Abtak Media Google News

પત્રકારો અને મીડિયા સમક્ષ જે-તે મંત્રાલય સચિવ જ સરકારવતી નિવેદનો આપી શકે: સ્મૃતિ ઈરાની

હાલ, રાજયમાં ચૂંટણીનો માહોલ સર્જાયો છે આવા સમયે નેતાઓ કે સરકારી અધિકારીઓના ભાષણને પગલે મોટા વિવાદો ઉભા થાય તે સામાન્ય છે ત્યારે ચૂંટણીમાં કોઈ ખલેલ ઉભી ન થાય તે માટે કેન્દ્રીય માહિતી અને દુરસંચાર વિભાગના મંત્રી સ્મૃતિ ઈરાનીએ મીડિયા સાથેની વાતચીતમાં લક્ષ્મણ રેખા ન ઓળંગવા અધિકારીઓને શીખ આપી છે.

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું છે કે, મીડિયા સાથેના વાર્તાલાપમાં બેફામ નિવેદનો ન આપવા જોઈએ અને ચૂંટણીનો માહોલ ખોરવાય તેવી ઉશ્કેરણીજનક નિવેદનો ન આપવા જોઈએ. તેમજ પોતાના અધિકારમાં આવતી અને સંપુર્ણ ખબર હોય તેવી જ વાત કરવી જોઈએ. આ ઉપરાંત સ્મૃતિ ઈરાનીએ અધિકારીઓને કહ્યું કે, જો કોઈ મીડિયા આવી પહોંચે તો દરેક અધિકારીએ મંત્રાલયને જાણ કરવી જોઈએ અને મીડિયા સાથે વાતચીત કરવા મંત્રાલય અથવા સેક્રેટરી પાસેથી મંજુરી લેવી જોઈએ.

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ માહિતી અને દુરસંચાર સહિતના અન્ય વિભાગના અધિકારીઓને પણ આ પ્રકારે સુચના કરી છે. વર્ષ ૨૦૧૪માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તમામ સરકારી અધિકારીઓને સલાહ આપી હતી કે તેઓએ પત્રકારો અને મીડિયા સાથેની વાતીચતમાં નિવેદનોથી દૂર રહેવું જોઈએ અને તેઓ સરકારવતી કોઈ નિવેદનો મીડિયામાં આપી શકે નહીં. તેમજ પત્રકારો અને મીડિયા સાથેની વાતચીતમાં જે-તે મંત્રાલયના સચિવ જ સરકારવતી નિવેદનો આપી શકે તેમ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.