Abtak Media Google News

સગા દિઠા અમે શાહ આલમના શેરીએ! ક્રુડતેલની માલિકી સાથે ધનકુબેર બનેલા અખાતી દેશો અને OPEC ના સભ્ય દેશોને આ પંક્તિ ઘરના બારણે લખેલી દેખાતી હશે. કોવિડ-૧૯ અને તેના પગલે ક્રુડતેલના ભાવમાં પડેલા ગાબડાઐ આ દેશોની ઇકોનોમી કડડભુસ કરી નાખી છે. કારણ કે મોઘું સોનું ખરીદવું પરવડે તેમ નથી, ક્રુડતેલમાં વળતર નથી અને હવે પ્રવાસીઓ આવતા નથી. હવે ઘણા એવા દેશો છે જ્યાં રમજાન મહિનો શરૂ થયો હોવાથી મજબુરીમાં લોકડાઉન ખોલી નાખવા પડ્યા છે.  દુબઇ અને તેની સાથે જોડાયેલા છ દેશોનો સમુહ પણ આમાંથી બાકાત નથી. દુબઈની હાલત ખરાબ છે, દુબઈનો વધુમાં વધુ વેપાર ઈરાનની સાથે હતો. ઈરાનની ઘણી ખરીદી દુબઈથી થતી હતી. દરમિયાન અમેરિકા અને ઈરાનના સંબંધો બગડ્યા હતા. જેના નકારાત્મક પરિણામ દુબઈને ભોગવવા પડ્યા. બીજી તરફ અમેરિકા અને ચીન વચ્ચેની ટ્રેડ વોરના કારણે દુબઈના વેપાર-ધંધાની કમર તુટી ગઈ. અધુરામાં પૂરું દુબઈનું ૨૦૨૦નું સ્વપ્ન પણ રોડાઈ ગયું. ૨૦૨૦ પ્રોજેકટ પાછળ અબજોનો વેપલો કરવાની ઈચ્છા દુબઈની હતી જે ધુળધાણી થઈ ગઈ. કોરોનાને રોકવા કડક લોકડાઉનના પગલા લેવા છતાં દુબઈમાં કેસ વધી રહ્યાં છે. કોરોનામાં આરોગ્ય કરતા આર્થિક પરિસ્થિતિ ખરાબ છે. આર્થિક રીતે મરણ પથારીએ પહોંચી જવાશે તેવી દહેશતના પગલે દુબઈમાં રહેતા વિદેશીઓને પોતાના વતન પરત જવા સરકારે સાફ શબ્દોમાં કહી દીધું છે કે જેમને પોતાના દેશમાં પાછા જવું હોય તે જઇ શકે છે જેમને દુબઇમાં રહેવું હોય તે તેમના જોખમે રહી શકે છૈ! મંદીના કારણે ઘણા પાકિસ્તાનીઓ વતન ભણી રવાના થઇ રહ્યા છે.

એમ તો ભારતમાં પણ સરકારે ધીમે-ધીમે લોકડાઉન ઘટાડવાની જાહેરાત કરવા માંડી છે. જે ગરીબ મજૂ્રો તથા મધ્યમ વર્ગીય દુકાનદારોને ફરી કારોબાર શરૂ કરાવશે. પરંતુ ભારતનો એક મોટો લાભ છે તેની એગ્રિકલ્ચર ઇકોનોમી. જ્યારે અખાતી દેશોની મુખ્ય આવક જ ક્રુડતેલ અને પ્રવાસન છે. એમાં પણ ગત સપ્તાહે ક્રુડતેલનાં ભાવ -૩૭ ડોલર એટલે કે નેગેટિવ થયા તેનાથી આ દેશો હચમચી ગયા છે. એકતરફ એક કરોડની વસ્તીમાં કોવિડ-૧૯ નાં ૧૦૦૦૦ કેસ , રોજનાં નવા ૫૦૦ કેસનો ઉમેરો અને સોનાની બજારોમાં કારોબાર લગભગ બંધ..! કદાચ આજ કારણ છે કે સરકારનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ દુબઇ-૨૦૨૦ એક્સ્પો જે ઓક્ટોબર-૨૦ માં યોજાવાનો હતો તે હવે એક વર્ષ પાછો ઠેલવાના સમાચાર આવ્યા છે. એક્સ્પો-૨૦૨૦ થી સરકાર ૩૩.૪ અબજ ડોલરનું મુડીરોકાણ અને ૯૦૦૦૦૦ જણને રોજગારી પુરી પાડવાની સરકારની ગણતરી હતી. પરંતુ હવે ભાવિ અધ્ધરતાલ થઇ રહ્યું છે.

