Abtak Media Google News

દરિયાઇ જીવસૃષ્ટિની અનોખી છે દુનિયા

મરીન નેશનલ પાર્કમાં દરિયાઈ જીવસૃષ્ટિ માટે કડીરૂપ દરિયાઈ કાચબાનું સંવર્ધન  સંરક્ષણ કરવામાં આવે છે

દર વર્ષે તારીખ 8 જૂનના રોજ ’વિશ્વ મહાસાગર દિવસ’ મનાવવામાં આવે છે. પૃથ્વી પર આપણું જીવન ટકાવી રાખવા માટે મહાસાગરોની મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે. વિશ્વભરમાં આવેલા સાત સમુદ્રોમાં આર્ક્ટિક, ઉત્તર એટલાન્ટિક, દક્ષિણ એટલાન્ટિક, ઉત્તર પેસિફિક, દક્ષિણ પેસિફિક, ભારતીય/ હિન્દ મહાસાગર અને દક્ષિણ મહાસાગરોનો સમાવેશ થાય છે. પૃથ્વી પરનું 97 ટકા જળ મહાસાગરો અને સમુદ્રોમાં રહેલું છે. માત્ર 3 ટકા જળ જ પીવાલાયક પાણી છે. પૃથ્વીનો 71 ટકા વિસ્તાર જળમાં રોકાયેલો છે.

વર્લ્ડ રજિસ્ટર ઓફ મરીન સ્પીસીસના વર્ષ 2021 ના અહેવાલ મુજબ, જાણીતી દરિયાઈ પ્રજાતિઓની કુલ સંખ્યા લગભગ 240,000 જેટલી છે. મહાસાગરો અને સમુદ્રોમાં રહેતી 91 ટકા પ્રજાતિની હજુ પણ શોધ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં માત્ર 9 ટકા દરિયાઈ જીવો વિષે જ જાણકારી મેળવી શકાઈ છે.

Screenshot 7 11

ભારતીય સંસ્કૃતિમાં દરિયાને દેવ તરીકે પૂજવામાં આવે છે. જળ, દરિયાના દેવ મનાતા વરુણ અને ઈન્દ્ર દેવની અનેક કહાનીઓ આપણા શાસ્ત્રમાં આલેખિત કરવામાં આવી છે. દરિયાઈ કાચબાને મહાદેવના મંદિરમાં અગ્ર સ્થાન આપવામાં આવ્યું છે. ભગવાન શ્રી વિષ્ણુનો બીજો અવતાર ’કૂર્મ અવતાર’ તરીકે સુપ્રિસદ્ધ છે. શ્રી વિષ્ણુનું નિવાસ સ્થાન વૈકુંઠ એ ક્ષીર સાગરમાં આવેલું છે. પુરાણોમાં વર્ણવવામાં આવ્યું છે કે, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી દૂધથી બનેલા ક્ષીર સાગરમાં આદિશેષનાગ પર બિરાજમાન છે. પૌરાણિક કથાઓમાં, મહાસાગર ઘણી વસ્તુઓનું પ્રતીક છે. બ્રહ્મ, જીવન, અસ્તિત્વ, વિશ્વ, ચેતના, નશ્વરતા, અસાધારણ શક્તિ, લાગણી અને બલિદાનને સાગર સાથે સાંકળવામાં આવ્યા છે.

આંતરરાષ્ટ્રીય મહાસાગર દિવસ વિશ્વવ્યાપી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે કે ટકાઉ વિકાસના લક્ષ્યાંકોના અમલીકરણને સમર્થન આપે છે, અને દરિયાઈ જીવસૃષ્ટિના સંરક્ષણમાં જાહેર હિતને પ્રોત્સાહન આપે છે. સમુદ્ર અને તેના સંસાધનોના ટકાઉ સંચાલન માટે આ દિવસે લોકોને જાગૃત કરવામાં આવે છે.

ઓખામઢી ખાતે કાચબાની હેચરી બનાવવામાં આવી છે. જ્યાં દર વર્ષે દરિયાઈ કાચબાના હજારો ઈંડાનું જતન કરવામાં આવે છે. દર વર્ષે દરિયાકિનારાના માળાઓમાંથી અને હેચરીમાંથી બહાર નીકળેલા બાળ કાચબાને દરિયામાં સુરક્ષિતપણે છોડવામાં આવે છે. મરીન નેશનલ પાર્કમાં લીલા રંગના સમુદ્રી કાચબા, ભૂખરા/ ઓલીવ રંગના સમુદ્રી કાચબા, લેધરબેક ટર્ટલ અને હોસ્કબીલ પ્રકારના કાચબાનું જતન કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે સમુદ્ર અને મહાસાગરોના ખારા પાણીમાં રહેતા કાચબાને અંગ્રેજીમાં ટર્ટલ કહેવાય છે. ટર્ટલ એ દરિયાઇ ઘાસ, શેવાળ, માછલી અને અન્ય નાના પ્રાણીઓને ખાય છે.  તેઓ મિશ્રાહારી પ્રાણીઓની કેટેગરીમાં આવે છે. જમીન પર અને મીઠા પાણીમાં રહેતા કાચબાને અંગેજીમાં ટોર્ટોઇસ કેહવાય છે. તેઓ ઉભયજીવી પ્રાણીઓની કેટેગરીમાં આવે છે. ટોર્ટોઇસ એ સંપૂર્ણ રીતે શાકાહારી કાચબા છે.

