Abtak Media Google News

દર વર્ષે અંગદાન અંગેની જાગૃતિ હેતુ વિશ્વ અંગદાન દિવસ ઉજવવામાં આવે છે. ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં માણસનાં મૃત્યુ પછી ચક્ષુદાન, અંગદાન કે દેહદાન કરવાની જાગૃતિ ખુબ ઓછી છે. ક્યાંક સમાજિક કે ધાર્મિક બંધનોમાં રહીને વ્યક્તિ આ અંગે કોઈ પહેલ કરતો નથી. મૃત્યુ પછી શરીર નીશ્ચેસ્ટ બની જાય છે. આવા સમયે શરીરમાં રહેલા અંગો દુનિયામાં વાસ કરી રહેલા કોઈ બીમાર કે નિ:સહાય વ્યક્તિને કામ આવી શકે છે. ધારો કે કોઈ વ્યક્તિ અંધ છે અને અન્ય વ્યક્તિનું મૃત્યુ થાય છે એ પહેલા એણે ચક્ષુદાનનું સંકલ્પ પત્ર ભરેલું છે તો તેની આંખો લઈને અંધ વ્યક્તિને આપવામાં આવે છે. જે વ્યક્તિ અંધ છે, જેણે આજ સુધી દુનિયા જોઈ જ નથી તે કોઈ મૃત્યુ પામેલ વ્યક્તિની આંખો થકી દુનિયાને જોઈ શકે છે.

Advertisement

આવી જ રીતે અંગદાનમાં કોઈ વ્યક્તિનું બ્રેન ડેડ થઈ ગયું હોય પણ તેનાં સમગ્ર અંગો કાર્ય કરતા હોય તો તેનું હ્રદય, બંને કીડની, લીવર, પેન્ક્રીયાઝ વગેરે લઈ લેવામાં આવે છે અને કોઈ બીમાર વ્યક્તિ કે જેના આ અંગોમાં કોઈ ખામી હોય અથવા આ અંગો નબળા પડી ગયા હોય તો તેનું રીપ્લેસમેન્ટ કરીને વ્યક્તિ કોઈ મોટી બીમારી કે બીમારીનાં કારણે અકાળે થતાં મૃત્યુથી  બચી શકે છે. દેહદાનમાં વ્યક્તિનું સમગ્ર શરીર દાન કરી દેવામાં આવે છે. જે મેડીકલ કોલેજ, યુનિવર્સીટીનાં વિદ્યાર્થીઓને તેનાં પર રીસર્ચ કરી, ભણવામાં કામ લાગે છે.

અંગદાનની ઈચ્છા ધરાવનાર વ્યક્તિએ પોતાના ઘરનાં સભ્યોને અગાઉથી જાણ કરવી જોઇએ.એનું કારણ એ છે કે જ્યારે પણ ભવિષ્યમાં વ્યક્તિનું બ્રેઇન ડેડ થાય તો તેના અવયવો સરળતાથી મળી શકે, જેનાથી અન્ય દર્દીને લાભ થાય. વ્યક્તિએ પોતાના સૌથી નજીકનાં કુટુંબીજનને એક અગત્યનાં ફોર્મ દસ્તાવેજ પર સહી કરવાની હોય છે. જેથી કોઇ સંજોગોમાં અકસ્માતે મગજને ઇજા પહોંચે અને તમે બ્રેઇન ડેડ થાવ તો તમારા સંકલ્પ પ્રમાણે અંગદાન લઇ શકાય.

શરીરનાં અવયવોનું દાન સ્ત્રી-પુરુષ બંને કરી શકે છે. તેને કોઇ પણ ઉંમર, ધર્મ કે જાતિ સાથે કોઇ નિસબત નથી. કોઇ ભેદભાવ નથી. કોઇ પણ વ્યક્તિ અંગદાન કરી શકે છે. બ્રેઇન ડેડ થયેલ દર્દીએ અંગદાન કર્યું હોય તો ટ્રાન્સપ્લાન્ટની ટીમ બ્રેઇન ડેડ દર્દીનું તબીબી પરીક્ષણ કરીને અવયવોનું દાન કરવા યોગ્ય છે કે નહીં તે તપાસીને તેની ચકાસણી કરે છે. શરીરમાંથી અવયવ બહાર કાઢીને તેનું પ્રત્યારોપણ કરવું એ એક વ્યવસ્થિત પ્રક્રિયા છે.તેમાં શરીરનું બિનજરૂરી ડિસેક્શન કરવામાં આવતું નથી. તેના લીધે અંતિમવિધિમાં કોઇ પણ પ્રકારની અડચણ થતી નથી. અંગદાનને મહાદાન કહેવામાં આવ્યું છે, કારણ કે તેનાંથી આ દુનિયામાંથી જતા જતા પણ કોઈ અન્ય મનુષ્યનું જીવન અમર બનાવી શકાય છે.– મિત્તલ ખેતાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.