આમ જોઇઐ તો WTI ક્રૂડતેલનાં ભાવ નેગેટિવ થયા હતા જ્યારે આ દેશોમાં મોટા ભાગે બ્રન્ટ ક્રુડનો વેપાર થયા છે. હજુ પણ આખાતી દેશોના ઇકોનોમિસ્ટો માને છે કે ૨૦૨૦ માં બ્રન્ટ ક્રુડતેલનાં સરેરાશ ભાવ ૩૫ ડોલર રહે તો ઇકોનોમી ટકી જશે. અહીં WTI ક્રુડતેલનાં ભાવ નેગેટિવ થવાનુ કારણ સમજવું જોઇઐ. ક્રુડતેલની વૈશ્વિક સરેરાશ દૈનિક ખપત ૧૦૦ મિલીયન બેરલ છે જ્યારે વૈશ્વિક સમુદાય સરેરાશ દૈનિક ૮૫ મિલીયન બેરલ ક્રુડતેલનું ઉત્પાદન કરે છે. બાકી થોડો સ્ટોક હોય છે. અને જેમ સ્ટોક વધુ ઓછો થાય તેમ એ દેશો ઉત્પાદન વધુ કે ઓછૂં કરતા હોય છે. હવે જો ૬૬ ટકા વિશ્વ લોકડાઉનના કારણે એક મહિનો બંધ રહે,  મતલબ કે ક્રુડતેલનાં વપરાશમાં અચાનક ૬૬ ટકા જેટલો ઘટાડો થાય તો શું? ઉત્પાદકો રાતોરાત આટલા મોટા પ્રમાણમાં ઉત્પાદન કાપ મુકે તો તેમને પ્રોડક્શન કોસ્ટમાં પરવડે નહી. તેથી છેલ્લા થોડા સમયમાં વધતા ઉત્પાદન સામે સ્ટોરેજ વધવા માંડ્યું. હાલમાં ક્રુડતેલની સ્ટોરેજ માટે ખાલી વેસલો જ નથી.

હવે અગાઉથી CME અક્સચેન્જ ઉપર ક્રુડતેલ વેચીને બેઠેલા ઉત્પાદકો હાજરમાં માલ વેચવાને બદલે વાયદો પુરો થયે ડિલીવરી દેવાના મુડમાં હતા જ્યારે જેમની ખરીદી ઉભી હતી તેમની પાસે ડિલીવરી લઇને ક્રુડતેલ સ્ટોરેજ કરવાની સુવિધા નહોતી. તેથી તેઓ કોઇપણ ભોગે તેમના સોદા સેટલ કરવા ઇચ્છતા હતા. પરિણામ એ આવ્યું કે તેઓ ક્રુડતેલ તો મફતમાં વેચવા ઉપરાંત લઇ જનારને ૩૭ ડોલર સુધીનું સ્ટોરેજ વળતર આપવા તૈયાર થઇ ગયા જેના પરિણામે CME ઉપર ક્રુડતેલનાં ભાવ માઇનસ ૩૭ ડોલર થયા હતા.  જો કે આ ભાવ સંજોગો આધારિત એકદમ મર્યાદિત ગાળા માટે હતા. તેથી ઇતિહાસમાં સૌ પ્રથમવાર બનેલી ઘટનાને ભુલી જઇઐ તો આગળ જતાં બ્રન્ટ ક્રુડતેલ અને WTI વચ્ચેના ભાવનો તફાવત વધૈ તો અખાતી દેશોને ફાયદો થાય. નહીતર દુબઇ સહિતનાં દેશોનો સુવર્ણકાળ ઇતિહાસ બની શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.