Abtak Media Google News

રાજ્યકક્ષાના નેતાએ કહ્યું કે તમે આવા ફોજદારને ચલાવી જ કેમ લ્યો છો ? સનિક વિધાયકે કહ્યું કે ફોજદાર બોલ્યે આખો છે પણ ન્યાયિક છે”

હાથી અને રાજકારણીના દાંત-૧

Advertisement

સમાજમાં એવી કહેવત છે કે “હાથીના દેખાડવાના અને ચાવવાના દાંત અલગ અલગ હોય છે. એટલે કે હાથીના જે બહાર દેખાય છે તે મોટા દંતશુળ તો દેખાવના અને પોતાના રક્ષણ માટેના છે ખાવા માટેના નથી. વાસ્તવમાં મોઢામાં ચાવવાના અલગ દાંત હોય છે. તેજ રીતે ભારતમાં મોટે ભાગે રાજકારણીઓની નિતી બે પ્રકારની હોય છે. પહેલી તો આદર્શ, સિધ્ધાંતોની અને તે પ્રવચનોમાં જાહેરસભાઓમાં મોટી-મોટી વાતો જનતાને કરી ભાવવિભોર કરી મતોના ઢગલા કરવા અને પછી ચૂંટાયા બાદ સત્તા મળે તો જાહેરસભાઓમાં આપેલા વચનો, ચુંટણી ઢંઢેરાઓ અને આદર્શો તથા સિધ્ધાંતો ભુલી જઈને ફકત પોતાના કે તેમના ટેકેદારોના લાભાર્થે જે વ્યવહારૂ હોય અધિકારીઓને તે પ્રમાણે ભલામણ કરવાની અને જો સરકારી અધિકારી તે પ્રમાણે કરવા આના કાની કરે તો તેને બદલીની ધમકી આપવાનું અમોધ શસ્ત્રતો છે જ ફોજદાર જયદેવને તળાજામાં આવા પણ અનુભવો થયા.

તળાજા તાલુકો કૃષિ ક્ષેત્રે તમામ રીતે સમૃધ્ધ અને પ્રગતિશીલ હતો જ પરંતુ  તેમાં પણ ડુંગળીની ખેતી, વેપાર, નિકાસ અને તેના ડી-હાઈડ્રેશન પ્લાન્ટો માટે રાજયમાં અગ્રેસર છે. તળાજા વિસ્તારમાં થતી ડુંગળી લાલ કથ્થાઈ રંગની તીખી પણ સ્વાદિષ્ટ અને ગોળ દડા જેવી ભરાવદાર હોય છે. આ ડુંગળીનું ઉચ્ચકક્ષાનું બીયારણ પણ તળાજા તાલુકામાં જ તૈયાર થાય છે. આ બીયારણથી મબલખ ઉત્પાદન અને ઉચ્ચ પ્રકારની ડુંગળી ઉત્પન્ન થાય છે. જેની બજારમાં ખુબ જ માંગ હોય છે.આથી આ બીયારણની માંગ અન્ય રાજયોમાં અને તેમાં પણ ખાસ કરીને રાજસ્થાનમાં ઉંચી રહેતી હતી.

વૈશ્ર્વીકરણની તાત્ત્કાલીક અને ટુંકા રસ્તે પૈસો બનાવવાની હવા તો ગામડે પણ પહોંચી ગઈ હતી. ગમે તે રીતે અઢળક રૂપીયો બનાવો અને જરૂર પડયે જ્ઞાતિના રાજકારણનો પણ ઢાલ તરીકે ઉપયોગ કરવો.

