Abtak Media Google News

આજી ડેમ નજીક ધનિષ્ઠ વૃક્ષારોપણ સાથે અર્બન ફોરેસ્ટ પ્રોજેકટનો પ્રારંભ, ગોંડલ રોડ પર સદ્ભાવના વૃદ્ધાશ્રમના પીપળીયા ભવનનું લોકાર્પણ, ડી.એચ.કોલેજ ખાતે મેગા સેવાસેતુ કાર્યક્રમમાં વ્હાલી દિકરી યોજનાનો શુભારંભ, વિશિષ્ટ જરૂરીયાતવાળા બાળકોની શાળાનો કાર્યક્રમ, આત્મીય કોલેજમાં એસબીઆઈ અને આઈટીનો કાર્યક્રમ, ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજના સન્માન સમારોહ તેમજ સ્વામિનારાયણ ગુરુકુળના અભિવાદન સમારોહમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આપશે હાજરી

આવતીકાલે ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો જન્મદિવસ છે તેઓ હોમ ટાઉન ખાતે સેવાકાર્યો થકી જન્મદિવસની ઉજવણી કરવાના છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સવારે ૮:૧૫ કલાકે સર્કિટ હાઉસથી નીકળીને ૮:૩૦ કલાકે આજીડેમ ખાતે વૃક્ષારોપણના કાર્યક્રમમાં ૧ કલાક હાજરી આપશે. ત્યારબાદ તેઓ ૯:૪૫ થી ૧૦:૧૫ દરમિયાન ગોંડલ રોડ પર સદ્ભાવના વૃદ્ધાશ્રમના પીપળીયા ભવનનું લોકાર્પણ કરશે. ત્યાંથી તેઓ ડીએચ કોલેજ ખાતે જઈને ૧૦:૩૦ થી ૧૧:૩૦ દરમિયાન મેગા સેવાસેતુ કાર્યક્રમમાં હાજરી આપીને વ્હાલી દિકરી યોજનાનો શુભારંભ કરશે. ત્યારબાદ વિશિષ્ટ જરૂરીયાતવાળા બાળકોની શાળા ખાતેના કાર્યક્રમમાં તેઓ ૧૧:૪૫ થી ૧૨:૫૩ સુધી ઉપસ્થિત રહેશે. બાદમાં ૧ થી ૧:૪૫ દરમિયાન મુખ્યમંત્રી આત્મીય કોલેજ ખાતે એસબીઆઈ અને આઈટી એસો.ના કાર્યક્રમમાં હાજરી આપવાના છે. સક્રિટ હાઉસે આરામ ફરમાવ્યા બાદ તેઓ ૪:૦૫ થી ૫:૩૦ દરમિયાન ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજના સરસ્વતી સન્માન સમારોહમાં અને ૫:૪૫ થી ૭:૧૫ દરમિયાન સ્વામિનારાયણ ગુરુકુળના અભિવાદન સમારોહમાં હાજરી આપવાના છે.

Advertisement

રાજકોટ મહાનગરપાલિકા અને વન વિભાગ દ્વારા આજી ડેમ સાઈટ ખાતે અર્બન ફોરેસ્ટ ઘનિષ્ઠ વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કાલે  સવારે ૦૭:૩૦ કલાકે કિશન ગૌશાળા રોડ, આજી ડેમ સાઈટ, નેશનલ હાઈવે, રાજકોટ ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ્ હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર બિનાબેન આચાર્ય ઉપસ્થિત રહેશે.

આ પ્રસંગે પ્રેરણાદાયી ઉપસ્થિતિ તરીકે સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચો પ્રભારી અંજલીબેન રૂપાણી, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, રાજકોટ વર્તુળ વન રક્ષક ડી. ટી. વસાવડા, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, અનુસૂચિત જાતિ મોરચો રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, પૂર્વ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, કિશોરભાઈ રાઠોડ, જીતુભાઈ કોઠારી, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર વિગેરે ઉપસ્થિત રહેશે.

