Abtak Media Google News

ઘર આજા પરદેશી…તેરી મેરી એક જિંદડી

મુળ મધ્યપ્રદેશનો પરિવારના અધમ કૃત્યથી પરિણીતાના શહેર રાજુલામાં ચકચાર: કોર્ટમાં પરિણીતાએ જણાવી કહાની

રાજુલામાં એક ગદર ફિલ્મની યાદ અપાવતો કિસ્સો બનવા પામ્યો છે. વિગત મુજબ યુગલ કંપનીમાં સાથે કામ કરતા બંને વચ્ચે પ્રેમ પાંગરતા નવેક માસ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા અને બંને સુખીથી રાજુલામાં રહેતા હતા તે દરમ્યાન પરિણીતા પોતાના પિયર મધ્યપ્રદેશ આટો જતા તેના નારાજ પરિવારે તેની બીજે પરણાવી વહેંચી દીધી. સમગ્ર ઘટનાની જાણ રાજુલામાં પતિને થતા તેમણે લગભગ ચારેક વખત મધ્યપ્રદેશ આવન-જાવન કરી માંડ તેની પત્નીને બીજા નરાધમોના સકંજામાંથી છોડાવી છે તેમ રાજુલા આવેલી પરિણીતાએ સમગ્ર ઘટના જણાવી છે.

જાણવા મળતી વિગત મુજબ આરતીબેન ડી/ઓ મંગુ જબુ ડાબર નામની પુખ્તવયની યુવતી મું.મોહનપરા તા.ધાર જી.ધાર મધ્યપ્રદેશની રહેવાસી છે. તેના પરિવારમાં તેના પિતા મંગુ જબુ ડાબર, માતા હિરાબા, બહેન પુજા, રાજેશ, અજય, વિજય આ રીતનો તેમનો પરીવાર છે. આરતીબેનના જણાવ્યા અનુસાર તેમનો પરીવાર આર્થિક રીતે ખુબ જ પછાત છે. તેથી પરિવારને આર્થિક રીતે ઉપયોગી થવા પરિવારના સભ્ય જેવા ભરત જાવર નામના કોન્ટ્રાકટરે જાફરાબાદ સ્થિત એક ખાનગી કંપનીમાં નોકરીએ લગાડી હતી. આ કંપનીમાં રાજુલાના પીપાવાવધામ ગામનો યુવાન ભગુ સવજી સોલંકી પણ સર્વિસ કરતો હતો. આ બંને જણ વચ્ચે પ્રેમ પાંગરતા નવેક માસ પહેલા આ બન્નેએ હિન્દુ શાસ્ત્રોકતવિધિથી લગ્ન કર્યા હતા. જે આરતીના પરીવારને મંજુર ન હતા. રક્ષાબંધનના પર્વના થોડા દિવસો અગાઉ તેમના પરીવારે ભારત સીતારામ ભાભરને પીવાવાવધામ ગામે તેમના પતિ અને પરિવાર પાસે મોકલી આરતીને રક્ષાબંધન કરવા ધાર મોકલો પર્વ પતે એટલે અમે એને મુકી જઈશું તેવું કહેવડાવ્યું હતું.

આરતીના પતિ ભગુ સવજી સોલંકી અને તેના પરિવારે આ ઈસમ ઉપર વિશ્ર્વાસ રાખી તેમને રક્ષાબંધન કરવા ધાર (મધ્યપ્રદેશ) મોકલી હતી પરંતુ ત્યાં પહોંચતા જ આરતી ઉપર આફતના ઓળા ઉતર્યા હતા. આરતીએ ભગુ સોલંકી સાથે કરેલા લગ્ન તેના પરિવારને મંજુર ન હતા. આથી આરતીને તેના પિતા માંગુ જબુ ડાબર અને તેના પરિવારે મધ્યપ્રદેશમાં બે અલગ-અલગ જગ્યાએ આ માસુમ દિકરીના પૈસા લઈને લગ્ન કરાવી દીધેલ અને આરતીને ઢોર માર પણ મારેલ. આરતીએ મહામહેનતે તેના મુળ પતિ ભગુ સોલંકીનો મોબાઈલ ઉપર સંપર્ક કરી સઘળી બનેલી ઘટનાની જાણ કરતા અને પોતે અત્યારે જે ગામે નજરકેદ હાલતમાં છે તેની વિગતો પહોંચાડતા આરતીનો પતિ ભગુ જાનના જોખમે ત્યાં જઈ આરતીને લઈ સહી સલામત રીતે પીપાવાવધામ ગામે આજે સવારે આવી રાજુલા કોર્ટમાં આરતીને રજુ કરતા કોર્ટ સમક્ષ આરતીએ લેખિતમાં જણાવેલ કે હું મારા પિતાને ત્યાંથી પહેરેલ કપડે જ આવી છું. મારી સાથે કોઈ વસ્તુ સાથે લાવી નથી. આ કામે રાજુલાના એડવોકેટ હિતેષભાઈ અને હેમુભાઈ રાઠોડ રોકાયેલા છે.

આ બનાવથી આજે રાજુલા-જાફરાબાદ પંથકમાં ગદર ફિલ્મની યાદ સૌ કોઈને આવી હતી. આરતીનો પતિ ભગુએ આરતીને મધ્યપ્રદેશથી પરત મેળવવા ચાર વખત જીવના જોખમે મધ્યપ્રદેશના ધકકા ખાધા હતા. આખરે તેમને તેમની પ્રિયતમાને મેળવવામાં સફળતા મળી હતી. આ સમગ્ર બનાવમાં સ્ત્રી વેચવાનું અધમ કૃત્ય તથા હજુ પણ ભારતમાં સ્ત્રીને ખુલ્લે આમ વહેંચવામાં આવી રહ્યાનો આ બનાવ બનેલ છે. આ કેસમાં રાજુલા કોર્ટ અને ગુજરાત પોલીસની સારી ભૂમિકા સામે આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.