Abtak Media Google News

૩૨ ગામોને હવે ખેતી માટે દિવસે વીજળી મળશે

જિલ્લામાં બીજા તબક્કાની કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાવતા કૃષિ મંત્રી ફળદુ

ખેડૂતોને વર્ષો જૂની પીડામાંથી મુક્તિ મળે તે માટે રાજ્ય સરકારે કિસાન સૂર્યોદય યોજના દ્વારા દિવસે પણ ખેડૂતોને વીજળી આપવાનું ભગીરથ કાર્ય ઉઠાવ્યું છે. તેમ રાજકોટ જિલ્લા કિસાન સર્વોદય યોજનાના બીજા તબક્કાનો પ્રારંભ કરાવતા કૃષિ મંત્રી ફળદુએ જણાવ્યું હતું.

6

સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તે માટે હાથ ધરાયેલી કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કામાં બેડી માર્કેટીંગ યાર્ડ ખાતેથી રાજકોટ જિલ્લાના ૩૨ ગામમાં આ યોજનાના બીજા ચરણનો કૃષિ મંત્રી આર. સી. ફળદુએ શુભારંભ કરાવતા જણાવ્યું હતુ કે, કિસાનોને અનેક પ્રકારની અગવડતામાંથી મુક્તિ અપાવતું બીજા તબક્કાનું આ ઐતિહાસિક ચરણ મંડાયું છે.

ગુજરાતના ખેડૂતોની સુખાકારી માટે હાથ ધરાયેલી કિસાન સૂર્યોદય યોજનાના પ્રથમ તબક્કામાં સમગ્ર ગુજરાતના ૧૦૫૫ ગામડાઓને આવરી લેવામાં આવ્યા હતા. જ્યારે બીજા તબક્કામાં રાજયના ૨૭૦૨ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે, તેમ જણાવતાં મંત્રીએ ઉમેર્યું હતુ કે, ગામડાના લોકોને શહેરો જેવી સુવિધા પ્રાપ્ત થાય તે માટે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ઊર્જાના ક્ષેત્રમાં ક્રાંતિકારી કદમ ઉઠાવીને જ્યોતિગ્રામ યોજના થકી માત્ર ૧૦૦૦દિવસમાં જ ગુજરાતના તમામ ગામોમાં ચોવીસ કલાક થ્રી ફેઝ વીજ પુરવઠો પૂરો પાડયો હતો.

મંત્રીએ સત્તાને સાધન બનાવી રાજ્ય સરકારે લોકોની અગવડતાઓને સગવડતામાં પરિવર્તિત કરી છે, તેમ જણાવતાં ઉમેર્યું હતુ કે, ગુજરાતના ૧૮૦૦૦ થી વધુ ગામડાંઓના ખેડૂતોને વર્ષોજૂની પીડામાંથી મુક્તિ મળે તે માટે કિસાન સૂર્યોદય યોજના દ્વારા દિવસે પણ વીજળી ખેડૂતોને આપવાનુ ભગીરથ કદમ રાજ્ય સરકારે ઉઠાવ્યું છે.

2 2

મંત્રીએ આ તકે પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના અવસાન બદલ દુ:ખની લાગણી વ્યક્ત કરી તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા અને અગ્રણી મનસુખભાઈ ખાચરીયાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતુ. કૃષિમંત્રીએ ડિજિટલ માધ્યમથી કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કાનો શુભારંભ કરાવ્યો હતો. કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કામાં રાજકોટ તાલુકાના ૩૨ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે, આ ગામોના ખેડૂતોને આજથી જ દિવસે વીજ પુરવઠો ઉપલબ્ધ બનશે.

આ પ્રસંગે રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન વલ્લભભાઈ કથીરિયા, પીજીવીસીએલના અધિક મુખ્ય ઇજનેર જે. જે. ભટ્ટ, અધિક્ષક ઈજનેર જોષી, એપીએમસીના ચેરમેન ડી.કે. સખિયા, અગ્રણીઓ નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, ભાનુબેન બાબરીયા, નરેન્દ્રસિંહ, રસીલાબેન સોજીત્રા સહિત પીજીવીસીએલના અધિકારી – પદાધિકારીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.