ત્યારબાદ મુખ્યમંત્રી ૯:૪૫ થી ૧૦:૧૫ દરમિયાન ગોંડલ રોડ ખાતે સદ્ભાવના વૃદ્ધાશ્રમના પીપળીયા ભવનનું લોકાર્પણ કરવાના છે. સદ્ભાવના વૃદ્ધાશ્રમનું મકાન અગાઉ ભાડે હતુ. બાદમાં દાતાઓના સહયોગથી પીપળીયા ભવનનું નિર્માણ થતાં તેનું લોકાર્પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે થવાનું છે.મહાપાલિકા, જિલ્લા વહીવટી તંત્ર અને શહેર પોલીસ દ્વારા સરકારની વિવિધ યોજનાને આવરી લેતા સેવાસેતુ કાર્યક્રમનું આવતીકાલે યાજ્ઞીક રોડ પરની ડીએચ કોલેજ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યમંત્રીના હસ્તે સવારે ૯:૩૦ કલાકે વ્હાલી દિકરી યોજનાનો શુભારંભ પણ થવાનો છે. રાજ્ય સરકારની “વ્હાલી દીકરી યોજના હેઠળ દીકરીને મળતા આર્થિક લાભો પ્રાપ્ત થાય છે. જેમાં જન્મ લેનાર દીકરી ધો.૧મા પ્રવેશ મેળવે ત્યારે રૂ.૪,૦૦૦/-, ધો.૮મા પ્રવેશ મેળવે તારે રૂ.૬,૦૦૦/- અને દીકરી ૧૮ વર્ષની ઉંમર પૂર્ણ કરે ત્યારે રૂ. ૧,૦૦,૦૦૦/- એમ કુલ મળીને તેને રૂ.૧,૧૦,૦૦૦/- ની રકમ પ્રાપ્ત થાય છે. મુખ્યમંત્રી “સેવા સેતુ કાર્યક્રમમાં આ યોજનાનો શુભારંભ કરાવશે.

ગુજરાત રાજ્યમાં દીકરીઓના જન્મદરને સુધારવા અને શિક્ષણમાં વધારો કરવા માટે સરકાર કટીબધ્ધ છે અને આજ પ્રતિબધ્ધતાને સાર્થક કરવા માટે વધુ પ્રયત્નોની જરૂર હોઈ, રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦ ના બજેટમાં વ્હાલી દીકરી યોજના મંજુર કરવામાં આવેલ છે. આ યોજના દીકરીઓના જન્મને વધારવા તેમજ તેના શિક્ષણને સુનિશ્ચિત કરવાના રાજ્ય વ્યાપી અભિયાનરૂપે શરૂ કરવામાં આવેલ છે. વ્હાલી દીકરી યોજના અંતર્ગત દીકરીના જન્મને પ્રોત્સાહન આપવા, સ્ત્રીભ્રુણ હત્યા અટકાવવા, સ્ત્રી શિક્ષણને ઉતેજન આપવા અને સમાજમાં સ્ત્રીઓના સ્થાનને વધુ મજબુત બનાવવા નીચે મુજબના ઉદ્દેશો સિધ્ધ કરવા રાજ્ય સરકાર દ્વારા વ્હાલી દીકરી યોજના અમલમાં મુકવાનું નક્કી કરવામાં આવેલ છે. જેના ઉદ્દેશ દીકરીઓનું જન્મ પ્રમાણ વધારવું, દીકરીઓના શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવો, દીકરીઓ/સ્ત્રીઓનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ કરવું અને બાળલગ્ન અટકાવવા તે છે. સવારે ૧૧:૪૫ કલાકે મુખ્યમંત્રી કાલાવડ રોડ સ્થિત મેન્ટલી રીટાર્ડેડ સેન્ટર ખાતે પધારશે ત્યારે તેમનું દિવ્યાંગ બાળકોનું બેન્ડ સંગીતની સુરાવલી રેલાવી ભવ્ય સ્વાગત કરશે.  આ તકે ખાસ રાજય સરકારની વિશેષ યોજના હેઠળ કોકિલિયર ઇમ્પ્લાન્ટ કરાવેલા અને તદન બોલી કે સાંભળી ન શકતા બાળકો કે જે હાલમાં જ બોલતા થયેલા ૧૦ બાળકો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને કહેશે ‘હેપી બર્થડે’.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ આ બાળકોને ચોકલેટ બોક્સ આપી તેમની લાગણી વ્યકત કરશે. એમ.આર. (મનોદિવ્યાંગ બહેનો) માટેની સંસ્થા રાજકોટ ખાતે સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર શરૂ કરવામાં આવી છે જેનું તેમજ અન્ય સમાજ સુરક્ષા ખાતા હેઠળમાં અમલમાં રહેલ વિવિધ યોજનોનું ડોક્યુમેન્ટરી નિદર્શન કરાશે.

૧૪ જાન્યુઆરી, ૨૦૧૯ના રોજ વડપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વિચારોની પ્રેરણાથી અને રાજકોટ જિલ્લાના કલેક્ટર ડો. રાહુલ ગુપ્તાના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવેલા વાઉ પ્રોજેક્ટના હજારો લાભાર્થીઓની હ્રદયદ્રાવક આપવીતી તથા વાઉ પ્રોજેક્ટને કારણે તેમને મળેલી સહાયથી જીવનમાં આવેલા હકારાત્મક બદલાવનું નિરૂપણ કરતી દ્રષ્ટાંતરૂપ ૬૩ પરિવારોની એક પુસ્તિકા વાઉંની વિજયગાથા પુસ્તિકાનું પણ એ દિવસે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થવા જઈ રહ્યું છે. જેની એક ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ રજૂ થશે. 