તળાજાના કુંઢેલી ગામેથી એક ખેડુતે મોટા જથ્થામાં તળાજાની ખાસ જાત પ્રકારની ડુંગળીનું બીયારણ રાજસ્થાનમાં વેચેલ. રાજસ્થાનના ખેડુતોએ આ બીયારણનું ત્યાં મબલ વાવેતર કર્યુ. સખત મહેનત કરી રાત-દિવસ ઉજાગરા કરી ખાતર પાણી ગોડની કાર્યવાહી કરી શરીર ઘસી નાખ્યા. પરંતુ ત્યાં અચરજ એ થયુ કે જે ડુંગળી ઉત્પન્ન થઈ તે તળાજા પ્રકારની લાલ ગોળ દડા જેવી ભરાવદારને બદલે તે સફેદ પીળા રંગની લંબગોળ તવાઈ ગયેલા જેવી ઉત્પન્ન થઈ. વૈજ્ઞાનીક નિયમ મુજબ ભલે જમીન પાણી હવામાનમાં ફેરફાર થાય તો શું ડુંગળીના ડીએનએ કે જીન્સમાં ફેરફાર થાય ? ડુંગળીની  ફસલ આમ કાઈ લાલ રંગ, ગોળ દડા જેવીને બદલે સાવ સફેદ પીળાશ પડતી તો ન જ થાય ! તે સમયે રાજસ્થાનના ખેડુતો પ્રમાણમાં પછાત હતા તેમાં આ પેદા થયેલ હલકા પ્રકારની ડુંગળીએ તેમને બરાબર રડાવ્યા. ખેતરોમાં તો ઠીક પણ બજારમાં પણ તેનું કોઈ લેવાલ જ ન હતુ. ખેડુતોને તો આ ડુંગળીનો તેમના ખેતરમાં નાશ કરવાનો પણ ખર્ચ કરવો પડે તેવી હાલત થયેલી આથી જે ગરીબ અને સિમાંત ખેડુતો હતા તેમને હવે ઉપર આભ અને નિચે ધરતી જ હતી. તેઓ નિ:સહાય હતા. આથી તે સમયે રાજસ્થાનમાં આ ડુંગળીના બોગસ બીયારણને કારણે પાક નિષ્ફળ જતા ઓગણત્રીસ ખેડુતોએ આત્મહત્યા કરી લીધેલી આથી સમગ્ર રાજસ્થાનમાં હાહાકાર મચી ગયેલો અને ત્યાંની સરકાર પણ ઉંચી નિચી થઈ ગયેલી.

પરંતુ ગુજરાત રાજયના પોલીસદળમાં તે સમયે એક ઉચ્ચ પોલીસ અધિકારી રાજસ્થાનના તે વિસ્તારના જ વતની હતા. તેમના ધ્યાન ઉપર આ વાત આવતા તેમણે વતનની મુલાકાત લઈ જે ખેડુતોએ આત્મહત્યા કરેલ તેમના બીયારણ ખરીદીના જે બીલ હતા તે એકઠા કરીને જોયુ તો તમામ બીલો ફકત એક જ ગામ તળાજા તાલુકાના કુંઢેલીના એક ખેડુતકમ વેપારી પાસેથી જ બીયારણ ખરીદ કરેલ ના હતા. તેથી તેમણે આ મૃત્યુ પામનાર ખેડુતો પૈકી એક ખેડુતના વારસદાર પુત્ર ની ફરીયાદ અરજી તૈયાર કરાવી જેમાં તમામ બાબતો વિગતે જણાવી કે કુંઢેલીના વેપારી કમ ખેડુતે ડુંગળીનું સાવ ડુપ્લીકેટ અને બોગસ બીયારણ, અસલ બીયારણ તરીકે ધાબડી દઈને છેતરપીંડી વિશ્ર્વાસઘાત કરી સમગ્ર વર્ષની મહેનત અને ખર્ચ નિષ્ફળ જતા આખા વર્ષની કમાણીનું પાણી થઈ જતા આ બીયારણ ખરીદનાર ખેડુતોને આત્મહત્યા કરવા મજબુર કરવાના સંજોગો ઉપસ્થિત કર્યાની નામ જોગ ફરીયાદ કરતી અરજી ભાવનગર જિલ્લા પોલીસવડાને મોકલી આપી.

ભાવનગર ખાતે આવેલા નવા પોલીસ વડાએ જયદેવને અરજી તો મોકલી પણ ટેલીફોન ઉપર પણ સઘળી વાત કરી કહ્યુ કે તપાસ કોઈ પણ પ્રકારની લાગણીમાં આવ્યા સિવાય ન્યાયીક અને સત્ય હોય તે પ્રમાણે જ કોઈ શેહ શરમ રાખ્યા સિવાય કરશો.

