Abtak Media Google News

૧૫ થી ૧૭ લાખ યુવાનોને નોકરીની ઝંખના

અટકાવેલી ભરતી પ્રક્રિયા આગળ નહીં વધે તો આંદોલન: બેરોજગારોની ચીમકી

સરકારનાં વિવિધ વિભાગમાં અટકી પડેલી ભરતી પ્રક્રિયા પુન: શરૂ કરવા બેરોજગાર યુવાનોએ માંગ કરી છે. તાત્કાલિક યોગ્ય ન્યાય ન મળે તો ગાંધી ચિંઘ્યા માર્ગે આંદોલન છેડવાની પણ ચીમકી આપવામાં આવી છે. ઘણા લાંબા સમયથી (લગભગ ૩ થી ૪ વર્ષથી) ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષા કોઈને કોઈ કારણોસર અટકાવી દેવામાં આવી છે. અમુક ભરતી એવી છે કે જેમાં ઘણા મહિનાઓથી (અમુક તો વર્ષોથી) તમામ ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ચુકી છે. ફકત નિમણુક આપવાની જ બાકી છે તો પણ સરકારે આગળની કાર્યવાહી કરી નથી.

અમુક ભરતી એ પ્રકારે છે જેમાં સરકારી પરીક્ષાઓનું નોટીફીકેશન બહુ લાંબા સમયથી આવી ચુકયું છે. (લગભગ ૨ વર્ષ) ભરતી જાહેર પણ થઈ ચુકી છે અને સરકારી ઢીલાશને કારણે પરીક્ષા લેવાની બાકી છે અને કોઈ નિશ્ર્ચિત તારીખ આપવામાં આવતી નથી અને આવી તો ગુજરાતમાં અંદાજીત ૪૦,૦૦૦ જેટલી જગ્યાઓ માટેની પ્રક્રિયા અલગ-અલગ તબકકે અટકાવી દીધેલ છે અને જેના કારણે ગુજરાતનું અંદાજે ૧૫ થી ૧૭ જેટલું યુવાધન બેરોજગારીના ઓછાયા હેઠળ જીવી રહ્યું છે. શિક્ષિત બેરોજગાર યુવાનનું ભાવી અત્યારે અઘ્ધરતાલ થઈ ગયું છે અને છેલ્લા ૨-૩ વર્ષથી બેરોજગાર બેઠા છે અને ભવિષ્ય અંધકારમય બની ગયું છે.

જે ભરતીમાં માત્ર નિમણુક આપવાની બાકી છે તે આપી દેવામાં આવે. (શરતી નિમણુક પણ થઈ શકે). જે ભરતીની પ્રાથમિક/ મુખ્ય પરીક્ષા કે કોમ્પ્યુટર ટેસ્ટ કે ઈન્ટરવ્યુ થઈ ગયા છે તેના પરિણામ જાહેર કરવામાં આવે. (શરતી પરિણામ પણ આવકારી શકાય). જે ભરતીની જાહેરાત થઈ ગઈ છે પરંતુ તેની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં નથી આવી તો તેની સત્વરે તારીખ જાહેર કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે. સરકાર દ્વારા જે ૦૧/૦૮/૨૦૧૮નાં જી.આર.નું કારણ આપીને ભરતી અટકાવી છે તો આ વિવાદિત જી.આર.નું બંધારણીય રીતે નિરાકરણ લાવવામાં આવે. સરકારની ઢીલાસના કારણે છેલ્લા ઘણા વર્ષોથી (આશરે ૪-૫ વર્ષ) અટકાવેલ ભરતીઓમાં કેટલાક ઉમેદવારોની વય-મર્યાદા પૂર્ણ થઈ ગયેલ છે જેના માટે સરકાર હકારાત્મક પગલા ભરી એમને છુટછાટ આપવામાં આવે તેવી લાગણી છે.

વહેલામાં વહેલી તકે બેરોજગાર યુવાનોને ન્યાય આપવામાં આવે. ઝડપથી ન્યાય આપવામાં નહીં આવે, કે ગંભીરતાપૂર્વક લેવામાં નહીં આવે, તો ના છુટકે શિક્ષિત બેરોજગાર યુવાનો ગાંધીનગર ખાતે ગાંધી ચિંઘ્યા  માર્ગે એકઠા થઈને ન્યાય મેળવવાના રસ્તે ચાલશે તેમ બેકાર યુવાનોએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.