Abtak Media Google News

ગુજરાતના ૬૦મા સ્થાપના દિવસ નિમિતે વિશ્ર્વભરનાં ગુજરાતીઓના સુખ-સ્વાસ્થ્યની મનોકામના કરતા રાજુ ધ્રુવ

ગુજરાત એટલે શાંતિ, સલામતી, સમૃદ્ધિ, સાહસ અને સંવેદનોનો મુલક. આ ભૂમિના કણકણમાં સત્ય, પ્રેમ અને કરુણા વસે છે. ગુજરાત રાજ્યની રચનાનાં ૬૦ વર્ષ પૂર્ણ થયાનાં પ્રસંગે ભાજપ અગ્રણી રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, ૧ મે, ૧૯૬૦નાં રોજ બૃહદ મુંબઈ રાજયમાંથી અલગ ગુજરાત રાજયની સ્થાપના  રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવી હતી ત્યારની શુભ ઘડીથી લઈ આજ દિવસ સુધી દેશ અને દુનિયામાં ગુજરાત પોતાનાં ઝડપી વિકાસ અને ગુજરાતી પ્રજાની જાજરમાન પ્રગતિ માટે જાણીતું રાજ્ય બન્યું છે. પીવાના પાણી અને વીજળીની ચોવીસ કલાક સુવિધા સાથે પાકા રસ્તા, આધુનિક બાંધકામ, અદ્યતન આરોગ્ય કેન્દ્રો, ગુણવત્તાયુકત શૈક્ષણિક સંસ્થાઓ, સ્વચ્છ પ્રવાસન-પર્યટન સ્થળો અને સુરક્ષિત યાત્રાધામો થકી ગુજરાતની રજૂ થતી ભાતીગળ સંસ્કૃતિ, રીતરિવાજ, પરંપરા, રહેણીકહેણી, સ્થાપત્યો અને આદર સત્કાર ભાવના આકર્ષણનાં કેન્દ્રબિંદુ બન્યા છે.

વર્તમાન સમયમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં મજબૂત  નેતૃત્વમાં ગુજરાત અને ગુજરાતની જનતા સ્વસ્થ, સલામત અને સુખી છે.

વિકાસશીલ ગુજરાત રાજયની પવિત્ર અને પુરાતન ભોમકા જન્મ અને કર્મક્ષેત્ર હોવાનો સૌ કોઈ ગુજરાતી ગૌરવ અનુભવે છે. ૧લી મેનો દિવસ માત્ર ગુજરાતની પ્રજા માટે જ નહીં પરંતુ, વિશ્વના ખૂણે ખૂણે વસતા આબાલ-વૃદ્ઘ, સર્વે ગુજરાતીઓ માટે ગૌરવવંતો અને સ્વાભિમાનનો દિવસ છે. ગુજરાતની ભવ્ય કલા-સંસ્કૃતિ, સંત અને શૂરવીરો, સાહિત્યકારો, જાહેર જીવનના પ્રતિષ્ઠિત અગ્રણીઓ, નેતાઓ, લોકસેવકો, દેશભકતો અને ગુજરાતી અસ્મિતાના ભેખધારીઓનાં અનન્ય પ્રદાન તેમજ સમર્પણને વાગોળવાનો, ગર્વ અનુભવવાનો આ દિવસ છે.

ગુજરાત એક અનોખું અને અદ્વિતીય અને બેજોડ રાજ્ય છે. અહીંયા સોમનાથ મહાદેવ સતત ભક્તોની રક્ષા કરે છે. દરિયાના કિનારે બેઠેલાં ભગવાન દ્વારિકાધીશ ગુજરાતીઓને સાચવે છે. તો ચોટીલાના ડુંગર પર ચામુંડા મા, અરવલ્લી ના પહાડો-ગબ્બર પર આદ્યશક્તિ મા અંબાજી,મા બહુચરાજી, પાવાગઢમાં મા મહાકાળી,  આ તમામ માતાજી ડુંગર પર બીરાજીની પોતાના બાળકોની રક્ષા કરે છે. તો આ સાથે જ સંત શિરોમણીઓ  પરબના સંત સત દેવીદાસ, સતાધાર આપા ગીગાનું દેવસ્થાન, વીરપુર જલારામ બાપા આ સંતોએ સમાજસેવા ની ધુણી પ્રગટાવી છે જેનો પ્રકાશ આજ સુધી અવિરત ચાલુ છે.

મધ્ય ગુજરાતમાં ડાકોરના ઠાકોર, ઉત્તર ગુજરાતમાં શામળાજીના શામળીયા ભગવાન, નર્મદા કિનારે કુબેર ભંડારી મહાદેવ  આ તમામ ભગવાન માતાજીમાં આસ્થા ધરાવતાં ગુજરાતીઓની તાસીર બેજોડ છે. છેલ્લા બે દશક કરતા વધુ સમયથી ભાજપ સરકારનાં રાજમાં ગુજરાત રાજ્ય સતત વિકસતું રહ્યું છે અને રહેશે.

ગુજરાતની તાસીર અલગ છે, ગુજરાતના રીત-રીવાજો, સાહિત્ય, લોકગીતો, બાળગીતો, લગ્નગીતો, કવિતાઓ,  આધ્યાત્મિક સ્થાનો, પ્રાકૃતિક સ્થળો, ઐતિહાસિક સ્થળો સહિત તમામ વસ્તુ ગુજરાત પાસે અદભૂત છે. ગુજરાતની ધરતીએ અને પ્રજાએ ભીષણ ઝંઝાવાતો, સુનામી, પૂર, ધરતીકંપો સહન કર્યા છે. વિદેશી આક્રમણોનો રકતપાત ઝેલ્યો છે. આંતરીક કુસંપ અને પીંઢારાશાહી વેઠી છે તેમ છતાં ગુજરાતની સાહસ અને શૌર્યભરી પ્રજાએ પોતાના ખમીર, પોતાની અસ્મિતાને ઊની આંચ આવવા દીધી નથી. અસ્તિત્વની સફળ લડાઈઓ લડીને ગુજરાત વિકાસમાં સદૈવ અગ્રેસર રહ્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.