Abtak Media Google News

મેરા ભોલા હે ભંડારી કરે નંદી કી સવારી

પોઠીયો ,કાચબો, ગર્ભ દ્વાર ,વાઘ ના શિલ્પ ,કાલભૈરવ ઉંબરા જળાધારી જે મનુષ્યના જીવન જીવવામાં એક આદર્શરૂપ છે

આપણે અનેક શિવાલયમાં દર્શન કરવા જતાં જ હોય છીએ. શું તમે શિવાલયમા જાવ ત્યારે શિવલિંગની સાથે આપ નંદી મહારાજ અને કાચબાને પણ તો પગે લાગો જ છો ને? તો આવો જાણીએ તેમના પાછળનું આ રહસ્ય.

શિવનું વાહન નંદી કહેવાય છે. એટલે શિવ મંદિરમાં નંદી તો અચૂક પણે જોવા મળે છે. કેટલોક લોકો તો પોતાની મનશા પણ નંદીના કાનમાં કહેતાં હોય છે, એ માન્યતા સાથે કે નંદી તેની ઈચ્છાઓને મહાદેવ સુધી પહોંચાડશે. તમે શિવ મંદિરમાં કાચબો પણ જોયો હશે. . શું તમને ક્યારેય એ સવાલ થયો છે કે કેમ શિવ મંદિરમાં નંદીની આગળના ભાગમાં કાચબો કેમ અચૂકપણે જોવા મળે છે ? આપણે એ તો જાણીએ છીએ કે નંદી દેવાધિદેવનું વાહન છે એટલે એ તો મંદિરમાં હોય જ પણ કાચબો કેમ હોય છે ? શું કાચબો કોઈ બાબતનું પ્રતિક છે? શિવાલયમાં કાચબો શું સૂચવે છે .ભગવાન શિવનાં મંદિરને શિવાલય અથવા શિવ મંદિર કહેવામાં આવે છે. અન્ય ભગવાનોનું સ્થાપન મંદિરોમાં મૂર્તિ સ્વરૂપે થાય છે

પરંતુ અજન્મા એવા ભગવાન શિવનું સ્થાપન લિંગ સ્વરૂપે થાય છે. મહાદેવનાં શણગાર તથા પૂજાવિધિમાં પણ જંગલની કુદરતી વસ્તુઓનો જ ઉપયોગ જોવા મળે છે. જેમાં વનનાં ફૂલો ધતુરો, બીલીપત્ર, રુદ્રાક્ષ શણગાર તરીકે, શરીર ઉપર ભસ્મનું લેપન, વાહનમાં પોઠિયો, વગાડવામાં ડમરું, શરીરે જટાજૂટ સર્પોની માળા અને પોશાકમાં હાથી કે વાઘનું ચામડું હોય છે. પૂજાવિધિમાં પાણીનો લોટો અને થોડા બીલીપત્રનાં પાન. શિવને આમ તો મંદિરની પણ જરૂર નથી, પથ્થરનાં ઓટલે, ઝાડની નીચે, ડુંગરની ટોચે પણ આ મહાદેવજીની સ્થાપના થાય છે.

ખાસ રીતે કરવામાં આવી છે શિવાલયની રચના

શિવાલયની રચના બે ભાગમાં હોય છે જેમાં આગળનો ભાગ મંદિર અને અંદરનો ભાગ ગર્ભગૃહ (ગર્ભાગાર-ગભારો) કહેવાય છે. જેમાં મનુષ્યના જન્મથી અંત સુધીના સંસ્કાર તેમાં પ્રગટ થાય છે. શિવાલયમાં આગળનાં ભાગમાં કાલ ભૈરવનું સ્થાપન કરવામાં આવે છે. જે યમનું પ્રતીક માનવામાં આવે છે. દેહ સાથે જોડાયેલી મૃત્યુની વાત જન્મતાં જ જાણી લેવી જોઈએ.

મંદિરમાં છે કાલભૈરવની મૂર્તિ

‘જે જોયું તે જાય’ એ ચરિતાર્થ કરવા માટે શરૂઆતમાં જ કાલ ભૈરવની મૂર્તિ હોય છે. તે મૃત્યુનાં પ્રતીક રૂપે છે. શિવાલયમાં પ્રથમ ભાગ એવા મંદિરમાં પ્રવેશતા પોઠિયાનું સ્થાપન થાય છે. જે પરિશ્રમ અને ભારવહનનાં પ્રતીક તરીકે ઓળખાય છે. તેના સ્થાપન દ્વારા એવું સમજાવાય છે કે જીવનમાં પોતાના ફાળે આવેલ કોઈ પણ કામ લાલચ કે લાલસા વગર કરવું જોઈએ.

