Abtak Media Google News

કાલે વિશ્વ કેન્સર દિવસ

કેન્સર હોસ્પિટલ દ્વારા વર્ષ 2022 દરમિયાન 5000થી વધુ દર્દીઓને અપાઈ સારવાર

કેન્સર શબ્દ કોઈ પણ વ્યક્તિ માટે ભયાવહ છે. સમગ્ર વિશ્વમાં થતા કુલ મુત્યુઆંકમાં કેન્સરથી થતા મૃત્યુનું પ્રમાણ ખૂબ મોટું છે. આ સંદર્ભમાં દર વર્ષે 4 ફેબ્રુઆરીના રોજ સમગ્ર વિશ્વમાં “વિશ્વ કેન્સર દિવસ” ઉજવવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય કેન્સર અંગે જાગૃતિને પ્રોત્સાહન આપવાનો અને ગુણવત્તાયુક્ત સંભાળ, સ્ક્રીનીંગ, વહેલી તપાસ, સારવાર વગેરે બાબતે આમ જનતામાં જાણકારી ફેલાવવાનો છે. આ વર્ષની વિશ્વ કેન્સર દિવસની  થીમ છે-“કલોઝ ધ કેર ગેપ”, જે કેન્સરની સંભાળમાં જોવા મળતી અસમાનતાઓને સમજી તેને દૂર કરવા માટે જરૂરી પગલાં લેવા વિશે છે. ડબલ્યુ એચઓ દ્વારા જાન્યુઆરી માસને સર્વાઇકલ કેન્સરની જાગૃતિના માસ તરીકે ઉજવવામાં આવ્યો છે.

માનવ જાતિ 100 થી વધુ વિવિધ પ્રકારના કેન્સરથી પીડિત છે. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રીસર્ચ આઈસીએમઆરના અહેવાલ અનુસાર વર્ષ-2020માં ભારતમાં કેન્સરના કેસોની અંદાજિત  સંખ્યા 13  લાખ 92 હજારની, 2021મા 14 લાખ 26 હજારની જયારે 2022માં 14 લાખ 61 હજારથી વધુની હોવાનું જાણવા મળ્યું છે.  ભારતમાં દર નવમાંથી એક વ્યક્તિને કેન્સર થઇ શકે છે.  પુરુષોને ફેફસાંનું અને સ્ત્રીઓને સ્તન કેન્સર થવાની શકયતાઓ વધુ હોય છે.

કેન્સરથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય કેન્સરની વહેલી તપાસ કરાવવી એ જ છે. જેના દ્વારા કેન્સરને વહેલી તકે ઓળખી કેન્સરના જીવલેણ કોષોને શરીરના અન્ય ભાગોમાં ફેલાતા અટકાવી શકાય છે.

કેન્સર જાહેર થવાની બીકને લીધે જ ઘણા લોકો કેન્સર સ્ક્રીનીંગ કરાવવામાં અચકાતા હોય છે.  લોકો પોતાની બીમારીને સ્વીકારવા કરતાં અજાણ્યા રહેવાનું વધુ પસંદ કરે છે. પરંતુ આ અજ્ઞાનથી રોગ દૂર  થવાને બદલે વકરે છે.  સમસ્યાનો ઉકેલ લાવવાનો એક માત્ર રસ્તો એ છે કે શરીરમાંથી રોગને દૂર કરવાના પ્રયાસો કરવા. રાજકોટ ખાતે કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા માટે વેકરીયા ફાઉન્ડેશન, ગ્રીવા ફાઉન્ડેશન, કુંડારીયા ફાઉન્ડેશન જેવા અનેક સેવાકીય સંસ્થાઓ સતત પ્રયત્નશીલ રહી કેન્સર સામે લોકજાગૃતિ કેળવવાના  કાર્યક્રમો યોજે0 છે. ગ્રીવા ફાઉન્ડેશન દ્વારા “વિશ્વ કેન્સર દિવસ” નિમિત્તે રૈયા રોડ સ્થિત સી.એ.ભવન ખાતે કેન્સર અંગે જાગૃતિલક્ષી કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. આ ઉપરાંત વેકરીયા ફાઉન્ડેશન દ્વારા પણ બ્રેસ્ટ કેન્સર માટે સ્ત્રીઓને સમજ આપી મેમોગ્રાફીની સહાય પણ કરવામાં આવે છે.

કેન્સરથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય વહેલુ નિદાન: ડો.મીના શાહ

સૌરાષ્ટ્ર કેન્સર કેર એન્ડ રીસર્ચ ઇન્સ્ટિટયૂટના ડો. મીના શાહ  જણાવે છે કે કેન્સરના દર્દીઓમાં પૈકીના મોટા ભાગના દર્દીઓ બીજા કે ત્રીજા સ્ટેજ દરમિયાન સારવાર માટે પહોંચે છે, ત્યારે સારવાર દ્વારા રીકવરીની શકયતા ખૂબ ઘટી જાય છે. દર્દીઓ જો તેમના શરીરની જાત તપાસ કરતા રહે અને જરા પણ શંકા જેવું લાગે તો તરત જ કેન્સર અંગેની તપાસ કરાવી વહેલી તકે નિદાન મેળવે તો કેન્સરને પ્રારંભિક તબક્કામાં જ અટકાવી શકાય છે.

3000 કિશોરીઓને  ગર્ભાશયના  મુખના કેન્સરની પ્રતિરોધક રસી અપાઈ:  ડો. ગુપ્તા

રાજકોટ કેન્સર હોસ્પિટલના ડો. ગુપ્તા જણાવે છે કે સૌરાષ્ટ્રમાં કેન્સર રોગના ઉપચાર માટે રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર કેન્સર કેર એન્ડ રીસર્ચ ઇન્સ્ટિટયૂટ અને રાજકોટ કેન્સર હોસ્પિટલમાં વ કાર્યરત છે, જયાં વર્ષ 2022માં 5000 જેટલા દર્દીઓએ કેન્સરની સારવાર મેળવી હતી. પુરુષોમાં મોઢા, ફેફસા અને અન્નનળીના કેન્સરના અને સ્ત્રીઓમાં સ્તન અને ગર્ભાશયના મુખના કેન્સરના કેસોનું વધુ પ્રમાણ જોવા મળ્યું છે.  મોઢાના કેન્સરના 85% દર્દીઓ કોઈને કોઈ રીતે તમાકુનું સેવન કરતા હતા.

રાજકોટ કેન્સર હોસ્પિટલમાં જ કુંડારીયા કેન્સર પ્રીવેન્શન ફાઉન્ડેશન દ્વારા ગર્ભાશયના મુખના કેન્સરની પ્રતિરોધક રસી પણ આપવામાં આવે છે. હાલ સુધીમાં 3000 જેટલી કિશોરીઓને આ રસી આપવામાં આવી છે. ગર્ભાશયના મુખનું કેન્સર એટલે કે સર્વાઇકલ કેન્સર અટકાવવા માટે નવ વર્ષથી લઈ 26 વર્ષ સુધીની વય જૂથની મહિલાઓને વેક્સિન આપી શકાય છે. જેમાં 9 થી 14 વર્ષ સુધીની કિશોરીઓને વેક્સિનના બે ડોઝ તેમજ 15 થી 26 વર્ષની કિશોરીઓ/યુવતીઓને વેકસીનના ત્રણ ડોઝ આપવામાં આવે છે. આ વેક્સિનથી સર્વાઇકલ કેન્સર થવાની શક્યતા 99 પ્રતિશત ઘટી જાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.