Abtak Media Google News

રિસોર્ટમાં ફરવા ગયા અને નદીના વહેણમાં પરિવાર ફસાયો: પોલીસ અને ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરી હેમખેમ બચાવ્યા

રાજકોટની ભાગોળે આવેલા પરા પીપળીયા પાસે ગઈ કાલે ધોધમાર વરસાદ બાદ ગામની નદીમાં દંપતિ સહિત ૧૦ લોકો ફસાયા હતા. જેની જાણ પોલીસ કન્ટ્રોલમાં થતા ગાંધીગ્રામ પોલીસ સ્ટાફ અને ફાયર બ્રિગેડના જવાનોએ રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યા હતા. રાજકોટનો પરિવાર રિસોર્ટમાં ફરવા ગયા અને નદીના વહેણમાં ફસાતા પોલીસ અને ફાયર બ્રિગેડના સ્ટાફે જાનના જોખમે પરિવારને હેમખેમ બચાવી લેવામાં આવ્યા છે.

આજરોજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પરા પીપળીયા ગામમાં પુષ્કર રિસોર્ટમાં રાજકોટ શહેરમા રહેતા ઇમ્તિયાઝભાઈ હૈદરભાઈ કુરેશી પોતાના પરિવાર સાથે રિસોર્ટમાં ફરવા ગયેલા અને તે દરમિયાન આજરોજ વધારે વરસાદ આવવાથી પરા પીપળીયા ગામની નદી આવી જતા આ પરિવાર આ નદીના સામે કાંઠે ફસાઇ ગયેલા અને પોતાની રિક્ષા નદીમાંથી પસાર થઈ શકે તેમ ન હોય જેથી તેઓએ પોલીસ કંટ્રોલરૂમને જાણ કરતા કંટ્રોલ રૂમ તરફથી તાત્કાલિક ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એ. વાળાને જાણ કરતા ગાંધીગ્રામ પોલીસ ટીમ તાત્કાલિક પરા પીપળીયા ગામે પહોંચી હતી.

1627269721526

ઘટનાની જાણ થતાં પરા પીપળીયા ગામના સરપંચ વિક્રમભાઈનો સંપર્ક કરી ગ્રામજનોની મદદ લીધી તેમજ આ નદીમાં વધારે પાણી હોય અને પરિવાર સામાકાઠે હોય જેથી ફાયરબ્રિગેડની ટીમને પણ જાણ કરતાં ફાયર બ્રિગેડની ટીમ પણ તાત્કાલિક પહોંચી હતી. તેમજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની ટીમ તેમજ ગ્રામજનો તથા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ફસાયેલા પરિવારને રેસ્ક્યુ કરી ગામમાંથી બોલેરો ગાડી મંગાવી તેમાં તેમજ પોલીસની ગાડીમાં બેસાડી તેઓને સુરક્ષિત રીતે પોતાના ઘરે પહોંચાડ્યા હતા.

આ સમગ્ર કામગીરી દરમિયાન રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તેમજ નાયબ પોલીસ કમિશનર મનોહર સિંહ જાડેજા અને એસીપી પશ્ચિમ વિભાગ પી.કે દિયોરાઓએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ની ટીમને સતત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ ગાંધીગ્રામ પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનોની કામગીરીને બિરદાવી હતી.

નદીના પુરમાં રેસ્ક્યુ કરી બચાવેલા લોકોની યાદી

  • ઈમ્તિયાઝ કુરેશી (ઉ.વ.૪૮)
  • જેબાબેન બેલીમ (ઉ.વ.૨૭)
  • સાનિયા બેલીમ (ઉ.વ.૧૩)
  • અફસાના કુરેશી (ઉ.વ.૨૨)
  • અરમાન કુરેશી (ઉ.વ.૧૩)
  • મુસ્તુફા બકાળી (ઉ.વ.૧૦)
  • ખાખું અમન (ઉ.વ.૧૨)
  • રાજન પરમાર (ઉ.વ.૧૩)
  • રોશનબેન બેલીમ (ઉ.વ.૫૭)
  • રુબીનાબેન કુરેશી (ઉ.વ.૪૫)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.