આથી જયદેવે પોતાની તપાસની આગવી પધ્ધતિ મુજબ જ તપાસ શરૂ કરી, સૌપ્રથમ અન્ય ગામના પણ પ્રતિષ્ઠિત, પ્રમાણીક અને જુના ડુંગળીનું બીયારણ બનાવીને વેચતા એક સજજન ખેડુત કમ વેપારીનો સંપર્ક સાધ્યો અને ડુંગળીનું બીયારણ કઈ રીતે બને અને તેની બનાવટ તેમજ પછી વેચાણમાં શું શું કપટ લીલા, ગોબા ચાળી થઈ શકે તેની સંભવીત પધ્ધતિ પણ જાણી લીધી. આ ધંધામાં ગુનાહિત માનસવાળા લોકો ધંધાની શરૂઆત કેવી રીતે કરે તે જાણ્યુ, શરૂઆતના બેચાર વર્ષ આવા લોકો ગ્રાહકો સાથે સારો વ્યવહાર કરી સારૂ અને ઉતર બીયારણ પ્રમાણમાં સસ્તા ભાવે આપીને પોતાની ક્રેડીટ જમાવે છે. અને પછી વિશ્ર્વાસ પાકો થઈ જતા જ આ ગુનેગારો મોટુ જબરૂ બુચ મોટા પાયે નકલી બીયારણ ધાબડી પૈસા લઈને અજરંગી થઈ જતા હોય છે. પછી લાંબી મુદતો ઘણા સમયે જજમેન્ટ પછી પણ અપીલો વાંધા વચકા વિગેરે કાઢતા કાઢતા આરોપીઓ જીંદગી પુરી કરી દેતા હોય છે અને બીચારા ભોગ બનનાર તો પછી કેસનું શું થયુ તે ભુલી પણ જતા હોય છે. સમાંતર તપાસની આ પધ્ધતિનો ફાયદો એ છે કે તેમાં શુ પુરાવો લેવો.

આરોપી એ શું શું રસ્તા અપનાવ્યા હોય અને કોણ કોણ સહત્હોમતદાર હોઈ શકે અને કોણ સાહેંદ બની શકે તેની પ્રથમ થી જ ખબર પડી જાય છે જેથી વાસ્તવીક ગુન્હાની તપાસ ક્રમબધ્ધ અને પુરાવાકીય રીતે મજબુત બને. આ પધ્ધતિ પેલા બોમ્બ ડીસ્પોઝલ ટ્રેનીંગ જેવી છે. બોમ્બ ડીફયુઝ કરવાની તાલીમ લેતા પહેલા બોમ્બ કેમ બનાવાય તે શીખવાડવામાં આવે છે. તેમ એટલે કે તપાસ કરતા પહેલા ગુન્હો કેમ કરાય તે જાણવુ પડે તે રીતે.

