Abtak Media Google News

આ વિશ્વાસ  સ્વરૂપનું  વિશ્વાર્પણ છે: બાપુ

અબતક, રાજકોટ

રાજસ્થાનમાં મોરારીબાપુની કથાના પ્રારંભ પૂર્વે દુનિયાની સૌથી ઉંચી શિવ પ્રતિમાનું લોકાર્પણ કરતા બાપુએ એવું જણાવ્યું હતુ કે આ લોકાર્પણ નહી વિશ્ર્વાસસ્વરૂપનું વિશ્ર્વાસર્પણ છે.  રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોત, યોગગુરુ બાબા રામદેવ, સ્વામી ચિદાનંદજી (ઋષિકેશ), ડો.સીપી જોશી-વિધાનસભા અધ્યક્ષ, વિપક્ષ નેતા કટારિયાજી, સાંસદ મહોદયા તેમજ શાંતિ ધારીવાલનાં હસ્તે  વ્યાસપીઠ પાસે લોકાર્પણ થયું હતુ.પ્રાસંગિક ઉદ્બોધનમાં મદનભૈયાએ તુમ ત્રિભુવન ગુરુ બેદ બખાના કહી દરેકને પોતાની પ્રતિમા હોય છે કહીને 36 વરસ પહેલા 7 નવેમ્બર 1986માં આવી જ એક કથામાં કૌતુકવશ ગયા પછી આજે એ જ કૌતુક જોઇ રહ્યો છું એમ જણાવ્યું.મુખ્યમંત્રી શ્રી ગેહલોતે બાપુની કથા વિશ્વને પ્રેમ,સદ્ભાવનો સંદેશ આપતી ગણાવી.ચિદાનંદજી(ઋષિકેશ)એ બાપુને સરળતા, સાત્વિકતા, સજગતાની મૂર્તિ, સિધ્ધિ, બુધ્ધિ, શુધ્ધિનાં ધારક ગણાવતા કહ્યું કે આજે માત્ર પ્રતિમાનું અનાવરણ જ નથી થયું પણ આપણી પરંપરાઓનું સ્થાપન થયું છે એમ કહ્યું.બાબા રામદેવે બાપુને માત્ર વ્યક્તિ જ નહિ વિશ્વની સનાતન સંસ્કૃતિ ગણાવ્યા.મૂર્તિકાર નરેશ કુમાવત સહિત અનેક લોકોનું વ્યાસપીઠ પર અભિવાદન  કરાયું હતુ.

મંગલાચરણનાં આ બે શ્લોકને બીજ રૂપે લઇ આ રામકથાનો આરંભ કરતા બાપુએ જણાવ્યું કે  આખી દુનિયામાં સ્પર્ધા નહીં આ શ્રદ્ધાની શ્રેષ્ઠ ઊંચાઈ છે.બાપુએ કહ્યું કે વિશ્વમાં સૌથી ઊંચી શિવની પ્રતિમા પ્રતિભાવંત પ્રતિમા છે.લોકાર્પણ કેમ કરવું એની ઘણી ચર્ચાઓ પછી શિવજીની જ પ્રેરણાથી નક્કી થયું કે નવ દિવસની રામકથાના માધ્યમથી આ કાર્ય થાય.શિવના ઘણા સ્વરૂપો છે પણ આ કેન્દ્રમાં વિશ્વાસ સ્વરૂપ છે.ક્યારેક ગુરુકૃપા અને ગુરુએ આપેલી દ્રષ્ટિથી જોઉં છું તો લાગે છે કે શિવનાં બાર સ્વરૂપનું દર્શન છે અને આમાં મૂળ શિવની અષ્ટમૂર્તિ અષ્ટપ્રધાન મૂર્તિના કેન્દ્રમાં આ સ્વરૂપ છે.રામચરિત માનસમાં માત્ર એક જ વખત શુદ્ધ સંસ્કૃતમાં વિશ્વાસ સ્વરૂપમ શબ્દ આવ્યો છે અને 26 વખત વિશ્વાસ શબ્દ દેહાતી ભાષામાં આવ્યો છે.ભગવાન શ્રીનાથ વિશ્વનાથને મળવા આવ્યો છે.રસરાજ નટરાજને મળવા આવ્યો છે.

શ્રીનાથજી પ્રભુ ગિરિરાજને ધારણ કરે છે અને મહાદેવને હિમાચલ કૈલાશ પોતાના મસ્તક પર ધારણ કરે છે.આ પાવન અવસર ઉપર એવું લાગે છે કે ઘણી ઘટના જોઈ નથી સાંભળી નથી કે મનની સીમામાં એનું આકલન પણ નથી કર્યું એ ઘટના આજે આપણે જોઈ રહ્યા છીએ.નિમિત પણ શિવ છે અને નિર્મિત પણ શિવ છે.વિશ્વાસ સ્વરૂપ ભૂમિથી નહીં પણ જાણે કે આસમાનથી ઉતારાયો છે.આપણે એને નહીં લાવી શકીએ એ ખુદ પ્રગટ થયો છે.આની સૌથી વધારે ખુશી વ્યાસપીઠને છે.મંગલાચરણના આ બે મંત્રોના ગાનથી નવ દિવસની કથા ચાલશે. બાપુએ કહ્યું કે જેને બોધ થઈ જાય એ ક્યારેય વહેંચાઈ નથી જતો પરંતુ અવિભાજ્ય બને છે.એ પછી વંદના પ્રકરણ ગુરુ વંદના સાથે આજની કથાને વિરામ અપાયો.

રસરાજ-શ્રીનાથજીની પાવન ભૂમિ પર નટરાજ-શિવની પ્રતિમા-વિશ્વાસસ્વરૂપમ્ નાં દિવ્ય લોકાર્પણ સાથે વિક્રમનાં નવા વરસની પહેલી રામકથાનોં પ્રારંભ પણ કર્યો છે. પધારો મ્હારો રાજસ્થાન આતિથ્યને સંગ વિશ્વાસસ્વરૂપમ્ -સ્ટેચ્યૂ ઓફ બિલીફનું દિવ્ય રામકથા, ભજન, ભોજન ત્રિવેણી રંગે લોકાર્પણઉત્સવનો આરંભ થયો હતો.  ભાજપાનાં પ્રદેશ અધ્યક્ષ ડો.સતિશ પુનિયા,મેવાડનાં રાજઘરાનાનાં પૂર્વ સભ્ય  લક્ષ્યરાજસિંહ હાજર રહ્યા હતા.આ વિશાળકાય આયોજનનાં મુખિયા મદનભૈયા(મદનલાલ પાલિવાલ)પરિવાર તથા તત્ પદમ્ સંસ્થા દ્વારા 51 વિઘા જમીન પર ભજન અને ભોજન માટે દિવ્ય શમિયાણો,1 લાખથી વધારે લોકોને ત્રણ સમય ભોજન,તમામ સુવિધાઓ સાથે 3200 બેડની અસ્થાયી શિવનગરી, 10000થી વધારે વાહનો માટે પાર્કિંગ સુવિધા,મેવાડી-રાજસ્થાની સ્થાનિક લોકો માટે 4800 ચોરસફીટમાં રામરસોડું અવિરત પ્રસાદ વિતરણ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.