Abtak Media Google News

માર્ચ, એપ્રીલ અને મે ની જીએસટી રિટર્ન, વિવાદ સે વિશ્ર્વાસ યોજના, આધાર અને પાન લીંકઅપ કરવાની તા.૩૦ જૂન સુધી વધારાઈ: ટૂંક સમયમાં આર્થિક પેકેજની જાહેરાત પણ થશે

કોરોના વાયરસના કારણે ભારતીય અર્થતંત્ર ભયંકર મંદીમાં અટવાઈ પડ્યું છે. વેપાર-ઉદ્યોગો ઠપ્પ થઈ ગયા છે. કોરોનાનો કહેર હજુ થોડા સમય માટે ચાલુ રહેશે તેવું માનવામાં આવે છે. આવા સંજોગોમાં કોરોના વાયરસથી થયેલા નુકશાનમાં રાહત મળે તેવા હેતુથી નાણા મંત્રાલય દ્વારા પ્રયાસ થયો છે. જેના અનુસંધાને આજે નાણા પ્રધાન નિર્મલા સીતારામને ઈન્કમટેકસ રિટર્ન ભરવાના સમયમાં છુટછાટ આપી છે. આગામી ૩૦ જૂન સુધી મુદત વધારાઈ છે. આ સાથે જ આધારને પાન સાથે લીંક કરવાની મુદતમાં પણ વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આજે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નાણા પ્રધાન નિર્મલા સીતારામને વિગતો આપી હતી કે, હવે કસ્ટમ્સ ૨૪ કલાકને સાતેય દિવસ કાર્યરત રહેશે. આ ઉપરાંત જે કંપનીઓ રૂા.૫ કરોડથી ઓછુ ટર્નઓવર ધરાવતી હશે તેને કોઈપણ જાતની પેનલ્ટી ચૂકવવી નહીં પડે. વેલટેકસ એકટ, ઈન્કમટેકસ એકટ, ટ્રાન્જેકશન એકટ, બ્લેક મની એકટ સહિતના કાયદાને પણ આગામી તા.૩૦ જૂન સુધી લંબાવાયો છે. સરકાર આગામી સમયમાં આર્થિક પેકેજની જાહેરાત પણ કરશે તેવા સંકેતો આજે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આપ્યા હતા.

ઈન્કમટેકસ રિટર્નની તારીખ (૨૦૧૮-૧૯)ને વધારીને ૩૦ જૂન કરવામાં આવી છે. આટલું જ નહીં પરંતુ લેટ પેમેન્ટના વ્યાજદરને ઘટાડીને ૧૨ ટકાની જગ્યાએ ૯ ટકા કરાયો છે. આધાર અને પાન લીંકની તારીખ પણ ૩૦ જૂન સુધી વધારવામાં આવી છે. અગાઉ આ તારીખ ૩૧ માર્ચ નક્કી કરવામાં આવી હતી. ‘વિવાદ સે વિશ્ર્વાસ સ્કીમ’ પણ તારીખ ૩૦ જૂન સુધી વધારવામાં આવી છે. આ સાથે ટીડીએસ ઉપરના વ્યાજદર ઉપર ૧૫ ટકાની જગ્યાએ ૯ ટકા લાગશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

આજે કોન્ફરન્સ દરમિયાન સરકારે સ્પષ્ટ કર્યું હતું કે, કોરોના વાયરસના સંલગ્ન કાર્યોમાં હવે સીએસઆરને ફંડ આપવામાં આવશે. હવે આ ફંડ કોરોના વાયરસ સામે વાપરવામાં આવશે. નાણા પ્રધાન નિર્મલા સીતારામને કરેલી મહત્વની જાહેરાતોથી અર્થતંત્રને ભયંકર મંદીમાં થોડાક અંશે રાહત મળશે તેવું માનવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.