શિવાલયના ગર્ભદ્વારના ઉંબરાની બંને બાજુએ વાઘના શિલ્પ

શિવાલયનાં બીજા ભાગમાં ગર્ભદ્વારનાં ઉંબરે વાઘનાં શિલ્પોનું સ્થાપન કરવામાં આવે છે. ગર્ભદ્વારનાં ઉંબરાની બન્ને બાજુ વાઘનાં શિલ્પો કંડારેલાં હોય છે. વાઘ ચોકસાઈ અને ધારણાવાળું પ્રાણી છે જેનું નિશાન ઘણું ચોક્કસ હોય છે જે ભાગ્યે જ ખાલી જાય છે. મનુષ્ય એ પણ પોતાના જીવનનાં ચોક્કસ ધ્યેયો ચોકસાઈથી પાર પાડવા જોઈએ. શિવાલયનાં ગર્ભદ્વારની બરોબર વચ્ચે ભગવાન શિવના લિંગની સ્થાપના કરવામાં આવે છે. શિવના લિંગના સ્થાપનની એક ખાસ વિશેષતા છે કે ભગવાન શિવ અજન્મા છે તેથી તેના સ્થાપન સમયે તે લિંગનો પ્રવેશ દરવાજેથી થતો નથી પરંતુ તે મંદિરનાં ગર્ભાગારની ટોચેથી કરવામાં આવે છે. શિવલિંગ હદય અને આત્માનું પ્રતીક છે.

શિવાલયમાં કરાય છે પોઠિયા કાચબાનું સ્થાપન

શિવાલયમાં પોઠિયા પછી કાચબાનું સ્થાપન કરવામાં આવે છે. કાચબો પોતાની બધી જ બહારની ઈન્દ્રિયોને સંકોરી, પોતાની જાતમાં સમાવી શકે છે. મનુષ્ય માટે પણ બહારની ઈન્દ્રિયો (આંખ, કાન , જીભ , હાથ અને પગ) ઉપર કાબુ અને સંયમ આવશ્યક છે. પોતાની જાત સંકોરી ચાલવાની વાત સમાજમાં પ્રચલિત છે. જે કાચબાનાં સ્થાપન દ્વારા પ્રમાણિત થાય છે. શિવાલયમાં કાચબાની ડાબી બાજુએ ઉત્તર દિશા બાજુ મુખે ગણેશનું સ્થાપન કરવામાં આવે છે. ગણેશ વિઘ્નોનાં હરનાર કહેવાય છે. ગણપતિમાં બીજાની નાનામાં નાની વાત સાંભળીને પેટમાં રાખવાની ટેવ, પરિસ્થિતિનો ક્યાસ કાઢતા અને ઝીણી નજરે નીરખવાની ટેવ છે, જે દરેક મનુષ્યમાં હોવી જોઈએ. એ રીતે ગણેશનાં કાન મોટા, આંખ નાની, પેટ મોટું રખાયા છે. તે ઉપરાંત ગણેશ પ્રજ્ઞા-બુદ્ધિના દેવ ગણાય છે. મનુષ્ય માટે બુદ્ધિ જીવન જીવવાની આવડતમાં આવશ્યક વસ્તુ છે. શિવાલયમાં ગણેશની બરોબર સામેની બાજુ એટલેકે દક્ષિણ દિશા બાજુના મુખે હનુમાનજીની સ્થાપન કરવામાં આવે છે. હનુમાન બ્રહ્મચર્ય-શકિત અને સેવાનાં ઉદાહરણ રૂપે છે. જે મનુષ્ય ને જીવન જીવવામાં એક આદર્શરૂપ નિવડે છે.

શિવાલયમાં છે ખાસ જળાધારી

શિવાલયમાં શિવલિંગની ફરતે થાળું અને ઉપર જળાધારી તથા સર્પનું સ્થાપન કરવામાં આવે છે. તેમાં થાળું શિવલિંગની ફરતે ગોળાકાર લિંગનાં માપ જેટલું વધારે હોય છે. શિવલિંગ ઉપર જે પાત્ર લટકાવવામાં આવે છે તેને જળાધારી કહે છે. જેમાં પાણી ભરીને લિંગ ઉપર સતત અભિષેક થાય છે. આ ઉપરાંત ભકતો દ્વારા કરવામાં આવતા પાણી અને દૂધનાં અભિષેકનાં પ્રવાહીને વહેવા માટેની જગ્યા કરવામાં આવે છે. જેને ઉતર દિશામાં ગર્ભાગારની બહાર કાઢવામાં આવે છે. જ્યાં નાની કુંડી કરીને તેમાં સમાવી દેવામાં આવે છે. આમ થાળું અને જળાધારી કુંડલીની શક્તિ (દેહમાં રહેલી આંતર્ચેતના) દર્શાવે છે. જ્યારે શિવલિંગ ઉપર સર્પ એટલે કે નાગનું છત્ર હોય છે. જે જાગૃતિ અને ચંચળતાને પ્રગટ કરે છે. શિવાલયમાં શિવલિંગની બરોબર પાછળ મા પાર્વતીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે. જે ભક્તિ અને નમ્રતાનાં પ્રતીકરૂપે છે. પાર્વતી શ્રદ્ધા અને ભક્તિના ગુણો પ્રગટ કરે છે. મનના આંતરિક ગુણોમાં ભક્તિ, શ્રદ્ધા,નમ્રતા અને તપ જરૂરી ગણાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.