Abtak Media Google News

માનવ મેદની ઉમટી પણ ગાયકો જમાવટ કરવામાં નિષ્ફળ: લાંબા ભાષણ અને વચ્ચે વચ્ચે મહેમાનોના સ્વાગતના કારણે વારંવાર વિક્ષેપ: મેયરે સ્ટેજ પર જઇ અપીલ કરવી પડી

ગુજરાત રાજયના સ્થાપના દિન નિમિતે ગઇકાલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઇન્ડિયન આઇડોલના ખ્યાતનામ સીંગરોની ‘સંપ્તરંગી સંઘ્યા’નું આયોજન કરવામાં આવ્યું હતું. એકદરે આ કાર્યક્રમ સુપરહીટ રહ્યો હતો. પરંતુ અવ્યવસ્થાએ આઠમા સુર તરીકે હાજરી પુરાવી હતી. લાંબા લાંબા ભાષણો અને કાર્યક્રમની વચ્ચે વચ્ચે મહેમાનોનું સ્વાગતના કારણે ભારે વિક્ષેપ ઉભો થયો હતો જંગી માનવ મેદની ઉમટી પડી હતી. પરંતુ ગાયકો જમાવટ કરવામાં નિષ્ફળ રહ્યા હતા.

ગઈકાલે ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન, રેસકોર્ષ ખાતેરિયાલિટી મ્યુઝીકલ શો ઈન્ડીયનSuper hit આઈડોલના સુપ્રસિદ્ધ સિંગરો દ્વારા સપ્તરંગી સાંજનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યુ હતું.. આ પ્રસંગે વાહન વ્યવહાર મંત્રી અરવિંદભાઈ રૈયાણીની વિશેષ ઉપસ્થિતિ  રહી હતી.જ્યારે કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો.પ્રદિપ ડવ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે,ગુજરાત મહારાષ્ટ્રની સાથે જોડાયેલું હતું ત્યારે મુંબઈ રાજ્ય કહેવાતું. ગુજરાત રાજ્યના અલગ દરજ્જા માટે પૂ.ઇન્દુ ચાચાએ મહા ગુજરાત આંદોલન ચલાવેલ અને અનેક લોકોએ આ આંદોલનમમાં શહીદી વહોરી હતી તેમજ વિદ્યાર્થીઓએ સામી છાતીએ ગોળી ઝીલી હતી તેવા લડવૈયાઓને આજે આપણે યાદ કરીએ.

 

ગુજરાત અલગ થાય ત્યારે પણ ગુજરાતના વિરોધીઓ એવું કહેતા કે, ગુજરાતમાં કોઈ ઇન્ડસ્ટ્રીઝ નથી, વેપાર ઉદ્યોગ નથી, બંદરો કે પોર્ટ નથી, પાણીની સુવિધા નથી અને 70% ગુજરાતમાં પાણીની અછતમા હતું. આવું કહેનારા લોકો આજે કાન ખોલીને સાંભળી લે કે ગાંધીનું ગુજરાત, સરદારનું ગુજરાત અને મોદીના ગુજરાતની આજે વિકાસની ચરમસીમા પર છે અને સમગ્ર દેશમાં ગુજરાતને વિકાસના રોલ મોડેલ ગણવામાં આવે છે. ગુજરાતનો જી.ડી.પી. પણ આજે ખુબ જ ઉંચો છે.

ગુજરાતના બુદ્ધિજીવીઓએ કુનેહથી વેપાર ઉદ્યોગમા ખુબ જ નામના મેળવેલ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર ભારતે અનેક દિશાઓમાં આગળ વધી વિશ્વમાં ખુબ જ નામના મેળવેલ છે. આજના આ સ્થાપના દિને રાજ્યની દશે દિશામાં ગુજરાત રાજ્ય અગ્રેસર રહે તેવો આપણે સૌ સંકલ્પ કરીએ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સપ્તરંગી સાંજનો કાર્યક્રમ યોજવા બદલ અભિનંદન પાઠવેલ અને સૌ ઈન્ડીયન આઈડોલના સિંગરોને શુભેચ્છા પાઠવી હતી.

આ પ્રસંગે મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યુ હતું , રાજકોટએ રંગીલા રાજકોટ તરીકેની ઓળખાણ છે. જેમાં સ્નેહનો સુશાસન, વિકાસ, કલા અને સંસ્કૃતિનો સંગમ એટલે રંગીલું રાજકોટ. કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી રાજકોટ શહેરે વિકાસની દિશામાં હરણફાળ ભરેલ છે. આતંરરાષ્ટ્રીય એરપોર્ટ, એઈમ્સ, નવા બ્રિજો, બસપોર્ટ, અટલ સરોવર, રામવન જેવા અનેક પ્રોજેક્ટના વિકાસનું નજરાણું છે.

દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પર આપણે સૌને ગર્વ છે. તેઓના મુખ્યમંત્રી કાળમાં ગુજરાતના વિકાસને દેશના ગ્રોથ એન્જિન તરીકે પ્રસ્થાપિત કર્યો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની સરકાર દ્વારા રાજકોટના વિકાસમાં ખુબ જ સહયોગ મળી રહ્યો છે.

વિશેષમાં, મેયરે પંક્તિ દ્વારા ગુજરાત અને રાજકોટના ગૌરવની વાતની જણાવેલ કે, અહી પ્રેમ કેરો સાદ છે, પ્રભુજીનો પ્રસાદ છે, ને પ્રકૃતિનો વરસાદ છે, દોસ્ત આતો ગુજરાત છે, અહી નર્મદાના નીર છે, માખણ અને પનીર છે, ને ઉજળું તકદીર છે, જી હાઁ આ ગુજરાત છે,  અહી રાસ-ગરબા છે, વળી જ્ઞાનનો ઉજાસ છે, સોનેરી પ્રભાત છે, અલ્યા આતો ગુજરાત છે, અહી ભોજનમાં ખીર છે, નર્મદાના નીર છે, ને પ્રજા શુરવીર છે, તેવું આ ગુજરાત છે, અહી વિકાસની વાત છે, સાધુઓની જમાત છે, ને સઘળી નાતજાત છે, દોસ્ત આતો ગુજરાત છે, અહી પર્વનો પ્રાસ છે, તીર્થતાનો પ્રવાસ છે, ને શૌર્યનો સહવાસ છે, દોસ્ત આતો ગુજરાત છે. અંતમાં, મેયરે રાજકોટને હજુ પણ વિકાસની નવી ઊંચાઈએ સૌ સાથે મળીને લઈ જઈએ તેમ જણાવ્યુ હતું.

આ પ્રસંગે સ્થાયી સમિતિના ચેરમેન પુષ્કરભાઈ પટેલે ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. જ્યારે સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન પરેશભાઈ પીપળીયા અને વાઈસ ચેરમેન સંજયસિંહ રાણા દ્વારા સર્વે મહાનુભાવોનું પુસ્તક અર્પણ કરી  સ્વાગત કર્યું હતું.

આ કાર્યક્રમમાં રિયાલિટી મ્યુઝીકલ શો ઈન્ડીયન આઈડોલના સુપ્રસિદ્ધ સિંગરો પવનદિપ રાજન, અરૂનીતા કાનજી લાલ, સાયલી કાંબલે, આશિષ કુલકર્ણી, સવાઈ ભાટ વગેરે દ્વારા મેરે દિલ યે બતાદે તું…, તેરી મીટી મેં મિલ જાવા…., ટીપ ટીપ બરસા પાની…, તેરી દીવાની…, પધારો મ્હારે દેશ…, એક લડકી કો દેખાતો…, લગ જા ગલે…., માઈ તેરી ચુનરિયા…, કૈસે હુઆ…, તેરી આંખો કે સિવા ઇસ દુનિયા મેં રખા ક્યા હે…, લાખો મિલે કોઈ ભી ના તુમસા મિલા…, યે દિલ તુમ બિન કહી લગતા નહી…, આઓ ના ગલે લગ જાઓના…, અજીબ દાસ્તા હે યે…, ચૌધરી કા ચાંદ હો…, એક મેં ઔર એક તું…, મહેંદી તે વાવી માળવે…, ચારચાર બંગળી વાળી ગાડી…., પિયા તું અબ તો આજા…, આફરીન…, ઉર્વશી…., મુકાબલા…., લંબી જુદાઈ… વગેરે ગીતોની રમઝટ બોલાવેલ અને શહેરીજનો પણ ઝૂમીઉઠ્યા હતા.

‘અબતક’ ચેનલ ડિજિટલ પ્લેટ ફોર્મ પર હજજારો લોકોએ માણી ‘સપ્તરંગી સાંજ’

ગુજરાત રાજયના સ્થાપના દિન નિમિતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રવિવારે યોજાયેલી ‘સપ્તરંગી સાંજ’ કાર્યક્રમનું ‘અબતક’ ચેનલ અને ‘અબતક’ના તમામ ડિજિટલ પ્લેટફોર્મ પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. હજજારોની સંખયામાં સંગીત પ્રેમીઓએ ‘અબતક’ ના માઘ્યમ પરથી આ કાર્યક્રમને મોડી રાત સુધી માણ્યો હતો ગાયકોના એક થી એક ચઢીયાતા ગીતોની કોમેન્ટ દ્વારા સરાહના પણ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.