Abtak Media Google News

કોરોનાના કારણે ‘કોરા’ રહેલા નામચીને યુવતીને ગળેટૂંપો દઇ મોતને ઘાટ ઉતારી

હત્યા, લૂંટ અને અપહરણ સહિત અનેક ગુનામાં સંડોવાયેલા શખ્સ પેરોલ પર છુટી વધુ એક હત્યા કર્યાની કબુલાત

સીસીટીવી ફુટેજ અને બાઇક નંબરના આધારે એલ.સી.બી.એ જામનગર રોડ પરથી દબોચી લીધો

કોરોના વાયરસના કારણે લોક ડાઉન કરાયું હોવા છતાં રાજકોટથી જૂનાગઢ જવા નીકળેલી યુવતીની લોધિકા તાલુકાના ખાંભા નજીકથી ચાર દિવસ પહેલાં ગળેટૂંપો હત્યા કરાયેલી લાશ મળી આવ્યા બાદ એલ.સી.બી.સ્ટાફે સીસીટીવી ફુટેજ અને બાઇક નંબરના આધારે ભેદ ઉકેલી હત્યાના ગુનામાં સંડોવાયેલા ગાંધીગ્રામ વિસ્તારના નામચીન શખ્સને જામનગર રોડ પરથી ઝડપી લેવામાં સફળતા મળી છે. લોક ડાઉનના કારણે યુવતીને લિફટ આપી ખાંભા પાસે લઇ જઇ અજુગતી માગણી કરતા બંને વચ્ચે થયેલા ઝઘડાના કારણે હત્યા કર્યાની કબુલાત આપી છે.

લોધિકા તાલુકાના ખાંભા નજીકથી ગત તા.૧૪ એપ્રિલે અજાણી યુવતીની ગળેટૂંપો દઇ હત્યા કરાયેલી લાશ મળી આવ્યા બાદ પોલીસે મૃતકની ઓળખ મેળવવા વિવિધ દિશામાં તપાસ કર્યા બાદ મૃતક યુવતી મુળ જૂનાગઢના ટીંબાવાડી વિસ્તારની વતની અને રાજકોટના જામનગર રોડ પર આવેલી વોરા સોસાયટીમાં દોઢેક માસ પહેલાં બાવાજી પરિવારને ત્યાં ઘર કામ કરતી કિરણબેન કિશોરભાઇ પરમાર નામની ૩૫ વર્ષની ખવાસ યુવતીની ઓળખ મળી હતી.

કિરણબેન પરમાર રાજકોટથી ખાંભા કંઇ રીતે પહોચી તે દિશામાં તપાસ કરવા જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ એલસીબી પી.આઇ. એમ.એન.રાણાને તપાસ સોપતા તેને માધાપર ચોકડીથી સીસીટીવી ફુટેજ મેળવવાના શરૂ કર્યા હતા તે દરમિયાન મૃતક કિરણબેન ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલા શિતલપાર્ક પાસેના બસ સ્ટોપ પાસે જોવા મળી હતી તેમજ તેણી ૩૮ નંબરના બાઇક પર એક યુવક લિફટ આપતો જોવા મળતા બાઇક નંબરના આધારે એલ.સી.બી. સ્ટાફે તપાસ શરૂ કરી હતી.

બાઇક ગાંધીગ્રામ વિસ્તાર મહાવીરનગરના રોનક કિશોર પરમારનું હોવાનું ખુલ્યુ હતુ અને તેને પોતાના મિત્ર રોહિત નારણ દેરડીયાને આપ્યાનું તેને પોતાના માસીયાઇ ભાઇ અનિલ ઉર્ફ અજય હીરા વાળાને આપ્યુ હોવાની કબુલાત આપતા પોલીસે અનિલ ઉર્ફે અજય હીરા વાળાને જામનગર રોડ પર રૂડા બિલ્ડીગ પાસેથી ધરપકડ કરી પૂછપરછ કરતા તેને હત્યા કર્યાની કબુલાત આપી છે.

ગત ૧૩મીએ રાતે કિરણબેન પરમાર શિતલ પાર્કના બસ સ્ટોપ પાસે ઉભી હતી ત્યારે તેને બાઇકમાં લિફટ આપી શાપર, ગોંડલ, લોધિકા, રીબડા અને ત્યાંથી ખાંભા કિરણબેનની મરજીથી લઇ ગયો હતો ત્યારે કિરણબેનના મોબાઇલમાં કોઇનો ફોન આવતા તેને દુધનું ટેન્કર મળી ગયાનું અને જૂનાગઢ જતી હોવાનું જણાવ્યું હતું.

ખાંભા પાસે એક વાડીમાં અનિલ ઉર્ફે અજય વાળા અને કિરણબેન પરમાર વાડીમાં સુતા હતા ત્યારે તેણી સાથે શારીરિક સંબંધ બાંધવા માટે માગણી કરતા કિરણબેન પરમારે ઇન્કાર કરતા બંને વચ્ચે ઝઘડો થતા તેણીની ચોરણીથી ગળેટૂંપો દઇ હત્યા કરી તેણીનો મોબાઇલ લઇ ભાગી ગયાની કબુલાત આપી છે.

અનિલ ઉર્ફે અજય વાળાએ ૨૦૧૩માં ગઢડાના નવા સાજણા ગામની સીમમાં પરિણીતાને બાઇક પર લિફટ આપી તેણી પર દુષ્કર્મ આચરી સોનાના ઘરેણાની લૂંટ ચલાવી પરિણીતાનું ગળુ દાબી કૂંવામાં ફેંકી દીધી હતી સદનશીબે પરિણીતાનો બચાવ થતા અનિલ ઉર્ફે અજય વાળાની ધરપકડ થઇ હતી.

શહેરના બી ડિવિઝન વિસ્તાર બીપીન મણીભાઇ ચૌહાણને હનીટ્રેપમાં ફસાવી એક લાખની મગાણી કરી ગળેટૂંપો દઇ હત્યા કર્યાની અને ગાંધીગ્રામ વિસ્તારમાં ૨૦૧૭માં મકાનના દસ્તાવેજ બાબતે અરૂણાબેન પ્રવિણભાઇ ચૌહાણની હત્યા કરી લાશને પેટી પલંગમાં છુપાવી દીધાની કબુલાત આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.