Abtak Media Google News

કેન્દ્રમાં ભાજપ સરકારના 9 વર્ષ પૂર્ણ થતા હાલારમાં ઉજવણી સાથે સાંસદ પુનમબેન માડમ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના સંકલ્પ સાથે 9 વર્ષ સફળતાપૂર્વક પુરા કર્યા છે, જેની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે, જામનગરમાં પણ સાંસદ પૂનમબેન માડમે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં મોદી સરકારની કામગીરી અંગે વિગતવાર માહિતી આપી હતી અને આગામી દિવસોમાં હાલારના બંને જિલ્લા દ્વારકા અને જામનગરના વિકાસ માટે મોદી સરકાર સતત કાર્યશીલ રહેશે તેમ જણાવ્યું હતું. વધુમાં સાંસદે જણાવ્યું કે મારા નવ વર્ષના કાર્યકાળ દરમ્યાન જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં અનેકવિધ વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે, મને 20 લાખ લોકોનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી છે જેનો મને આનંદ છે, કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની વિવિધ યોજના થકી હાલારના બંને જિલ્લાનો વિકાસ થયો છે, મહત્વના એવા ઓખા-બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજનું કામ ટુંક સમયમાં જ પૂર્ણ થશે.

સાંસદે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારની વિવિધ યોજનાથી જામનગર જિલ્લાને ખુબ જ લાભ થયો છે, હાલમાં ભારતના આઝાદી કા અમૃત મહોત્સવની દેશભરમાં ઉજવણી થઇ રહી છે, જેના ભાગરુપે તા.30 એપ્રિલથી તા.30 જુન સુધી આ ઉજવણી કરવામાં આવશે, બેટ-દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણના મંદિરમાં હજારો દર્શનાર્થીઓ આવે છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા દરિયામાં બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે જેનું કામ નજીકના ભવિષ્યમાં પૂર્ણ થશે અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે આ સિગ્નેચર બ્રિજનું ઉદઘાટન થાય તેવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

મરીન નેશનલ એકેડમી વિશે બોલતા સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે મોજપમાં નેશનલ એકેડમી ફોર કોસ્ટલ પોલીસીનું નિર્માણ રુા.470 કરોડના ખર્ચે કરવામાં આવનાર છે ત્યારે પશ્ર્વિમ ભારતની સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત મહત્વનું છે અને આ એકેડમીનું ખાતમુર્હુત ગૃહમંત્રી અમીતભાઇ શાહે કર્યુ છે અને હવે દેશના કમાન્ડોને મોજપમાં તાલીમ મળશે.

આ ઉપરાંત દ્વારકાથી પોરબંદર નેશનલ હાઇવે પુરો થઇ ચૂકયો છે, કુરંગા પાટીયાથી દેવળીયા સુધીના નેશનલ હાઇવેનું કામ પૂર્ણતાના આરે છે, ઉપરાંત અમૃતસર સુધીના માર્ગ પ્રોજેકટમાં ધ્રોલથી પીપરીયા ચાર રસ્તા સુધીના માર્ગનું કામ પણ ગતિમાં છે, કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રિય ધોરીમાર્ગ વિભાગ હસ્તેક સંસદીપ વિસ્તારમાં નેશનલ હાઇવે મંજુર કરાયા છે જેમાં રુા.246 કરોડના ખર્ચે ધોરાજી, જામકંડોરણા, કાલાવડ રોડ, કાલાવડ-જામનગર રુા.345 કરોડના ખર્ચે ફોરલેન તેમજ રુા.32 કરોડના ખર્ચે ત્રણ પાટીયા જામજોધપુર, સમાણા, કાલાવડ રોડ મંજુર થયા છે,

સાંસદ પૂનમબેન માડમે વધુમાં કહ્યું હતું કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન સહાય યોજના હેઠળ બંને જિલ્લામાં રાશન સામગ્રીનું વિતરણ થયું છે, કોરોના કાળમાં કેન્દ્ર સરકારે વેકસીનના બે ડોઝ, બુસ્ટર ડોઝનો ચાર્જ લીધો નથી, ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ જામનગર જિલ્લામાં 9.35 હજાર અને દ્વારકા જિલ્લામાં 490561 અને મોરબી જિલ્લામાં 1547 પરીવારને વિનામૂલ્યે અનાજ અપાયું છે,

જન ધન યોજનામાં જામનગરમાં 328491 ખાતા છે જેમાં રકમ રુા.180.61 કરોડ, દ્વારકા જિલ્લામાં રુા.2.31 કરોડ જયારે ઉજવલા યોજનામાં જામનગર જિલ્લામાં 7999, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 59816 લાભાર્થીઓ છે. જામનગર જિલ્લામાં 2845ના લક્ષ્યાંક સામે 2300 મંજુર અને 1481 પૂર્ણ, દ્વારકા જિલ્લામાં 4425 લક્ષ્યાંક સામે 3350 મંજુર અને 2212 પૂર્ણ, મોરબી જિલ્લામાં 50 સામે તમામ પૂર્ણ થયા છે,

પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજનામાં જામનગર કોર્પોરેશનમાં 2560 આવાસ સામે 186.52 કરોડ અને જાડા દ્વારા 1008 આવાસ સામે 58 કરોડનો ખર્ચ થયો છે, જયારે બીઆઇસી કોમ્પોનેન્ટમાં કોર્પોરેશનમાં 1967 સામે 1467 પૂર્ણ થયા છે, જેમાં 68.85 કરોડની સહાય, જાડા દ્વારા 445 સામે 353 આવાસ પૂર્ણ થયા છે જેની રકમ 12.35 કરોડ જયારે દેવભુમિ દ્વારકા જિલ્લામાં 1415 આવાસ સામે 554 પૂર્ણ, 19.46 કરોડ અને જામનગર જિલ્લાની નગરપાલિકામાં 4446 આવાસ સામે 2617 પૂર્ણ અને રુા.109.42 કરોડની સહાય મળી છે.

જામનગરમાં કરોડોના ખર્ચે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ અંગત રસ લઇને રીચર્સ સેન્ટર બનાવવા ઉદઘાટન કર્યુ છે.  આ કોન્ફરન્સમાં મેયર બિનાબેન કોઠારી, ધારાસભ્યો મેઘજીભાઇ ચાવડા, દિવ્યેશ અકબરી, જિલ્લા પ્રમુખ રમેશભાઇ મુંગરા, શહેર પ્રમુખ ડો.વિમલ કગથરા, પ્રદેશમાંથી આવેલા પ્રશાંત પરમાર, દ્વારકા જિલ્લામાં ભાજપના પ્રમુખ મયુરભાઇ ગઢવી, મહામંત્રીઓ પ્રકાશ બાંભણીયા, મેરામણ ભાટુ, વિજયસિંહ જેઠવા, દિલીપભાઇ ભોજાણી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.