Abtak Media Google News

આઇપીએસ અધિકારીની ખોટી સહિ કરી બોગસ નિમણુંક પત્ર બનાવનાર ચોટીલાના દેવરાજ ગાબુ, સીમા સાકરીયા અને સાયલાના ગઢસીર વાણીયાના હિતેશ દુમાદીયાની શોધખોળ

રાજયમાં 2021માં લોક રક્ષક દળની થયેલી ભરતીમાં શારિરીક કસોટીમાં ફેઇલ થયેલા 28 જેટલા નોકરી ઇચ્છુકોનો સંપર્ક કરી રુા.4 થી 5 લાખનો વહીવટ કરવાના ચકચારી કૌભાંડમાં સુત્રધાર તરીકે ચોટીલાના દેવરાજ ગાબુ, સીમા સાકરીયા અને સાયલાના ગઢસીરવાણીયાના હિતેશ દુમાદીયાની સંડોવણી બહાર આવતા ક્રાઇમ બ્રાન્ચે તમામની શોધખોળ હાથધરી છે. આઇપીએસ અધિકારીઓની ખોટી સહી સાથે બોગસ નિમણુંક પત્રના આધારે અંદાજે એકાદ કરોડથી વધુ રકમ નોકરી ઇચ્છુકો પાસેથી ખંખેરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. શારિરીક કસોટીમાં ફેઈલ યુવકો સામે પણ કાર્યવાહીના પોલીસસુત્ર દ્વારા મળેલા નિર્દેશથી ટૂંક સમયમાં ધરપકડનો આંક 30 જેટલો થયા તેમ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

2021માં લેવામાં આવેલી લોક રક્ષક દળની ભરતી પૈકીના 332 યુવકોની રાજકોટના પોલીસ હેડ કવાર્ટર ખાતે 25 ફેબ્રુઆરીથી ટ્રેનિંગ શરુ થઇ છે. જેમાં મેહુલકુમાર ભરતભાઇ તરબુંડીયા નામનો યુવક  શારિરીક કસોટી પાસ થઇ ફેબ્રુઆરીથી તાલિમ લઇ રહ્યો છે તે દરમિયાન તેના જે ક્રમાંક નંબર હતા તે ક્રમાંક નંબર સાથેનો નિમણુંક પત્ર સાથે જસદણ તાલુકાના શિવરાજપુરના પ્રદિપ ભરત મકવાણા ગત તા.19 ઓગસ્ટના રોજ ટ્રેનિક માટે હેડ કવાર્ટરમાં હાજર થતાં રિર્ઝવ પી.આઇ. એમ.બી.મકવાણાએ સીટ બ્રાન્ચમાં તપાસ કરી પ્રદિપ મકવાણા પાસે રહેલો નિમણુંક પત્ર બોગસ હોવાનું પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના ધ્યાન પર સમગ્ર ઘટના લાવ્યા હતા.

આઇપીએસ અધિકારીની ખોટી સહિ સાથે એલઆરડી ભરતીના બોગસ નિમણુંક પત્રના આધારે નોકરી ઇચ્છુકો સાથે મોટી રકમની છેતરપિંડી કરવામાં આવ્યાનું સામે આવતા ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોપવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ, પી.આઇ. વાય.બી.જાડેજા અને પી.એસ.આઇ. પરમાર સહિતના સ્ટાફે પ્રદિપ મકવાણાની ઉંડાણ પૂર્વક કરેલી પૂછપરછમાં તે એલઆરડીની શારિરીક કસોટીમાં ફેઇલ થયો હોવાથી ચોટલીના દેવરાજ ગાબુ અને સાયલા તાલુકાના ગઢસીરવાણીયા ગામના હિતેશ દુમાદીયા નામના શખ્સોએ રુા.4 લાખમાં સેટીંગ કરી નિમણુંક પત્ર અપાવવાનું જણાવ્યું હતું. અને ગાંધીનગર એલઆરડી ભવનમાંથી એક યુવતી દ્વારા ટૂંક સમયમાં કોલ લેટર પોસ્ટ દ્વારા મળી જશે તેવી ફોનમાં વાત કરાવી હતી. ફોનમાં વાત કરનાર યુવતી સીમા સાકરીયા પણ ચોટીલાની હોવાનું બહાર આવતા પોલીસે દેવરાજ ગાબુ, હિતેશ દુમાદીયા અને સીમા સાકરીયાની શોધખોળ હાથધરી છે. તેઓ ઝડપાયા બાદ બોગસ નિમણુંક પત્ર કયાં તૈયાર કર્યા અને તેમાં આઇપીએસની બોગસ સહી કોને કરી નોકરી ઇચ્છુકો પાસેથી કંઇ રીતે અને કેટલી રકમ વસુલ કરવામાં આવી તે અંગેની વિગતો બહાર આવે તેમ હોવાનું પોલીસ સુત્રો જણાવી રહ્યા છે.

બોગસ નિમણુંક પત્રના આધારે રાજકોટ નોકરી મેળવવા આવેલા શિવરાજપુરના પ્રદિપ ભરત મકવાણા, તેના પિતા ભરત મકવાણા, બરવાળાના ભાવેશ ગોબર ચાવડા અને તેના ભાઇ બાલા ગોબર ચાવડાને રિમાન્ડ પર લેવા પોલીસે તજવીજ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.