આ રીતે જયદેવે પ્રાથમીક તપાસ કરતા તેને પ્રથમ દૃષ્ટિએ જ ગુન્હો બનતો જણાતો હોય આવેલી અરજી ઉપરથી જ તેણે ગુન્હાની એફ.આઈ.આર. નોંધાવી અને તપાસ જાતેથી સંભાળી લીધી. આમ તો આવા બહારી આવેલા ગુન્હાની  જાણ પ્રજા તથા પત્રકારોને તાત્કાલીક થતી નથી પરંતુ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાય તેની વિગત જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમમાં વાયરલેસથી જાય ત્યાં પત્રકારો આવા સમાચારોની “ચાતક નજરે રાહ જોતા જ હોય છે. તેમાં પણ જયારે આવો આંતર રાજય ગુન્હો અને જેમાં ઓગણત્રીસ રાજસ્થાની ખેડુતોએ આત્મહત્યા કરી હોય અને તેનો ગુન્હો ગુજરાત રાજયમાં નોંધાય તે સમાચાર ખરેખર હોટ-ટોપીક સમાચાર જ ગણાય અને આવા સમાચાર સહજ રીતે વર્તમાનપત્રોમાં હેડ લાઈનમાં આવે. આ સમાચારના પ્રત્યાઘાતો સર્વત્ર પડયા પણ તળાજા તાલુકામાં આ પ્રત્યાઘાતો સારા એવા પડયા. આરોપીઓને તો આવા સમાચાર આપનાર અને મદદ કરવા અનેક સેવાભાવી એજન્ટો અને સલાહકારો પણ મળી જતા હોય છે. સામાન્ય રીતે આવા મોટા કૌભાંડોમાં કેટલાક વચેટીયા કે લેભાગુ અને ધંધાદારી રાજકરણીઓ તેમના ગોડફાધર બનવા કોશીષ કરતા હોય છે આવા લેભાગુઓને આર્થીક અને રાજકીય તેમજ બીજા ગુપ્ત લાભો પણ મળતા હોય છે. જે ગામનો આવો મુર્ગો આરોપી હોય તે ભવિષ્યનો તેનો કાયમી ટેકેદાર ટાયો કે પ્રતિનિધિ બની જતો હોય છે છેવટે આ મુર્ગો જે જ્ઞાતિનો હોય તે જ્ઞાતિમાં તેનું રાજકીય મહત્વ વધી જાય છે તેથી આવા લેભાગુઓનો તેમની રાજકીય પાર્ટીના હાઈકમાન્ડમાં પણ ડંકો વાગે છે. આમ પડદા પાછળ તો અસત્યમેવ જયતે જ ચાલતુ હોય છે.

જયદેવને અહેવાલ મળ્યા કે આ ગુન્હાનો કુંઢેલીનો આરોપી તો ફરાર થઈ ગયો છે અને જે ફરીયાદમાં વિગત જણાવેલી છે કે રાજસ્થાનમાં જે ડુંગળી પેદા થઈ તે સફેદ રંગની ડુંગળીનું વાવેતર સૌરાષ્ટ્રમાં કયાંય થતુ જ નથી પરંતુ આ સફેદ પણ તીખી ડુંગળીનું વાવેતર મહારાષ્ટ્રમાં થાય છે તેથી આરોપી એ આ સફેદ ડુંગળીનું વાવેતર મહારાષ્ટ્રમાં થાય છે તેથી આરોપીએ આ સફેદ ડુંગળીનું વાવેતર મહારાષ્ટ્રમાં ાય છે તેી આરોપીએ આ સફેદ ડુંગળીનું પણ રદ્ી બોગસ બીયારણ કદાચ મહારાષ્ટ્રમાંથી મંગાવ્યુ હોય આથી આ કૌભાંડમાં આરોપીએ પ્રથમથી જ પુરાવાકીય શંકા ઉભી કરવા આ લાલ ડુંગળીને બદલે સફેદ ડુંગળીનું પણ બોગસ રદ્ી બીયારણ ખેડુતોને ધાબડયુ હશે અને આ સફેદ ડુગળીનું બીયારણ પણ હલકી કક્ષાનું કે યોગ્ય પ્રોસેસ કર્યા વગરનું કાવતરૂ કરીને મહારાષ્ટ્રમાંથી જ ટ્રક મોઢે મંગાવ્યુ હોવાનું ખાનગી રીતે જાણવા મળ્યુ.

પણ હવે તપાસનો મુળ મુદ્ો એ હતો કે કુંઢેલીનાં આરોપીનો કોઈ પતો ન હતો. તેમાં ખાનગી રીતે જાણવા મળ્યુ કે એક રાજકીય પાર્ટીની રથયાત્રા તે પાર્ટીના મહામંત્રી લઈને સમગ્ર રાજયમાં રાજકીય પ્રદિક્ષણા કરવા નીકળ્યા છે તેમની જોડે તે જમાતમાં આ આરોપી ભળી ગયો છે.