જરૂરિયાતમંદ માનવીની જરૂરિયાતપૂર્તિનું કરાતું કાર્ય એટલે કામધેનુ અથવા કલ્પવૃક્ષનું કાર્ય  આવીજ માન્યતાને ખરા અર્થમાં હક્કિત સ્વરૂપે આગામી તા. ૨જી ઓગષ્ટે રાજકોટ ખાતે જોવા/ અનુભવવા મળશે. રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના જન્મદિને જિલ્લા વહિવટી તંત્ર અને રાજકોટના યંગ ઇન્ડીયન્સ ગૃપ દ્વારા સમાજના જરૂરીયાતમંદ લોકોના લાભાર્થે ખાસ નવતર પ્રોજેકેટ અમલી બનાવાઇ રહયો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ૬૩મા જન્મદિને રાજકોટ શહેરમાં સર્વ પ્રથમ વખત પ્રેમનો પટારો નામના સેવાકાર્યનો શુભારંભ થવા જઈ રહ્યો છે. જેમાં શહેરના રહેવાસીઓ પોતાને વણઉપયોગી હોય તેવી વસ્તુઓ કલેક્ટર ઓફિસના પરિસરમાં બનાવવામાં આવેલા એક પટારામાં તથા રાજકોટ શહેરના ૧૮ અન્ય કલેક્શન સેન્ટર્સમાં  જમા કરાવી શકશે. બીજી બાજુ, જરૂરિયાતમંદો પોતાના ખપની ચીજ-વસ્તુઓ લઈને મૂળભૂત જરૂરિયાતને સંતોષી શકશે. રમકડાં, કપડાં, જૂતાંથી માંડીને આપવાલાયક દરેક વસ્તુઓ અહીં પ્રેમરૂપી પટારામાં જમા કરાવીને પોતાના શહેરના જ જરૂરિયાતમંદો માટે સેવાકાર્ય કરી શકાશે. પ્રેમનો પટારો પ્રોજેક્ટ હેઠળ નિર્માણ પામેલા પટારામાં બે દિવ્યાંગોને નોકરી આપીને સરકાર એમની બેરોજગારીની સમસ્યાનો પણ અંત લાવશે. પ્રેમનો પટારો સેવાકાર્યની દસ્તાવેજી ફિલ્મ ત્યાં સ્થળ પર રજૂ કરવામાં આવશે. 

આ ઉપરાંત મુખ્યમંત્રી દિવ્યાંગ સહાય યોજના હેઠળ ૧૫૦ લાભાર્થીઓને કીટ જેમાં ટ્રાઇસિકલ, સિલાઈ મશીન, બ્યુટીપાર્લર કિટ, હાર્મોનિયમ સહિતના સાધનોનું વિતરણ કરાશે. લગ્ન સહાય યોજના હેઠળ લાભાર્થીઓને કુલ ૪,૭૦,૦૦૦ની રકમના સહાય ચેકોનું વિતરણ કરાશે. વિશિષ્ઠ જરૂરિયાત બાળકોના ગૃહના ૭૧૦ બાળકોને માં અમૃતમ કાર્ડ તેમજ પાલક માતા-પિતા યોજના હેઠળના  બાળકોને માં અમૃતમ યોજના હેઠળ કાર્ડ વિતરણ કરાશે.  ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સના ૫૦૫ બાળકોને સ્કૂલ બેગ અને પુસ્તક કિટનું વિતરણ કરાશે. આમ કુલ ૨૫૫૫ લાભાર્થીઓને સહાય અપાશે. આમ મુખ્યમંત્રી જરૂરીયાતમંદ અને દિવ્યાંગ બાળકોને મદદરૂપ બની સમાજને નવો રાહ દર્શાવી પોતાનો ૬૩મો જન્મદિન યાદગાર બનાવશે.

ત્યારબાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ૪:૦૫ થી ૫:૩૦ કલાક દરમિયાન ગુર્જર ક્ષત્રીય કડીયા જ્ઞાતી દ્વારા યોજાનાર ભવ્ય સરસ્વતી સન્માન સમારોહમાં હાજરી આપવાના છે. આ કાર્યક્રમ પ્રમુખ સ્વામી સભા ગૃહ, બીએપીએસ સ્વામીનારાયણ મંદિર ખાતે યોજાનાર છે. ત્યારબાદ ૫:૪૫ થી ૭:૧૫ દરમિયાન મુખ્યમંત્રી સ્વામિનારાયણ ગુરૂકુળના અભિવાદન સમારોહમાં હાજરી આપશે જ્યાં તેમના જન્મદિનની ઉજવણી કરાશે. આ દરમિયાન વચનામૃત, સ્વાધ્યાય, પૂજનોત્સવ, યજ્ઞવિધિ, ગૌપૂજન, સંતો-મહંતોનું સ્વાગત સહિતના કાર્યક્રમો યોજાનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.