મરીન નેશનલ પાર્કમાં દરિયાઈ જીવસૃષ્ટિની વિશાળ વિવિધતા જોવા મળે છે. દરિયાકાંઠે મેન્ગ્રોવ્સ એટલે કે ચેરના વૃક્ષોનું જંગલ આવેલું છે. અહીં મેન્ગ્રોવ્સની 7 પ્રજાતિઓ છે, જે ખારા અને તાજા પાણીની વ્યવસ્થા વચ્ચે સંતુલન જાળવવા અને દરિયા કિનારાને ધોવાણથી બચાવવાનું મહત્વપૂર્ણ કાર્ય કરે છે. મેન્ગ્રોવ વૃક્ષો તેમના વિશિષ્ટ મૂળ દ્વારા ઓળખી શકાય છે. આ વૃક્ષોનું વાવેતર કાદવ- કીચડવાળી ભીની જમીનમાં કરવામાં આવે છે. મેન્ગ્રોવ્સ પેઈન્ટેડ સ્ટોર્ક, ડાર્ટર અને બ્લેક નેક આઈબીસ જેવા પક્ષીઓની પ્રજાતિઓની વસાહતો માટે સંવર્ધનનું ઉત્તમ સ્થાન છે. ચેરના પાંદડા પ્રોટીનથી સમૃદ્ધ હોય છે. આ પક્ષીઓ ચેરના પાંદડા ખાય છે. આ ટાપુઓ પર પક્ષીઓની લગભગ 80 નોંધાયેલી પ્રજાતિઓ છે. દરરોજ સાંજે હજારોની સંખ્યામાં પક્ષીઓને વી- ફોર્મેશન એટલે કે અંગેજીના વી આલ્ફાબેટ ના આકારમાં ઉડતા જોવાનો નજારો અદભુત હોય છે.

પીરોટન ટાપુમા દરિયામાં અંદર કોરલ રીફ્સ, ડિગ્રેડેડ રીફ્સ, ઇન્ટર- ટાઇડલ મડફ્લેટ્સ એટલે કે અલગ અલગ આકૃતિવાળા પથ્થરો અને પરવાળા જોવા મળે છે. આ ઉપરાંત, વિશાળ સમુદ્રી એનિમોન, ટ્યુબ એનિમોન, જેલી ફિશ, દરિયાઈ ઘોડો, ઓક્ટોપસ, શંખછીપ એટલે ઓઈસ્ટર, પર્લ ઓઈસ્ટર એટલે મોતીવાળા શંખ છીપ, તારાનો આકાર ધરાવતી માછલી (સ્ટારફિશ), બોનેલિયા, સેપિયા, લોબસ્ટર, કરચલા/ ક્રેબ, પ્રોન્સ એટલે ઝીંગા, દરિયાઈ કાચબાની વિવિધ પ્રજાતિઓ, ડોલ્ફિન, ડુગોંગ, પોર્પોઇઝ, શાર્ક અને અન્ય માછલીઓ આ જગ્યાને કુદરતી રીતે અને જૈવિક ચક્રની બાબતમાં ખુબ જ ખાસ બનાવે છે.

સીગ્રાસ બેડ, કોરલ રીફ, ઝીંગા, લોબસ્ટર સહિતના જીવો  વિપુલ માત્રામાં જોવા મળે

જામનગરમાં મરીન નેશનલ પાર્ક અને દરિયાઈ જીવસૃષ્ટિ અભયારણ્ય પિરોટનના દરિયાકાંઠાના વિસ્તારમાં આવેલું છે. ઓગસ્ટ 1980માં દરિયાઈ જીવસૃષ્ટિ અભયારણ્ય અને જુલાઈ 1982માં મરીન નેશનલ પાર્ક જાહેર કરવામાં આવ્યા છે. બેડી બંદરથી પિરોટન ટાપુ 22 કિમિ દૂર છે, અને ત્યાં પ્રવાસીઓ બોટ દ્વારા પહોંચી શકે છે. વર્ષમાં ઓક્ટોબરથી માર્ચ દરમિયાન અભયારણ્યની મુલાકાત લેવા માટેનો શ્રેષ્ઠ સમયગાળો ગણાય છે. જામનગર જિલ્લાના ઉત્તર કિનારે અને કચ્છના દક્ષિણ કિનારે 42 ઉષ્ણકટિબંધીય ટાપુઓનો દ્વીપસમૂહ છે. અહીંના હૂંફાળા વાતાવરણથી દરિયાઈ જીવસૃષ્ટિએ અદભુત રીતે અનુકૂલન સાધ્યું છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા દરિયાઈ કાચબાને બચાવવા માટે ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેમજ દરિયાઈ કાચબાની પ્રજાતિઓને આરક્ષિત પ્રાણીઓની કેટેગરીમાં સમાવિષ્ટ કરવામાં આવી છે. આ પ્રાચીન સરિસૃપ, જે ડાયનાસોર યુગ એટલે કે સૃષ્ટિ પર માનવ જીવન શરૂ થયાના પૂર્વથી વસવાટ કરી રહયા છે. દરિયાઈ કાચબા એ દરિયાઈ જીવસૃષ્ટિમાં મૂળભૂત કડી છે. મરીન નેશનલ પાર્કમાં સીગ્રાસ બેડ, કોરલ રીફ, ઝીંગા, લોબસ્ટર અને માછલીઓ વિપુલ પ્રમાણમાં હોવાથી કાચબાના સંરક્ષણ માટે ઘણી મદદ મળી છે. કાચબા 100 થી વધુ વર્ષો સુધી જીવી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.