઓ દ્વારા ડો. નીલેશ નિમાવતને આશ્રમે બોલાવાયા હતા. આશ્રમે પહોંચી  ડો. નીલેશ નિમાવતે પરિસ્થિતિ મુજબ એમબ્યુલન્સ બોલાવી મહંતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે આશ્રમેથી રવાના કર્યો હતો. પરંતુ આ મૃતદેહ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવાના બદલે ડો. નિમાવતની સૂચનાથી દેવ હોસ્પિટલ પાસે લઈ જવામાં આવેલો અને કોઈપ્રકારનું પોસ્ટમોર્ટમ કર્યા વિના થોડીક ક્ષણો બાદ મૃતદેહને ફરીથી આશ્રમે લઈ આવવામાં આવેલો.

આ દરમ્યાન ડો. નિમાવતે દેવ કોવિડ સેન્ટરના મેડિકલ ઓફીસર  કમલેશ કારેલીયાને ફોન કરી મહંતના કુદરતી મૃત્યુ અંગેનું પ્રમાણપત્ર આપવા જણાવેલું. કમલેશ કારેલીયાએ  સિનિયર ડોક્ટર ઉપર વિશ્વાસ રાખી મહંતનું મૃત્યુ હૃદયરોગના હુમલાના કારણે થયેલું હોવાનું પ્રમાણપત્ર આપેલું. આ પ્રમાણપત્ર મુજબ મહંતના મૃતદેહને કાગદડી આશ્રમમાં અગ્નિદાહ આપી દેવામાં આવેલો. મહંતના મૃત્યુના બીજા દિવસે મહંતશ્રી જયરામદાસજીએ લખેલી સ્યુસાઈડ નોટ આશ્રમના ટ્રસ્ટીઓની જાણમાં આવેલ આ સ્યુસાઈડ નોટમાં આરોપી વિક્રમ સોહલા સહિતના નામો સ્પષ્ટપણે જણાવેલ હતા.

આ બનાવમાં મંદિરના ટ્રસ્ટી દ્વારા વિક્રમ સોહલા સહિત ટ્રસ્ટીઓ સામે આપઘાતની  ફરજ પાડવાની ફરિયાદ નોંધાવતાં પોલીસે કલમ 306 હેઠળ ગુનો  નોંધ્યો હતો. જ્યારે પોલીસ તપાસમાં દેવ હોસ્પિટલના ડોક્ટર નીલેશ નિમાવતના કહેવાથી તેમની હોસ્પિટલના અન્ય તબીબ દ્વારા કુદરતી મોતનું  સર્ટિફિકેટ આપવામાં આવ્યું હોવાનું ખુલતા, પોલીસે તેની સામે પણ ગુનો નોંધ્યો હતો. પોલીસે ધરપકડની દહેસતથી વિક્રમ સોહલાએ રાજકોટ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.

વિડિયો અરજીની સુનાવણીમાં બંને પક્ષોની રજૂઆત બાદ સરકાર પક્ષે ડી.જી.પી. એસ.કે વોરાએ કરેલી લેખિત મોખિક દલીલમાં આત્મહત્યાના આગલા દિવસે વિક્રમ સોહલા મહંતના રૂમમાં લાકડી લઈને જતા સીસીટીવી કેમેરામાં દેખાય છે, મહંતના શરીર ઉપર કોઈપણ પ્રકારના ઈજાના નિશાન જણાયેલ ન હતા. તેથી લાકડી લઈને અંદર  વિક્રમ સોહલાએ મહંત સાથે શું દુર્વ્યવહાર કરેલો તે ખુબ જ મોટો તપાસનો વિષય છે.

આરોપી નાસતો ફરતો હોય અને તપાસમાં સાથ-સહકાર આપતો ન હોય ત્યારે સિધા કોર્ટમા આવી પોતાનો બચાવ રજુ કરવો તે કાયદા મુજબ માન્ય પ્રક્રિયા નથી. તમામ રજુઆતો ધ્યાનમાં લઈ  અધિક સેશન્સ જજે  આરોપી વિક્રમ સોહલાની આગોતરા જામીન અરજી રદ કરી છે.

સેશન્સ કોર્ટ દ્વારા ડોક્ટર નીલેશ નિમાવતની આગોતરા જામીન અરજી નામંજૂર કરવામાં આવતા જે હુક્મ સામે હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, જેની સુનાવણી ચાલી જતા હાઈકોર્ટના ન્યાયાધીશે ડોક્ટર નીલેશ નિમાવત અને રક્ષિત કલોલાની આગોતરા જામીન અરજી મંજુર કરી છે. આ કેસમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ સંજયભાઈ કે, વોરા રોકાયા હતા. એડવોકેટ રક્ષિત કલોલાવતી એડવોકેટ તરીકે અનિલભાઈ દેસાઈ, હાઈકોર્ટમાં પ્રેમલ રાચ્છ, ડો.નિલેશ નિમાવત વતી એડવોકેટ તરીકે હરેશ પરસોંડા, પિયુષ ઝાલા, દુર્ગેશ ધનકાણી, વિવેક સાતા ,જયદીપ જાગાણી અને હાઈકોર્ટમાં અપૂર્વ કાપડીયા અને દિવ્યેશ નિમાવત રોકાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.