Abtak Media Google News

રાજ્યમાં અમદાવાદ, સુરત,રાજકોટ, ગાંધીનગર, વડોદરા અને ભાવનગરમાં વિવિધ રમતો યોજવામાં આવશે: 34 ગેમ્સ રમાશે 7 હજારથી વધુ ખેલાડી ભાગ લેશે

36મી નેશનલ ગેમ્સ-2022ની યજમાની કરવા ગુજરાત તૈયાર: હર્ષ સંઘવી

ગુજરાતમાં પહેલીવાર 36મી નેશનલ ગેમ્સ યોજાવવા જઇ રહી છે. તા.27મી સપ્ટેમ્બરથી 10મી ઓક્ટોબર સુધી દેશના 20 હજારથી વધુ રમતવીરો વિવિધ રમતોમાં ભાગ લેશે.  આ નેશનલ ગેમ્સ માટે ગુજરાત યજમાન બન્યુ છે ત્યારે અત્યારથી તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.મહત્વની વાત એછેકે, રાજ્યમાં પ્રથમવાર અમદાવાદ ખાતે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વોટર સ્પોર્ટસ આકર્ષણનુ કેન્દ્ર બનશે. ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ અને ભાવનગર ખાતે પણ આ ગેમ્સ યોજવામાં આવશે.

ભારતીય ઓલિમ્પિક સંઘે નેશનલ ગેમ્સ યોજવા માટે ગુજરાતને યજમાની સોંપી છે. અધિકારિક સૂત્રોના મતે, રાજ્યમાં અમદાવાદ, સુરત,રાજકોટ, ગાંધીનગર, વડોદરા અને ભાવનગરમાં વિવિધ રમતો યોજાનાર છે. જોકે, કયાં કઇ રમત રમાશે તે અંંગે હજુ નક્કી કરાયુ નથી.  અમદાવાદ સહિત અન્ય શહેરોમાં રમતો રમવા માટે કેવી કેવી સુવિધા  ઉપલબ્ધ છે તે જોવા માટે ભારતીય ઓલિમ્પિક સંઘની એક કમિટી ગુજરાત આવી પહોંચી છે.

ગૃહ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ: કોરોના સહિત વિવિધ કારણોસર સાત વર્ષ બાદ આ નેશનલ ગેમ્સ ગુજરાતમાં રમાશે

રાજ્યમાં પહેલીવાર અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વોટર સ્પોર્ટસ યોજાનાર છે. નેશનલ ગેમ્સમાં વોટર સ્પોર્ટસ આકર્ષણનુ કેન્દ્ર જમાવશે કેમકે, સાબરમતી નદીમાં બોટિંગ, ડ્રેગન બોટ રેસિંગ, વોટર બાસ્કેટ બોલ, કૈનોઇંગ ઉપરાંત વોટર સ્કિઇઁગ સહિતની રમતો યોજાશે. રેલ્વે ઉપરાંત આર્મી સહિત દેશની કવોલિફાઇડ ટીમો જ આ રમતોમાં ભાગ લેશે.

વોટર સ્પોર્ટસ માટે ભારતીય ઓલિમ્પિક સંઘે પણ રિવરફ્રન્ટની પસંદગી કરી લીધી છે.અમદાવાદીઓને વિદેશમાં રમાતી વોટર સ્પોર્ટસ જોવાનો લ્હાવો મળશે.  નેશનલ ગેમ્સમાં ગુજરાતના રમતવીરો સારુ પ્રદર્શન કરે તે માટે અલાયદા કેમ્પ યોજવાનુ પણ આયોજન કરવામાં આવ્યુ છે.નોંધનીય છેકે, વર્ષ 2015માં કેરળમાં જયારે વર્ષ 2016માં ગોવામાં નેશનલ ગેમ્સ યોજાઇ હતી. વર્ષ 2018-19માં ગેમ્સ યોજાઇ ન હતી. હવ ગુજરાતમાં પ્રથમવાર સપ્ટેમ્બરમાં નેશનલ ગેમ્સ યોજાનાર છે.

રમતવીરો-અધિકારીઓ માટે 100 હોટલમાં 4 હજારથી વધુ રૂમ બુક કરાશે

નેશનલ ગેમ્સમાં ભાગ લેવા દેશભરમાંથી 8 હજારથી વધુ રમતવીરો ભાગ લેનારા છે. આ ઉપરાંત 3 હજાર અધિકારીઓ પણ ગુજરાત આવશે. આ જોતા અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા ઉપરાંત ભાવનગરમાં 100 થ્રી સ્ટાર હોટલ બુક કરવા નક્કી કરાયુ છે. કુલ મળીને 4 હજારથી વધુ રૂમો બુક કરવામાં આવશે. એવી પણ માહિતી સાંપડી છેકે, વલસાડ શહેરની પણ પસંદગી કરાઇ છે.જયાં દરિયાકિનારે બિલ વોલિબોલ યોજવા આયોજન કરાયુ છે.

7 હજારથી વધુ ટોચના ખેલાડીઓ તેમની શક્તિનું પ્રદર્શન કરશે

ભારતીય ઓલ્મિપક એસોસિએશનની સંમતિથી આગામી 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર-2022 દરમિયાન 36મી નેશનલ ગેમ-2022ની યજમાની ગુજરાત કરવા જઇ રહી છે. જેની પૂર્વ તૈયારીઓની સમિક્ષા કરવા માટે ગૃહ અને રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના બાદ વિવિધ કારણોસર સાત વર્ષ બાદ આ નેશનલ ગેમનું આયોજન થવા જઇ રહ્યું છે. એથ્લેટિક્સ, હોકી, ફૂટબોલ, વોલીબોલ, લોન ટેનીસ, ટેબલ ટેનીસ, જુડો, કુસ્તી, કબડ્ડી, ખોખો અને યોગાસન સહિત 34 જેટલી ઇન્ડોર અને આઉટ ડોર ગેમ્સમાં દેશના 7 હજારથી વધુ ટોચના ખેલાડીઓ તેમની શક્તિનું પ્રદર્શન કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.