Abtak Media Google News

આઇસીસીએ ટી-20 વર્લ્ડકપનો કાર્યક્રમ કર્યો જાહેર: 13મીએ મેલબર્નમાં ફાઇનલ

ટૂર્નામેન્ટમાં 45 મેચ અલગ-અલગ સાત ગ્રાઉન્ડ પર રમાશે

ક્રિકેટ રસિકો માટે આઇસીસીએ મહત્વની જાહેરાત કરી છે. જેમાં આગામી ટી-20 વર્લ્ડકપ 2022નો કાર્યક્રમ રજૂ કર્યો છે. જેમાં ફરી એકવાર પ્રથમ મેચમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગ જામશે. જ્યારે 13મી નવેમ્બરના મેલબર્ન ખાતે ફાઇનલ મેચ રમાશે.

આઇસીસીએ શુક્રવારે ટી-20 વર્લ્ડ કપ 2022ના કાર્યક્રમની જાહેરાત કરી છે. આ કાર્યક્રમ મુજબ, ભારત તેની પ્રથમ મેચ પાકિસ્તાનની વિરુદ્ધ 23મી ઓક્ટોબરના રોજ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમશે. ટી-20 વર્લ્ડ કપની શરૂઆત 16 ઓક્ટોબરથી થશે. ફાઈનલ 13 નવેમ્બરે મેલબર્નમાં રમાશે. ટૂર્નામેન્ટમાં કુલ 45 મેચ 7 અલગ-અલગ શહેર- એડિલેડ, બ્રિસ્બેન, જિલોંગ, હોબાર્ટ, મેલબર્ન, પર્થ અને સિડનીમાં રમાશે. ટૂર્નામેન્ટની ઓપનિંગ મેચ શ્રીલંકા અને નામીબિયા વચ્ચે રમાશે.

જેમાં ભારતને સુપર 12માં પાકિસ્તાન, દ.આફિક્રા, બાંગ્લાદેશ અને બે ક્વોલિફાયરની સાથે ગ્રુપ-2માં રાખવામાં આવ્યું છે. ભારત આખી ટૂર્નામેન્ટમાં 5 મેચ રમશે. પ્રથમ 23 ઓક્ટોબરે પાકિસ્તાનની સામે, બીજી 27 ઓક્ટોબરે ગ્રુપ-એના રનર અપની સાથે, ત્રીજી 30 ઓક્ટોબરે દક્ષિણ આફ્રિકાની સામે અને ટીમ તેની ચોથી મેચ 2 નવેમ્બરે બાંગ્લાદેશ અને 5મી મેચ 6 નવેમ્બરે ગ્રુપ બીના વિનરની સામે રમશે.

વર્લ્ડ કપની સેમી-ફાઈનલ સિડનીમાં 9 નવેમ્બર અને બીજી 10 નવેમ્બરે એડિલેડ-ઓવલમાં રમાશે. પ્રથમ વખત એડિલેડ-ઓવલમાં વર્લ્ડ કપની સેમી-ફાઈનલ રમાશે, જ્યારે ફાઈનલ 13 નવેમ્બરે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં થશે. આ મેચ ફ્લડ લાઈટસમાં રમાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.