Abtak Media Google News
  • હાઇકોર્ટ બાર એસોસિએશન દ્વારા બે મિનીટનું મૌન પાડી અને કામગીરીથી અલિપ્ત રહેવા કર્યો ઠરાવ
  • સુપ્રીમ કોર્ટની કોલેજીયમ સિસ્ટમ દ્વારા તેલગણા અને ગુજરાતના જસ્ટીશની બદલીના ઘેરા પ્રત્યાઘાત

સુપ્રીમ કોર્ટના પાંચ જજની કોલેજીયમની બેઠક ગત બુધવારે મળ્યા બાદ ગુજરાત અને તેલગણા હાઇકોર્ટના જસ્ટીશની થયેલી બદલીના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ગુજરાત હાઇકોર્ટ જસ્ટીશ નિખિલ કારૈલ અને તેલગણાના જસ્ટીશ અભિષેક રેડ્ડીની થયેલી બદલીના કારણે બંને હાઇકોર્ટ બાર એસોસિએશન દ્વારા વિરોષ વ્યક્ત કરવામાં આવ્યો છે.ગુજરાત હાઇકોર્ટના વકીલ મંડળ દ્વારા ગઇકાલે અરજન્ટ બેઠક બોલાવી જસ્ટીશ કારૈલની પ્રમાણિકતા અને તટસ્થતાની પસંશના કરી તેમની પટણા ખાતે થયેલી બદલી અયોગ્ય હોવાનું કહ્યું હતું. આ ભલામણ ન્યાય તંત્રની સ્વતંત્રાની મૃત્યુ ઘંટ સમાન ગણાવી બે મિનીટ સુધી તમામ એડવોકેટ દ્વારા મૌન પાડી હાઇકોર્ટના ચીફ જસ્ટીશ અરવિંદકુમારને રજૂઆત કરી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીશને રજૂઆત માટે પ્રતિનિધિ મંડળ દિલ્હી જશે તેમજ હાઇકોર્ટની કામગીરીથી વકીલો અચોક્કસ મુદત માટે અલિપ્ત રહેવાનો ઠરાવ કર્યો છે.

ગુજરાત હાઈકોર્ટ એડ્વોકેટ્સ એસોસિએશને સર્વાનુમતે નક્કી કર્યું છે કે, હાઈકોર્ટના જસ્ટિસ નિખિલ કારેલની ટ્રાન્સફર કરવા અંગે જે ભલામણ કરાયેલી છે, તેનો સર્વાનુમતે આકરો વિરોધ કરવામાં આવે છે. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સમક્ષ થયેલી રજૂઆત બાદ, જીએચએએની સામાન્ય બેઠક મળેલી અને તેમાં ઠરાવ પસાર કરાયેલો કે ગુરુવારે બપોરે અઢી વાગ્યાથી તમામ એડ્વોકેટ્સ કોર્ટની કામગીરીથી અળગા રહેશે. આ બાબતને લઈને ગુજરાત હાઈકોર્ટના એડ્વોકેટ્સના પાંચ સભ્યોનુ એક પ્રતિનિધિમંડળ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ, સુપ્રીમ કોર્ટના કોલેજિયમના અન્ય જસ્ટિસ અને ગુજરાતના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ અને હાલ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમનાથ તથા ગુજરાત હાઈકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં પદોન્નિત થયેલા જસ્ટિસને રજૂઆત કરશે.

હાઈકોર્ટના પાંચ સભ્યોના આ પ્રતિનિધિ મંડળમાં ઈન્ચાર્જ પ્રમુખ, સેક્રેટરી સહિતના અન્ય લોકો રહેશે. જેઓ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને મળીને વિનંતી કરશે કે ટ્રાન્સફરની આ ભલામણ સંદર્ભે ફેર વિચારણા કરો. ઠરાવમાં એ પણ કહેવાયુ છે કે, જસ્ટિસ નિખિલ કારેલ તટસ્થ અને પ્રામાણિક જસ્ટિસ છે. ખરા અર્થમાં તેમની આ ટ્રાન્સફર યોગ્ય નથી. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા અને કોલેજીયમ દ્વારા જ્યાં સુધી આ બાબતનો યોગ્ય ઉકેલ લાવશે નહીં ત્યાં સુધી એડ્વોકેટ્સ કામકાજથી અળગા રહેશે. ટ્રાન્સફર માટેની આ ભલામણ એ ન્યાયતંત્રની સ્વતંત્રતા માટે બનાવવામાં આવેલા નિયમો પર આ એક કુઠારાઘાત સમાન પગલુ છે.

જીએચએએનો એક સુર છે કે, જસ્ટિસ કારેલ એ પ્રામાણિક, ન્યાયી, બિનપક્ષપાતી વ્યક્તિ છે. જીએચએએની હવે પછીની બેઠક 21 નવેમ્બરે સવારે સાડા દસ કલાકે ફરીથી મળશે અને સ્થિતિની સમીક્ષા કરશે.જીએચએએના સભ્યો અને સિનિયર કાઉન્સેલોએ બાર એસોસિએશનના આ ઠરાવ અંગે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસને જાણ કરીને વિનંતી કરેલી કે હાઈકોર્ટના અન્ય જસ્ટિસને પણ સંદેશ આપશો કે હમણા કોઈ કૈસમાં નકારાત્મક હુકમ કરશો નહીં. જીએચએએની આ રજૂઆત સામે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે બારના સભ્યો અને સિનિયર કાઉન્સેલને કહેલુ કે તમારી રજૂઆત કરો તે યોગ્ય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.