Abtak Media Google News

રાજ્યસભાની ગુજરાતની ચાર બેઠકો એકસાથે ખાલી પડી રહી છે. આગામી એપ્રિલ માસમાં ભાજપના બે કેન્દ્રીય મંત્રીઓ અને કોંગ્રેસના બે સભ્યો નિવૃત્ત થઇ રહ્યાં છે. આ બેઠકોની ચૂંટણી પછી એપ્રિલ કે મે મહિનામાં લોકસભાની ચૂંટણી આવી શકે છે. વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ જોતાં ચારેય બેઠકો ભાજપને ફાળે જાય તેમ છે.

Advertisement

ભાજપના બે કેન્દ્રીય મંત્રીઓ અને કોંગ્રેસના બે સભ્યો નિવૃત્ત થશે: લોકસભા પહેલા જ તેની પ્રક્રિયા આટોપી લેવાય તેવી શકયતા

સચિવાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યસભાની ખાલી પડતી ચાર બેઠકોની ચૂંટણી વિધાનસભાનું બજેટ સત્ર ચાલું હોય ત્યારે પણ થઈ શકે છે. ખાલી પડતી બેઠકોમાં ભાજપમાંથી કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનો સમાવેશ થાય છે. બીજી તરફ કોંગ્રેસમાંથી અમી યાજ્ઞિક અને નારણભાઈ રાઠવા નિવૃત્ત થઈ રહ્યાં છે. રૂપાલાની આ ત્રીજી અને માંડવિયાની બીજી ટર્મ છે તેથી બન્ને સભ્યોને રિપીટ કરવામાં આવે તેવી સંભાવના ઓછી જણાઈ રહી છે. કોંગ્રેસ જો આ ચૂંટણીમાં હિસ્સો લેશે તો તેના ઉમેદવાર જીતી શકે તેવી શક્યતા એટલા માટે નથી કે વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ માત્ર 17 સભ્યોનું છે. ભાજપ પાસે 156 ધારાસભ્યો છે જેના બળે પાર્ટી ચાર ઉમેદવારો ઉભા રાખી જીતી શકે તેમ છે.

રાજ્યસભાની ચૂંટણી પછી કોંગ્રેસના એકમાત્ર શક્તિસિંહ ગોહિલ રાજ્યસભાના સભ્ય રહેશે. તેમની મુદ્દત 2026માં પૂર્ણ થાય છે. ગુજરાતમાં રાજ્યસભાની કુલ 11 બેઠકો પૈકી અત્યારે ભાજપ પાસે 8 અને કોંગ્રેસ પાસે ત્રણ બેઠકો છે. એપ્રિલમાં મુદ્દત પૂર્ણ થતી ચાર બેઠકોની ચૂંટણીમાં કોંગ્રેસે બે બેઠકો ગુમાવે તેવી સંભાવના જોવામાં આવી રહી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.