Abtak Media Google News

મોટાભાગનાં જિલ્લાઓમાં ઉધોગો શરૂ કરવાની મંજુરી ઓનલાઈન થશે: તમામ જિલ્લાઓમાં કલેકટરોએ ઉધોગોનાં વિવિધ એસોસિએશનો પાસેથી સુચનો મંગાવીને રાજય સરકારને મોકલ્યા

રાજય સરકારે જાહેર કર્યા મુજબ ૨૦મી પછીથી ઉધોગો શરૂ થવા સજજ બન્યા છે. આ માટે તમામ જિલ્લાઓમાં કલેકટરોએ ઉધોગોનાં વિવિધ એસોસીએશનો સાથે બેઠક યોજીને તેની પાસેથી સુચનો મંગાવ્યા હતા જે સુચનો રાજય સરકારને મોકલવામાં આવ્યા છે. વધુમાં મોટાભાગનાં જિલ્લાઓમાં કર્મચારીઓની હેર-ફેર મોટો પ્રશ્ર્ન બન્યો છે. મોટી સંખ્યામાં કર્મચારીઓને હેર-ફેર માટે છુટ આપવી તંત્ર માટે પડકારરૂપ સાબિત થનાર છે.

લોકડાઉન ૩ મે સુધી અમલમાં છે આ દરમિયાન ૨૦મી પછીથી ઉધોગોને શરૂ કરવાની છુટછાટ આપવાની રાજય સરકારે તાજેતરમાં જાહેરાત કરી હતી. જે માટે જિલ્લા કલેકટરનાં અધ્યક્ષ સ્થાને કમિટી બનાવવાનાં આદેશો પણ આપવામાં આવ્યા છે. આ કમિટી કયાં ઉધોગોને પરમિશન આપવી અને કયાં ઉધોગોને પરમિશન ન આપવી તે અંગેનો નિર્ણય લેવાની છે માટે મોટાભાગનાં જિલ્લાઓમાં જિલ્લા કલેકટરનાં અધ્યક્ષ સ્થાને ઉધોગોનાં વિવિધ એસોસીએશનો સાથે બેઠકોનો ધમધમાટ ચાલ્યો હતો જેમાં એસોસીએશનનાં પ્રતિનિધિઓ પાસેથી સુચનો તેમજ તેમને નડતરરૂપ પ્રશ્ર્નો પુછવામાં આવ્યા હતા. આ તમામ સુચનો અને પ્રશ્ર્નો કલેકટર તંત્ર દ્વારા રાજય સરકાર સુધી પહોંચાડવામાં આવ્યા છે. વધુમાં મળતી માહિતી પ્રમાણે મોટાભાગનાં જિલ્લાઓમાં ઉધોગો શરૂ કરવા માટે મોટી સંખ્યામાં કર્મચારીઓની જરૂર હોય અને મોટાભાગનાં ઉધોગોમાં કર્મચારીઓની રહેઠાણની વ્યવસ્થા ન હોય જેથી કર્મચારીઓની હેર-ફેર ખુબ મોટી સંખ્યામાં થવાની હોય આ મુદો ઉધોગો અને તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે.

આ ઉપરાંત ઉધોગો શરૂ કરવાની મંજુરી મેળવવા માટે જિલ્લા કલેકટર કચેરી દ્વારા મંજુરી આપવામાં આવનાર હોય મોટી સંખ્યામાં ઉધોગોનાં પ્રતિનિધિઓનાં કલેકટર કચેરી ખાતે મેળાવડા ન જામે તે માટે મોટાભાગનાં જિલ્લાઓમાં ઉધોગોને પરમિશન આપવાની પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવનાર છે જેથી ઉધોગકારો કે તેનાં પ્રતિનિધિઓને કચેરી ખાતે જવું ન પડે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.