Abtak Media Google News

આતંકવાદી પ્રવૃત્તિઓને કાબુમાં લેવા આકરી જોગવાઈવાળુ યુએપીએ બિલ લોકસભામાં વિપક્ષોના વિરોધ વચ્ચે બહુમતિથી પસાર: હવે રાજયસભામાં રજૂ કરાશે

છેલ્લા થોડા દાયકાઓથી દેશમાં બેફામ બનેલી આતંકવાદી પ્રવૃત્તિઓના મૂળીયા ઉખેડી નાખવાની દિક્ષામાં મોદી સરકારે વધુ એક મહત્વપૂર્ણ પગલુ ભર્યું છે. મોદી સરકારે ગઈકાલે લોકસભામાં આતંકીઓને ભરી પીનારો કડક ખરડા અનલોકૂલ એકટીવીટી પ્રિવેન્સન એમેન્ડમેન્ટ બિલ ૨૦૧૯ (યુએપીએ)ને પસાર કરાવ્યો છે. આ ખરડા સામે વિપક્ષો કોંગ્રેસ, બસપા, તૃણમૂલ એનસીપી અને ડીએમકેએ ભારે વિરોધ નોંધાવીને લોકસભામાંથી વોકઆઉટ કર્યો હતો. જે બાદ આ ખરડાને બહુમતીથી પસાર કરવામાં આવ્યો હતો. આ ખરડામાં આતંકવાદી પ્રવૃત્તિને સીધી કે આડકતરી મદદ કરનારને પણ આતંકવાદી જાહેર કરવાની એનઆઈએને વિશાળ સત્તા આપવામા આવી છે.

Advertisement

લોકસભામાં ગઈકાલે પસાર થયેલા યુએપીએ ખરડામાં નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી એનઆઈએને અસીમિત અધિકારો અને સત્તા આપવામાં આવી છે. અત્યાર સુધી આ કેન્દ્રીય તપાસ એજન્સીને આતંકવાદી પ્રવૃત્તિઓ કરનારાઓને જે રાજયોમાંથી પકડવાના હોય તે રાજયનાં ડીજીપીની મંજૂરી લેવી પડતી હતી. પરંતુ હવે આ ખરડામાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ એનઆઈએને આવી મંજૂરીની જરૂર નહી રહે ઉપરાંત ડીએસપીકે એસપી કક્ષાના અધિકારીઓ પણ આતંકી કેસની તપાસ કરી શકશે. આતંકવાદીઓને ટેરરફંડ કે છુપાવવા સહિતની કોઈપણ પ્રકારની સીધી કે આડકતરી મદદ કરનારાઓને પણ આતંકવાદી જાહેર કરીને તેની સામે આકરા પગલા લઈ શકાશે. સુધારેલા આ ખરડામાં સંગઠનોની સાથે સાથે આતંકી ગતિવિધિઓમાં સંડોવાયેલા લોકોને પણ આતંકી જાહેર કરવાની જોગવાઈ છે. બસપા અને એનસીપીએ પણ ખરડા પર આંગળી ઉઠાવી હતી. કોંગ્રેસે પણ આ ખરડાના મુદ્દે ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો.  લોકસભામાં ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાએ આ ખરડાને ખતરનાક અને લોકવિરોધી ગણાવીને તેને પાછો ખેંચવાની માગ કરી હતી. લોકસભામાં પસાર થયા બાદ સરકાર હવે  રાજ્યસભામાં યુએપીએ ખરડાને પસાર કરાવશે. આતંક વિરોધી ખરડા યુએપીએ પરની ચર્ચાને જવાબ આપતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આતંકવાદ પર ઉગ્ર પ્રહાર કરવા માટે કડકમાં કડક કાયદાની જરૂરત છે. સરકાર આતંક સામેની લડાઈ લડતી હોવાથી કડક કાયદો જરૂરી છે.  કઈ સરકાર લઈને આવી છે તેનું  મહત્ત્વ નથી. આજે કોંગ્રેસ આ કાયદાનો વિરોધ કરે છે પરંતુ ૧૯૬૭માં ઈન્દિરા ગાંધીની સરકાર આ કાયદો લઈને આવી હતી. લોકસભામાં યુએપીએ ખરડાના મુદ્દે શાસક અને વિપક્ષ વચ્ચે ચડચાચડસી થઈ હતી. વિપક્ષી સાંસદોએ આ ખરડાને ખતરનાક અને જનવિરોધી તથા બંધારણ વિરોધી ગણાવ્યો હતો. ઓવૈસીએ તો આ ખરડાને મુસ્લિમ અને દલિત વિરોધી ગણાવી દીધો. ગૃહમંત્રી શાહે એનસીપી સાંસદ સુપ્રિયા સૂલેના સવાલનો જવાબ આપતાં કહ્યું કે જે લોકો વૈચારિક આંદોલનનું મહોરું પહેરીને શહેરી નકસલવાદને પ્રોત્સાહન આપે છે તેમને માટે સરકારના દિલમાં જરા પણ દયા નથી. સરકાર જરા પણ આવી પ્રવૃતિ સહન નહીં કરે.

કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીના વાંધાઓને જવાબ આપતા શાહે કહ્યું કે મોદી સરકારે યુએપીએ કાયદાની કલમ ૨૫ સામેલ કરી નથી, અમે તો ફક્ત સુધારો કર્યો છે. આ કાયદા હેઠળ પહેલા પણ આરોપી પર નિર્દોષ જાહેર કરવાની જવાબદારી નહોતી અને આગળ પણ નહીં હોય. ગૃહમંત્રીએ કહ્યું કે કોઈ વ્યક્તિ આતંકી ગતિવિધિઓને અંજામ આપતો હોય અથવા તો તેમાં ભાગ લેતો હોય તો તેને આતંકવાદી જાહેર કરી શકાય છે. કોઈની પાસે બંધૂક મળી આવે અથવા હોય તો તે આતંકવાદી બની જતો નથી, પરંતુ તેના મનમાં આતંકી વિચારસરણી હોય છે તેથી તે આતંકવાદી બને છે. દેશમાં બેફામ બનેલી આતંકવાદી પ્રવૃતિઓને કડક હો ડામી દેવાની જોગવાઈ સોના આ ખરડો લોકસભામાં ૨૮૭ વિરુધ્ધ ૮ મતોથી પસાર થયા બાદ હવે મોદી સરકાર માટે તેને રાજ્યસભામાં પસાર કરાવવું આકરુ છે. કારણ કે, રાજ્યસભામાં હજુ પણ એનડીએ બહુમતિથી થોડીક છેટી છે જેથી તેને બીજા રાજકીય પક્ષોની મદદ લેવી પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.