છતા જયદેવે સમયાંતરે આરોપી મળી આવવાના સંભવીત ઠેકાણાઓ ઉપર રેઈડો કરવાનું ચાલુ રાખ્યું. આરોપીને તો એ વાતનો સ્વપ્નેય વિચાર કે ખ્યાલ ન હતો કે આ બાબતનો ગુન્હો ગુજરાતમાં દાખલ થશે અને તેની તપાસ ફોજદાર જયદેવ કરશે અને સ્થાનીક વર્તમાન પત્રોમાં આ રીતે હેડ લાઈનમાં સમાચારો પ્રસિધ્ધ થઈને આટલી બદનામી આ રીતે નામ જોગ કાળા કરતુતોને કારણે મળશે !

આઠ દસ દિવસે આ રાજકીય રથયાત્રા ફરતી ફરતી તળાજા તાલુકામાં પ્રવેશી અને આરોપીએ રથયાત્રાના મોભીને વિનંતી કરી કે હવે પોતે રથયાત્રાની સેવા પોતાના તળાજા તાલુકામાંજ નહિ કરી શકે અને ડુંગળી બીયારણના ગુન્હાની વિગતે વાત કરીને આમ તો ફોજદાર જયદેવ અને પોલીસ જ જોખમી અને ભયજનક હોવાનું વાતમાં પ્રતિપાદન કર્યુ અને કહ્યુ કે અહિં આવુ કોઈ બન્યુ જ નથી અહિં કયાં સફેદ ડુંગળી થાય છે ? આ તો જયદેવે ખોટી રીતે કાયદાકીય સ્વરૂપ આપી અતિશયોકિત કરી છે. સામાન્ય રીતે સમાજમાં જયારે આવા ગુન્હા બનતા હોય છે ત્યારે ખરેખર બે પક્ષકારો જ સામસામે હોવા છતા પક્ષકારો કે રાજકીય નેતાઓ પોલીસદળ ઉપર જ નિશાન તાક્તા હોય છે. કેમ કે પોલીસ ખાતુ ઈઝીતારગેટ અને તેની મેલી મથરાવટી!

આથી રથયાત્રાના મોભી અને પાર્ટીના મહામંત્રીએ તો સીધો જ તળાજા પોલીસ સ્ટેશનમાં ટેલીફોન લગાડીને જયદેવને કહ્યુ “આ મરનાર ખેડુતો રાજસ્થાનમાં મર્યા અને તમે શુ આ ગુજરાતમાં આદરી છે ? ગુજરાતના ખેડુતોને હેરાન કરો છો ? આથી જયદેેવે ઠંડા કલેજે જવાબ આપ્યો આ ગુન્હાની શરૂઆત તળાજા તાલુકાના કુંઢેલી ગામેથી  જ થઈ છે. તેથી બીજુ ખેડુત રાજસ્થાનના હોય કે ગુજરાતના પણ છે તો હિન્દુસ્તાની જ ને ? આ કાયદો અને પોલીસદળ સમગ્ર દેશ માટે છે. તેમાં મામકાવાદ કોમવાદ પ્રાંતવાદ ન ચાલે અમારા માટે કાયદો સમગ્ર દેશ, લોકશાહિના આદર્શો અને તેમના હિત માટે છે પક્ષપાત, પ્રાંતવાદ, ભાષાવાદ, કોમવાદ, મામકાવાદ તો અણ સમજુ લોકો માટે છે. જયદેવ નો આવો કાયદેસરનો સાચો પણ સચોટ અને કઠોર પ્રત્યુતર સાંભળીને નેતા એકદમ આવેશમાં આવી ગયા કેમ કે આવુ સાંભળવાની આદત ન હોયને ? નેતાઓને જો ટેકેદારો સત્ય અને વાસ્તવીક હકીકત જણાવે તો કયારેય તેમનો પરાજય ન થાય. પણ સામાન્ય રીતે તમામ ખોટી માખણ પટ્ટી જ કરતા હોય છે અને પ્રજા પણ બીચારી લાચારીથી ઓછામાં ઓછા નાલાયક કોણ તેમ નકકી કરીને મત આપતી હોય છે નેતા આ જવાબ સાંભળીને આવેશમાં આવી ઉગ્ર તો બની ગયા પણ તેમની પાસે જયદેવે કરેલ દલીલનો વળતો કોઈ જવાબ ન હતો આથી ફોન તુરત કટ કરી નાખ્યો, પણ તેમણે ત્યાં ઉભેલા તેમના પક્ષના સ્થાનીક આગેવાનોને કહ્યુ કે આમ કેમ ચાલે ? તમે આવા ફોજદારને કઈ રીતે ચલાવી લ્યો છો ? આથી અમુક લોકોએ તેમની વાતમાં સુર પુરાવ્યો પણ સ્થાનીક ધારાસભ્ય એ કહ્યુ કે ફોજદાર બોલ્યે આકરો અને આખા બોલો તો છે પણ તેનું કામ જનહિતનું અને ન્યાયીક હોય છે અને સાચી રજુઆત તો નાનાથી લઈ મોટા સુધીની તમામ લોકોની સાંભળે છે પરંતુ અનિતીમાં પણ બહુમતિ હોય ત્યાં કોઈ વિદુર કે વિભીક્ષણને સાંભળવા કે ટેકો આપવા કોઈ તૈયાર હોતુ નથી. ત્યાં હાજર તળાજાના જ પણ જિલ્લાકક્ષાના પદાધિકારીએ બીડુ ઝડપ્યુ કે આ મામલો મારા ઉપર છોડો હું નિપટાવી લઈશ.

