Abtak Media Google News

ટ્રિપલ તલાક, ઘરેલુ હિંસાના બનાવમાં કસ્ટોડીયલ પૂછપરછ જરૂર હોય આગોતરા જમીન મંજુર કરી શકાય નહીં: અદાલત

અમદાવાદની અદાલતે શુક્રવારે એક મુસ્લિમ યુવકને ટ્રિપલ તલાક અને ઘરેલુ હિંસાનાં આરોપો પર તેની સંભવિત ધરપકડ સામે કાનૂની રક્ષણ આપવાનો ઇનકાર કર્યો હતો અને ન્યાયાધીશે અભિપ્રાય આપ્યો હતો કે આ કેસમાં કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી છે.

Advertisement

શહેરના ખામસાના રહેવાસી મોહમ્મદ શોએબ કુરેશીએ શહેરની સેશન્સ કોર્ટમાં ધરપકડની આશંકા વ્યક્ત કરીને આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી.  30 જાન્યુઆરીના રોજ તેની પત્ની ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ગઈ હતી અને તેણે તેની અને તેના પરિવારના સભ્યો સામે ઘરેલુ હિંસા, મારપીટ, શાબ્દિક દુવ્ર્યવહાર અને ટ્રિપલ તલાક અંગે પતિ વિરુદ્ધ ફરિયાદનો આરોપ લગાવતા એફઆઈઆર નોંધાવી હતી.

તેની એફઆઈઆરમાં 25 વર્ષીય મહિલાએ જણાવ્યું હતું કે, કુરેશી સાથે તેના લગ્ન ઓક્ટોબર 2021 માં થયા હતા. શરૂઆતમાં થોડા મહિનાઓ સુધી સાસરીયા દ્વારા  સારો વ્યવહાર કરવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં તેના પતિ અને સાસરિયાઓએ તેને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. તેણીએ ફરિયાદમાં વિગતવાર વર્ણવ્યું હતું કે કેવી રીતે તેના પતિ દ્વારા અપમાનિત કરવામાં આવી હતી, દુવ્ર્યવહાર કરવામાં આવ્યો હતો,

થપ્પડ મારવામાં આવી હતી અને પડોશીઓના મેળાવડાની સામે ત્રણ વાર તલાક શબ્દ ઉચ્ચરાવમાં આવ્યો હતો. પોલીસે કુરેશી અને તેના માતા-પિતા અને બહેન સામે આઇપીસીની કલમ 498એ, 232,294એ અને 114 હેઠળ ગુનો નોંધ્યો હતો અને મુસ્લિમ વિમેન (પ્રોટેક્શન ઑફ રાઇટ્સ ઓન મેરેજ) એક્ટ, 2019ની અરજી સંદર્ભે લીધી હતી જે એક્ટ હેઠળ ટ્રિપલ તલાકને ગેરબંધારણીય ગણવામાં આવે છે.

કુરેશીએ નિર્દોષતાનો દાવો કર્યો અને કહ્યું કે તેની પત્ની દ્વારા લગાવવામાં આવેલા આરોપો ખોટા છે. તેણે આગોતરા જામીનની માંગણી કરતા કહ્યું કે કસ્ટોડિયલ પૂછપરછની જરૂર નથી અને તે તપાસમાં પોલીસને સહકાર આપવા તૈયાર છે.

જો કે, ફરિયાદ પક્ષે કુરેશીની અરજીનો વિરોધ કર્યો હતો કે, તેમની સામેના આરોપો ગંભીર છે. વધારાના સેશન્સ જજ એચ એ ત્રિવેદીએ કુરેશીની આગોતરા જામીન અરજીને અવલોકન સાથે ફગાવી દીધી હતી કે, અદાલતને આરોપીની તરફેણમાં તેની વિવેકાધીન સત્તાઓનો ઉપયોગ કરવો યોગ્ય નથી લાગતું. કેસની યોગ્યતામાં પ્રવેશ કર્યા વિના, કોર્ટને લાગે છે કે આ કેસમાં કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી છે અને અરજીને મંજૂરી આપવી એ ન્યાયના હિતમાં રહેશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.