Abtak Media Google News

જયપુરથી જેસલમેર ખસેડાયેલા ગેહલોત જુથના ૧૧ ધારાસભ્યો ગુમ થતા સરકારની મુશ્કેલી વધી

દેશના સૌથી જૂના રાજકીય પક્ષ કોંગ્રેસમાં દાયકાઓથી આંતરિક જૂથબંધી ચાલે છે. આ જુથબંધીનાં કારણે કેન્દ્ર અને મોટાભાગના રાજયોમાંથી કોંગ્રેસની સરકાર ગઈ હોવા છતા કોંગ્રેસીઓ સુધરતા નથી મધ્યપ્રદેમાં આવી જુથબંધીથી જ સરકાર ગયા બાદ રાજસ્થાનમાં પણ પાયલોટના બળવા બાદ કોંગ્રેસનો માંચડો તુટી રહ્યો છે. રાજયપાલે ૧૪મી ઓગસ્ટે વિધાનસભાનું સત્ર બોલાવવાની મંજૂરી આપ્યા બાદ મુખ્યમંત્રી ગેહલોતે સરકારને તુટતી બચાવવા પોતાના જુથના ધારાસભ્યોને જયપૂરથી ખાસ વિમાનમાં જેસલમેરની હોટલમાં ખસેડયા છે. જોકે, જેસલમેર ખસેડાયેલ ગેંહલોત જુથના ધારાસભ્યોમાંથી છ મંત્રી અને પાંચ ધારાસભ્યો એમ ૧૧ ધારાસભ્યો ગાયબ થઈ જતા ગેહલોત માટે સરકાર બચાવવી મુશ્કેલ બની છે. અને રાજસ્થાનમાં રાષ્ટ્રપતિ શાસનના વાદળો ઘેરાયા હોય જેથીસ્થિતિ ઉભી થવા પામી છે.

સચિન પાયલોટ જુથના ૧૯ ધારાસભ્યોના બળવા બાદ રાજસ્થાનમાં કોંગ્રેસની અશોક ગેહલોત પર રાજકીય સંકટના વાદળો ઘેરાયા હતા. ગેહલોતે રાજયપાલને અનેકવખત મળીને વિશ્ર્વાસ મત મેળવવા માટે વિધાનસભાનું સત્ર બોલાવવાની માંગ કરી હતી જેથી રાજયપાલ કલરાજ મિશ્ર આગામી ૧૪મી ઓગષ્ટે વિધાનસભાનું સત્ર બોલાવવાની મંજુરી આપી હતી. આ સત્ર વચ્ચેના ૧૫ દિવસના સમયગાળામાં કોંગ્રેસના વધુ ધારાસભ્યો ન તૂટે તે માટે ગેહલોતે પોતાના જુથના તમામ ધારાસભ્યોને ગઈકાલે ત્રણ ખાસ વિમાનો દ્વારા જેસલમેર ખસેડયા હતા. આ ધારાસભ્ને જેસલમેર મોકલતા સમયે મુખ્યમંત્રી ગેહલોતે તેમની સરકારને તોડવા ભાજપ હોર્સ ટ્રેડીંગ કરી રહ્યાનો અને ધારાસભ્યો ના ભાવ પણ વધારી નાખ્યાનો આક્ષેપ કરીને તેમના જયપૂરમાં રહેલા ધારાસભ્યો અને તેના પરિવારજનો પર ભાજપ માનસીક દબાણ લાવી રહ્યાનું જણાવીને લોકશાહીને બચાવવા આ ધારાસભ્યોને જેસલમેર ખસેડવામાં આવી રહ્યાનો દાવો કર્યો હતો.

ગઈકાલે સાંજે જયપૂરથી ખાસ ત્રણ વિમાનો દ્વારા ગેહલોત જુથના ધારાસભ્યોને જેસલમેર મોકલવામાં આવ્યા હતા જેમાં ગેહલોતના બહુમતિ ધારાસભ્યો તેમની સાથે હોવાના દાવાથી વિપરીત ૯૭ ધારાસભ્યો જે જેસલમેર મોકલાયાની વિગતો વહેતી થઈ હતી. દરમ્યાન જેસલમેર પહોચેલા ધારાસભ્યોમાંથી પણ છ મંત્રીઓ અને પાંચ ધારાસભ્યોગાયબ થઈ ગયા હોવાની ચર્ચાઓ જોર પકડયું છે. જેના ગાયબ થઈ જવાની ચર્ચા થઈ રહી છે. તેમાં પરિવહન મંત્રી પ્રતાપસિંહ ખાચરીવાલ આરોગ્યમંત્રી ડો. રઘુ શર્મા, રમતગમત મંત્રી ચાંદનન, કૃષિમંત્રી બાલચંદ કટારીયા, રાજયમંત્રી સુભાષ ગર્ગ, સહકાર મંત્રી ઉદયલાલ અંજના, ધારાસભ્યો જગદીશ જંગીડ, અમિત ચાકન, પરશુરામ મોરડીયા, બાબુલાલ બેટવા, બલવાન પુણિયાનો સમાવેશ થાય છે. આ ૧૧ ધારાસભ્યો ગાયબ થવાની ચર્ચાથી હાલકડોલક થતી ગેહલોત સરકાર પર વધારે રાજકીય દબાણ ઉભુ થયાની અને આગામી સમયમાં રાજસ્થાનમાં રાષ્ટ્રપતિ શાસન નિશ્ર્ચિત હોવાનું રાજકીય પંડિતોમાં ચર્ચાઈ રહ્યું છે.

ગેહલોત જુથના ધારાસભ્યોના જેસલમેરમાં કરાયેલા સ્થાનાંતર બાદ વિધાનસભામાં કોંગ્રેસના ચીફ વ્હીપ મહેશ જોષીએ સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખખટાવ્યા છે. સચિન પાયલોટ અને તેના જુથના ધારાસભ્યોને વિધાનસભાના સ્પીક્રે આપેલી ગેરલાયક ઠેરવવાની નોટીસના મુદે યથાવત સ્થિતિ જાળવી રાખવાના રાજસ્થાન હાઈકોર્ટના ૨૪મી જુલાઈના હુકમને જોષીએ સુપ્રીમમાં પડકાર્યો છે. આ પહેલા વિધાનસભા અધ્યક્ષ સી.પી. જોષીએ સુપ્રીમ કોર્ટમાં આ મુદે કરેલી અરજીને પાછી ખેંચી હતી. હવે ચીફ વ્હીપ મહેશ જોષી સુપ્રીમ કોર્ટમાં પહોચતા વધુ એક કાનુની જંગ અગામી સમયમાં મંડાનારો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.