સંધ્યા ટાણે યાત્રાએ વિરામ લેતા આ જિલ્લા કક્ષાના તળાજાના નેતા જયદેવ પાસે આવ્યા અને રજુઆત કરી કે આ બધુ તો હરીફ રાજકીય પક્ષનું ખોટુ સ્ટંટ છે તેમણે ખોટી ફરીયાદ ઉભી કરી આ આપણા રાજય અને ખેડુતને બદનામ કરવાનું કાવતરૂ છે ! જયદેેવે તેમને કહ્યુ “એ તમારી માન્યતા છે પરંતુ સાચી હકીકત એ છે કે ઓગણત્રીસ ખેડુતો આત્મહત્યા કરે તે અને આ ગુજરાતી હસ્તાક્ષરોમાં લખાયેલ કુંઢેલીના બીયારણના બીલો ખોટા હોય કે સ્ટંટ હોય તે હું તો શું પણ કોઈ સામાન્ય બુધ્ધીવાળો માણસ પણ માની શકે નહિ આ રાજકીય નેતા ખાનગી ચર્ચાઓમાં જયદેવની કડક કાયદેસરની કાર્યવાહીને વાયડાઈ કહેતા. જયદેવે કોઈ વચન આપવાની કે બાંધછોડ કરવાની વાત જ કરી નહિ. આથી આ લોકનેતા એ કહ્યુ યાત્રા તળાજા તાલુકામાં જ છે તેથી તે અિંહથી બીજા તાલુકામાં જાય ત્યાં સુધી રાહત આપો તો મારૂ પણ કાંઈક રહે. આમ તો જયદેવ આરોપીની પંદરેક દિવસથી શોધખોળ કરતો હતો. તેમાં હવે બે ત્રણ દિવસમાં શું ખાટુ મોળુ થવા થઈ જવાનું છે તેમ માની તેમની તેટલા પુરતી માંગણી સાથે સહમત થયો.

રથયાત્રા તળાજા ઉપરાંત મહુવા તાલુકામાં ફરીને પાલીતાણા તાલુકામાં પ્રવેશ કરી ગઈ એટલે જયદેવે મોકો સાધ્યો, સાંજના વાળુ ટાણે જ તે કુંઢેલી ગામે ત્રાટકયો અને આરોપીને ઉપાડી લીધો. આથી કુંઢેલી તો ઠીક સમગ્ર તળાજા તાલુકામાં સન્નાટો બોલી ગયો. જયદેવને ખ્યાલ જ  હતો કે આનુ પરીણામ તેની બદલીમાં જ આવે પરંતુ તેનાથી જયદેવને હવે કાંઈ ફેર પડતો ન હતો.તેની બદલી તો થાય ત્યારે થાય પણ શિકાર તેના હાથમાં હતો. તેને છોડવવા તાલુકાથી લઈ ઉચ્ચકક્ષાએ યાત્રાના નેતા સહીતનાઓએ બઘડાટી બોલાવી.

