Abtak Media Google News

ખાડાઓમાં મોરમ કે મેટલીંગ કરવા, રોગચાળાને વકરતો અટકાવવા ફોગીંગ સહિતની ઝુંબેશ શરૂ કરવા અને શનિવારથી વન ડે, વન વોર્ડ સફાઈ અભિયાન શરૂ કરવા અધિકારીઓને સુચના

શહેરમાં સોમવારે મધરાત્રે પડેલા અનરાધાર ૮॥ ઈંચ જેટલા વરસાદમાં રોડ-રસ્તાને ભારે નુકસાની પહોંચી છે. અનેક રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે ત્યારે લોકોને હાલાકી વેઠવી ન પડે તે માટે રોડ પર ખડેલા ખાડાઓ તાત્કાલિક અસરથી બુરી દેવા, ચોમાસાની સીઝનમાં રોગચાળો વકરતો અટકાવવા યુદ્ધનાં ધોરણે આરોગ્યલક્ષી કામગીરી શરૂ કરવા અને શનિવારથી વન ડે, વન વોર્ડ સફાઈ અભિયાન શરૂ કરવા સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડે સંબંધિત અધિકારીઓને આદેશ આપ્યા છે.

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, ગઈકાલે શહેરમાં પડેલા ભારે વરસાદનાં કારણે રાજમાર્ગોને ખુબ જ નુકસાની થવા પામી છે ત્યારે આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પૂર્ણ થયા બાદ ત્રણેય ઝોનનાં સીટી એન્જીનીયર, આરોગ્ય અધિકારી અને પર્યાવરણ ઈજનેરને ખાસ સુચના આપવામાં આવી છે. સિટી એન્જીનીયરોને પોતાનાં વિસ્તારમાં જે-તે વોર્ડનાં ડે.ઈજનેર મારફત તાત્કાલિક અસરથી રોડ પર પડેલા ખાડાઓ બુરવા મેટલીંગ, મોરમ કે પેવિંગ બ્લોક કરવાનું કહેવામાં આવયું છે. સતત વાદળછાયા વાતાવરણમાં રોગચાળો ન વકરે તે માટે મેલેરીયા વિભાગને પણ તાત્કાલિક અસરથી ફોગીંગની કામગીરી કરવા સુચના આપી દેવામાં આવી છે. આરોગ્ય શાખાને ખાણી-પીણીની બજારોમાં ચેકિંગ કરવા સુચના અપાઈ છે. આ ઉપરાંત આગામી શનિવારથી ફરી શહેરમાં વન ડે, વન વોર્ડ સફાઈ અભિયાન કરવા અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.