Abtak Media Google News

GPSCએ પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. મુખ્ય પરીક્ષાઓ ૧૯, ૨૧ અને ૨૩ જુલાઈએ લેવામાં આવશે. તો નાયબ કલેક્ટર,  DYSP, નાયબ રજીસ્ટર સહિતની વર્ગ ૧ ની જગ્યાઓ માટે મુખ્ય પરીક્ષાઓ લેવાશે. વર્ગ ૨ માં સેક્શન અધિકારી, મદદનીશ રજિસ્ટ્રાર, રાજ્ય વેરા અધિકારી સહિતની પરીક્ષાઓ યોજાશે. સાથે જ ક્લાસ- ૧ અને ૨ ની ૨૪૪ જગ્યાઓની પ્રાથમિક કસોટીના પરિણામ પણ જાહેર કરવામાં આવ્યા છે.

Advertisement

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા GPSC Class I  IIની પ્રાથમિક પરીક્ષાનું પરીણામ જાહેર કરવામાં આવ્યું છે. કુલ ૬૧૫૨ ઉમેદવારો મુખ્ય લેખિત પરીક્ષા માટે કવોલિફાઈ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે આયોગ દ્વારા કુલ જગ્યાઓ જેવી કે, નાયબ કલેક્ટર/નાયબ જિલ્લા વિકાસ અધિકારીની કુલ ૧૫, નાયબ પોલીસ અધિક્ષકની (Dy.S.P.) કુલ ૨૦,  જિલ્લા/નાયબ રજીસ્ટ્રારની કુલ ૩, સહાયક રાજ્યવેરા કમિશ્નરની કુલ ૪૨, નાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ) ની કુલ ૧ એમ સંયુક્ત રીતે વર્ગ-૧ ની કુલ ૮૧ જગ્યાઓ તથા સેક્શન અધિકારી (સચિવાલય) ની ૯, સેક્શન અધિકારી (વિધાનસભા)ની કુલ ૧, મદદનીશ જિલ્લા રજિસ્ટ્રારની કુલ ૭, રાજ્ય વેરા અધિકારીની કુલ ૭૪, જિલ્લા નિરીક્ષક જમીન દફ્તરની કુલ ૨૫, સરકારી શ્રમ અધિકારીની કુલ ૨૫, સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.) વિચરતીની કુલ ૨ એમ સંયુક્ત રીતે વર્ગ-૨ ની કુલ ૧૪૩ જગ્યાઓ એમ સંકલિત કુલ ૨૨૪ જગ્યાઓ માટે ૧૫ નવેમ્બર ૨૦૨૦ ના રોજ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી. પ્રાથમિક કસોટી ૨૧ માર્ચ, ૨૦૨૧ ના રોજ યોજવામાં આવી હતી.

તો બીજી તરફ, મુખ્ય લેખિત પરીક્ષા ૧૯, ૨૧ અને ૨૩ જુલાઈના રોજ યોજવામાં આવશે. મુખ્ય લેખિત પરીક્ષામાં કુલ ૬ પ્રશ્ર્નપત્રો હશે. પ્રશ્ર્નપત્ર-૧ : ગુજરાતી;  પ્રશ્ર્નપત્ર-૨ : અંગ્રેજી, પ્રશ્ર્નપત્ર-૩ : નિબંધ; પ્રશ્ર્નપત્ર-૪ : સામાન્ય અભ્યાસ-૧; પ્રશ્ર્નપત્ર-૫ : સામાન્ય અભ્યાસ-૨ અને પ્રશ્ર્નપત્ર-૬ : સામાન્ય અભ્યાસ-૩. અંગ્રેજી/ગુજરાતી ભાષાના પ્રશ્ર્નપત્રો જે-તે ભાષામાં, જયારે તે સિવાયના પ્રશ્ર્નપત્રો ઉમેદવાર પોતાની મનપસંદ ભાષામાં આપી શકશે. એક જ પ્રશ્ર્નપત્રમાં બે પ્રશ્ર્નો જુદી-જુદી ભાષામાં લખી શકાશે. મુખ્ય પરીક્ષાનું પરિણામ નવેમ્બર, ૨૦૨૧ માં જાહેર થશે. જગ્યાની સામે આશરે ત્રણ ગણા ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં બોલાવવામાં આવશે. ઈન્ટરવ્યૂ ડિસેમ્બરમાં થશે અને આખરી પરિણામ ૩૧ ડીસેમ્બર, ૨૦૨૧ પહેલા પ્રસિદ્ધ કરવામાં આવશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.