પોલસદળમાં ઉચ્ચકક્ષાના અધિકારીઓમાં  પણ અલગ અલગ જુથ હોય છે તેમ આ રાજસ્થાન લોબીના પોલીસ અધિકારીઓ પણ નજર રાખીને બેઠા હતા કે શું થાય છે? પોલીસવડાએ જયદેવને સાચી અને વાસ્તવીક સલાાહ આપી કે આ પ્રશ્ર્ન વિરાટનગરના મત્સવેધ જેવો છે એક પલ્લામાં રાજકારણ છે અને બીજા પલ્લામાં ઉચ્ચઅધિકારીઓ છે બેલેન્સ બરાબર રાખવાનુ છે જયદેવે કહ્યુ મત્સવેધ જ નહિ પણ માછલીની આંખ જ વિંધાશે ચિંતા નહિ.

તળાજાના પેલા જિલ્લાકક્ષાના નેતા મોડી રાત્રે જયદવે પાસે આવ્યા અને પોતાના રાજકીય મોભા અને સંબંધીત જ્ઞાતિમાં પક્ષના મોભા ખાતર ફકત આજની રાત્રી પુરતો આરોપીને અટક નહિ કરવા માટે વિનંતી કરી અને થઈ શકે તેવી ભલામણો પણ કરાવી. જયદેવે આરોપીને કબ્જામાં જ લીધો હતો હજુ એરેસ્ટ રજીસ્ટરે નોંધ કરવાની બાકી હતી કાગળો હજુ તૈયાર થતા હતા. જયદેવે ખુબ જ મનોમંથન કરી પોલીસવડાએ કરેલ બંને પલ્લાની વાત વિચારીને નેતાને કહ્યુ આરોપી પોલીસ સ્ટેશનમાં પણ નહિ અને કુંઢેલી ખાતે પણ નહિ પરંતુ તળાજા વિશ્રામ ગૃહમાં રાત્રી રોકાય તે એક જ ઉયાય છે નેતા માટે તો આ મોટો વિજય હતો સિંહના મોઢામાંથી કોળીયો છોડાવવા બરાબર ! તેમણે પાલીતાણા ખાતે તથા પક્ષના હાઈકમાન્ડ સાથે વાત કરી આરોપીને સાથે લઈ જવા તૈયારી કરી. પરંતુ જયદેવે કહ્યુ આરોપી એકલો નહિ મારા બે કમાન્ડો પણ સાદા કપડામાં આરોપી સાથે જ વિશ્રામગૃહમાં મહેમાન ગતી કરશે,  કમને પણ આ વિકલ્પ સ્વિકાર્યા સિવાય હવે તેમના માટે છુટકો પણ ન હતો.

બીજે દિવસે બપોર સુધીમાં જયદેવે કાયદેસરની તમામ કાર્યવાહી, ફોટા, ફીંગર પ્રિન્ટ વિગેરે લેવડાવી કેસ ડાયરી રીમાન્ડ રીપોર્ટ તૈયાર કરી આરોપીને અદાલતમાં રજુ કરી તપાસ અર્થે પાંચ દિવસના રીમાન્ડ લીધા અને આરોપીને પોલીસ સ્ટેશનની ખાસ મહેમાન ગતિ કરાવી જ! આરોપીના હસ્તાક્ષરના નમુના લઈ રાજસ્થાનથી રજુ થયેલ બીલના હસ્તાક્ષરો સાથે સરખામણી કરવા માટે મુદામાલ હસ્તાક્ષર નિષ્ણાંત તરફ તેમના અભીપ્રાય અર્થે મોકલી દીધો. તપાસ પુર્ણ કરી સાપ મરે અને લાકડી ભાંગે નહિ તે રીતે કાર્યવાહી કરી. પરંતુ આ નેતાને જયદેવ પ્રત્યે આ કાર્યવાહી ને કારણે કાયમી ધોરણે પુર્વગ્રહ થયેલો પરંતુ રાજસ્થાનના ખેડુતોના ઓગણત્રીસ મૃતાત્માઓ જયદેવની આ કાયદેસરની કાર્યવાહી જોઈને શાંતી પામ્યા હશે!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.